ડૉ. ચિંતન  વૈષ્ણવ (મેરાન્યૂઝ.અમદાવાદ):  સમગ્ર વિશ્વમાં અત્યારે જેનો કહેર ચાલી રહ્યો છે એવા કોરોના વાયરસ વિષે હજુ સુધી દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ અને સંશોધનકારો પણ જ્યારે સંપૂર્ણપણે માહિતગાર નથી ત્યારે આપણા શહેર અને ગામમાં શેરીએ શેરીએ કેટલાય બુદ્ધિજીવીઓ પોતે કોરોનામાં પીએચ.ડી. થયા હોય એવી વાતો કરતાં નજરે પડી રહ્યા છે. જ્ઞાની માણસ અને અજ્ઞાની માણસ આ બંને સારા પરંતુ અધૂરા જ્ઞાની માણસ ક્યારેક આપણને મુશ્કેલીમાં મૂકી દે એવું પણ બને. 

 હમણાં જ ગયા અઠવાડિયે એક મહાનગરમાં એવું બન્યું કે, કૌશિક નામના એક 24 વર્ષીય યુવકના સ્વાદેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય એકાએક કામ કરતાં બંધ થઈ ગયા. તેને કોઈપણ પ્રકારનો સ્વાદ અને ગંધ આવવાના બંધ થઈ ગયા. થોડી થોડી અને ક્યારેક ક્યારેક ઉધરસ પણ આવતી હતી. શરીરમાં કોઈ પ્રકારની અશક્તિ, તાવ, શરદી, કળતર, માથાનો દુઃખાવો એવું કશું જ નહીં. 2-3 દિવસ તો ભાઈને કશી ખબર પડી નહીં પરંતુ એક દિવસ ક્યાક તેણે વાંચવામાં આવ્યું કે, સ્વાદ અને ગંધ આવવાના બંધ થાય તો એ કોરોના હોવાના લક્ષણો છે. 

આ વાંચ્યા બાદ તે થોડો ગભરાયો અને સીધો જ ભાગ્યો પોતાના વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેંટરમાં ટેસ્ટિંગ માટે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત દરેક મહાનગરોમાં વર્ષ 2009 થી આ અર્બન હેલ્થ સેન્ટર્સ કાર્યરત છે. એકંદરે 68000 ની વસતિ દીઠ એક અર્બન હેલ્થ સેન્ટર ફાળવવામાં આવે છે. આ સિવાય તાલુકા લેવલે અને ગામડાઓમાં સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટર્સ કાર્યરત હોય છે. તેમજ જિલ્લા કક્ષાએ મોટા શહેરોમાં સરકારી દવાખાનાઓ ઉપલબ્ધ હોય છે કે જ્યાં તમે કોવિડ-19 નો ટેસ્ટ કરાવી શકો છો.

આ દિવસ શનિવારનો હતો. કૌશિક જ્યારે હેલ્થ સેન્ટરે પહોંચ્યો ત્યારે તેને જાણવા મળ્યું કે, શનિવાર અને રવિવારે હેલ્થ સેન્ટરમાં રજા રાખવામાં આવે છે. તેણે મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી હેલ્થ ઓફિસર સાહેબનો સરકારી મોબાઈલ નંબર મેળવીને તેમને ફોન કર્યો અને પોતાને કોરોનાની અસર હોવાનું જણાવ્યું અને ટેસ્ટ કરી આપવા વિનંતી કરી. સામે છેડેથી સરકારી ભાષામાં જ પ્રત્યુત્તર મળ્યો કે, “…ભાઈ શનિ અને રવિ રજા હોય એટ્લે તમે સોમવારે આવજો. અથવા બહુ ઈમરજન્સી હોય તો સરકારી દવાખાને જતાં રહો...” 

કૌશિકને ખૂબ નવાઈ લાગી કે અત્યારના આવા મહામારીના સમયમાં દવાખાના બંધ રાખવા એ વ્યાજબી વાત નથી. આથી તેણે તરત જ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસરનો નંબર મેળવીને તેને ફોન કર્યો અને વિગતો જણાવી. મોટા સાહેબ તો નાના સાહેબ કરતાં પણ ઉગ્ર સ્વભાવના નિકળા અને કહ્યું કે, “...અમારે પણ રજા જોઈએ. 108 બોલાવીને તમે સિવિલમાં જતાં રહો...” કૌશિકે થોડી દલીલો કરી અને પોતે પોતાના 67 વરસના મમ્મી સાથે એક રૂમના મકાનમાં ભાડે રહેતો હોવાથી પોતે વધુ ચિંતિત હોવાની વાત કરી અને મદદ કરવાની આજીજી કરી પરંતુ સામે છેડેથી ફોન કટ કરી નાંખવામાં આવ્યો. ફરીથી કૌશિકે ફોન કર્યો પરંતુ મેડિકલ ઓફિસરે રિસીવ કર્યો નહીં. 

