કિરણ કાપુરે (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોનાનું સૌથી મોટું નુકસાન બાળકોને થયું છે અને તેમાં પણ જે બાળકોએ માતા-પિતા ગુમાવી દીધા હોય તેઓનું નુકસાન ભરપાઈ થઈ શકે એવું નથી. કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા આ સંબંધ જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો તે મુજબ દેશમાં 577 બાળકો કોરોનાના કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગે મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આ બાળકોની દેખરેખ માટે પૂરતી કાળજી લેવા અંગે નિર્ધાર દાખવ્યો છે અને તેમનો વિભાગ સતત રાજ્યોના સંપર્કમાં છે તેમ પણ કહ્યું છે.
જોકે અનેક રાજ્યોએ આ મુદ્દે પોતાની રીતે કામ આરંભી દીધું છે. કેરળ આ બાબતે જે પગલાં લીધા છે તે સરાહનીય છે. કેરળ સરકાર આવાં બાળકોને તુરંત ત્રણ લાખની સહાય આપશે. ઉપરાંત તેઓને મહિને 2000ની રકમ 18 વર્ષ સુધી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે. આર્થિક મદદ ઉપરાંત રહેવાની સગવડ મળે તે માટે પણ કેરળ સરકાર યોજના બનાવી ચૂકી છે. આ બાળકો માટે લાંબા ગાળાનું આયોજન અનિવાર્ય છે અને તે માટે કેરળ સરકારે એક આઈએએસ ઓફિસરને નીમ્યા છે, જેઓ આ બાળકોને મળતી સગવડ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત જે બાળકો નાનાં છે તેમની અલગથી વ્યવસ્થા થાય તે માટે પણ કેરળ સરકાર પ્રયત્નશીલ છે. અને આવાં બાળકોને ઝડપથી સુવિધા મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર પણ શરૂ કર્યો છે.
Advertisement
 
 
 
 
 
કોરોનામાં માબાપ ગુમાવનારા બાળકોની મોટી સંખ્યા આંધ્રપ્રદેશમાં પણ છે અને તે માટે આંધ્રપ્રદેશ સરકારે સ્પેશિયલ કેર મળે તે રીતે વ્યવસ્થા ગોઠવી છે. જેઓ ગરીબી રેખાની નીચે જીવતાં હોય તેવાં પરિવારમાં માતા-પિતા ગુમાવ્યાં હોય તો બાળકના ખાતામાં દસ લાખ રૂપિયા ફિક્સ ડિપોઝીટ રૂપે મૂકવાની જાહેરાત આંધ્ર સરકારે કરી છે. આ ફિક્સ ડિપોઝિટથી મળનારું વ્યાજ બાળકના મહિનાના ખર્ચમાં વપરાશે અને જ્યારે બાળક પચ્ચીસ વર્ષની ઉંમરે પહોંચશે ત્યારે તેને દસ લાખ મળશે. આ ઉપરાંત અનાથ બાળકો માટે યોગ્ય ગાર્ડિયન શોધવા માટે પણ આંધ્ર પ્રદેશ સરકાર પ્રયાસ કરી રહી છે.
મહારાષ્ટ્રમાં આ રીતે માતા પિતા કે તે બેમાંથી કોઈ એકને ગુમાવનારાં બાળકોની સંખ્યા 2,290 છે. આ બાળકોની યોગ્ય વ્યવસ્થા થાય અને દેખરેખ થાય તે માટે મહારાષ્ટ્ર સરકાર વ્યવસ્થા કરી રહી છે. ઉપરાંત તેઓને ચાઇલ્ડ ટ્રાફીકીંગમાં અટકાવવા માટે પણ મહારાષ્ટ્ર સરકારના પ્રયાસ છે. આર્થિક સહાય માટે મહારાષ્ટ્ર સરકાર વર્ષે સ્કોલરશીપ આપવાનું વિચારી રહી છે.
ઉત્તર પ્રદેશ સરકારે પણ આવા બાળકોની જવાબદારી સ્વીકારવાની જાહેરાત કરી છે. અનાથ બાળકોના લાંબા ગાળાના આયોજન માટે પણ ઉત્તર પ્રદેશ સરકાર પ્રતિબદ્ધતા જાહેર કરી છે, પણ તત્કાલ કોઈ આર્થિક લાભ આપવાનું ઉત્તર પ્રદેશ સરકારના નિવેદનમાં નથી. ઉત્તરાખંડ મહિને ત્રણ હજાર રૂપિયા બાળકોને આપવાની છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને ઓરિસ્સા સરકારે આવા બાળકોની નોંધ લઈને તેમના ભવિષ્ય માટે કામ શરૂ કર્યું છે. ઓરિસ્સા સરકારની જાહેરાતમાં વિનામૂલ્યે શિક્ષણ અને મહિનાનું પેન્શન નક્કી કરવામાં આવ્યું છે.
Advertisement
 
 
 
 
 
કેરળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને દિલ્હી જેવાં રાજ્યોમાં આવાં બાળકોની સંખ્યા કેટલી છે તે માટે સરકાર માહિતી એકઠી કરી રહી છે. આપણાં રાજ્યમાં હજુ આ પ્રક્રિયા આરંભાયેલી દેખાતી નથી. પ્રમાણમાં વિકસિત કહેવાતું આપણું રાજ્ય પ્રજાની કાળજી અને આ કિસ્સામાં તો બાળકોની કાળજી રાખવામાં કેમ પાછળ રહી જાય છે તે અત્યાર સુધી થયેલાં વિકાસ પર સવાલ ઊભો કરે છે.
ગુજરાત દ્વારા પણ અનાથ નિરાધાર બાળકોને ટેકો આપવા માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના જે લાભો જાહેર કર્યા છે તે અનુસાર,
૧૮ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો કે જેમના માતા- પિતા બંનેનું કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાને લીધા વિના દર મહિને પ્રત્યેક બાળક દિઠ રૂ. ૪,૦૦૦ રાજ્ય સરકાર આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે આપશે.
જે બાળકોનો ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને ૨૧ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં આવરી લઈને આવકની મર્યાદાના બાધ સિવાય દર મહિને રૂ. ૬,૦૦૦ની સહાયનો લાભ આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.
Advertisement
 
 
 
 
 
૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક- યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની ૨૪ વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફ્ટર કેર યોજના અન્વયે દર મહિને રૂ. ૬,૦૦૦ની સહાયનો લાભ મળશે.
એટલે કે, તમામ પ્રકારના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.
રાજ્યના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતીના બાળકોને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજુર કરાશે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અને આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકના તમામ નિગમોની તમામ યોજનાઓના લાભો આવકમર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય પાત્રતા ધરાવતા બાળકોને આપવાના રહેશે.
એટલું જ નહી, રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતની આવકમર્યાદા ધ્યાનમાં લીધા સિવાય અગ્રતાના ધોરણે અપાશે.
આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઇપણ જાતની આવકમર્યાદા સિવાય પ્રાયોરિટીના ધોરણે અપાશે.
૧૪ વર્ષથી ઉપરની વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજના અન્વયે સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે અપાશે.
જે દિકરીઓ એ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર થયેલી કન્યાઓને શિક્ષણ માટે કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં અગ્રતા/પ્રાયોરેટી આપવામાં આવશે. હોસ્ટેલ ખર્ચ પણ અપાશે.
આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર આપશે.
કોરોનાના સમયગાળા દરમિયાન માતા-પિતા ગુમાવનારા અનાથ બાળકોને મુખ્યમંત્રી અમૃતમ “મા” કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર પણ અગ્રતાના ધોરણે અપાશે.
આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (NFSA) અન્વયે અગ્રતાના ધોરણે આવરી લેવાશે. જેથી આવા પરિવારોને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે મળવાપાત્ર અનાજ મળી રહે.