આ બધી લપમાં શનિવાર પૂરો થઈ ગયો. રવિવારે કૌશિક 108 ને ફોન કરીને પોતાને સિવિલમાં લઈ જવા જણાવે છે પરંતુ 108 દ્વારા આવી કોઈ સગવડતા આપવાનો ઇનકાર કરે છે. આથી આ બિચારો ગરીબ છોકરો કે જેની પાસે સાઇકલ પણ નથી અને મોબાઈલ પણ ઓફિસનો વાપરે છે તે પોતાના શેઠ પાસેથી થોડા ઉછીના પૈસાની વ્યવસ્થા કરીને સ્પેશિયલ રિક્ષા કરીને શહેરની બહાર દૂર આવેલા સરકારી દવાખાનામાં પહોંચે છે. ત્યાં પોતાને કોરોનાના લક્ષણો જાણતા હોય ટેસ્ટ કરી આપવા વિનંતી કરે છે. 

બે કલાકના વેઇટિંગ બાદ તેનો ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ કલાક પછી તેના ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યું છે, જલ્સા કરો એવું જણાવીને કૌશિકને રવાના કરવામાં આવે છે. કૌશિક મોજમાં આવી જાય છે અને ઘરે આવીને એના મમ્મીને અને ફોન પર તેના શેઠને પોતે નેગેટિવ હોવાના ખુશખબર આપે છે. તેના શેઠ ભણેલની સાથે ગણેલ પણ હોય છે એટ્લે તે કૌશિકને એવું જણાવે છે કે, “સ્વાદ ન આવવો અને ગંધ ન આવવી એ કોરોનાના જ પ્રાથમિક લક્ષણો છે. તું સોમવારે અર્બન હેલ્થ સેન્ટર પર જઈને ફરીથી ટેસ્ટ કરાવતો આવ.”

કૌશિકને પોતાની તબિયત સારી જણાતા અને કેટલાક ઉપર જણાવ્યા પ્રમાણેના કોરોનામાં વિધાવાચસ્પતિની લાયકાત ધરાવનારા આડોશી પાડોશીઓનું માનીને પોતે સોમવારે ટેસ્ટ કરવવા જવાને બદલે પોતાની નોકરીએ ઓફિસે પહોંચી જાય છે. ત્યાં તે આખો દિવસ પોતાનું કામ કરે છે. કેટલાય લોકોના સંપર્કમાં આવે છે. અન્યો પણ આરામથી અને કોઈપણ જાતના ડર વગર કૌશિકને મળે છે કારણકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ વાતની જાણ સાંજે તેના શેઠને થાય છે અને તે ફોન પર તેની પર ખીજાય છે અને બીજા દિવસે હેલ્થ સેન્ટર પર જઈને આર.ટી.-પી.સી.આર. નામનો ટેસ્ટ કરાવી આવવા આદેશ કરે છે. 

કૌશિક મંગળવારે ટેસ્ટ કરાવવા જાય છે અને ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા બાદ દવા આપવાની માંગણી કરે છે પરંતુ હેલ્થ સેન્ટરમાથી ટેસ્ટનું પરિણામ ન આવે ત્યાં સુધી કોઈ દવાની કે સારવારની જરૂર નથી એવું જણાવી કૌશિકને રવાના કરે છે. શેઠ કૌશિકને પોતાની એક બીજી ઓફિસમાં કે જ્યાં કોઈ આવતું જતું નથી ત્યાં એકલો રહેવા અને કોરન્ટાઇન થવા જણાવે છે છત્તા તે પોતાને કંઈ નથી એવું માનીને પોતાના એક રૂમના મકાનમાં પોતાના મમ્મી સાથે જ રહે છે. બીજા દિવસે એટ્લે કે બુધવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવે છે અને તેના હાજા ગગડી જાય છે. 

તરત જ ડોક્ટર અને મહાનગરપાલિકાની ટીમ તેના નિવાસસ્થાને પહોંચી જાય છે અને દવાની ટીકડી આપી અને તેના મકાનની આજુબાજુનો વિસ્તાર સેનિટાઈઝ કરીને બહાર હોમકોરન્ટાઈનનું સ્ટિકર ચિપકવીને નીકળી જાય છે. હવે પોતાના મમ્મીની તેને ચિંતા સતાવે છે આથી તે તરત જ સરકારી આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ થાય છે. હાલ આગામી 8 મી સપ્ટેમ્બર સુધી તેને કોરાન્ટાઈન કરવામાં આવ્યો છે. 

વિચારો મિત્રો કે, કૌશિકની કેટલી બેફિકરાઈ ! વિચારો મિત્રો કે, તંત્રની કેટલી લાપરવાહી ! વિચારો મિત્રો કે, કૌશિકનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો કે જ્યારે તે હકીકતે પોઝીટીવ હતો. પછીની 24 કલાકમાં જ તેણે કેટલાયને અજાણતા સંકર્મિત કરી દીધા. રિક્ષાવાળો ભાઈ, સિવિલમાં આવેલા અન્ય લોકો, પોતાની ઓફિસનો સ્ટાફ, આડોશી-પાડોશીઓ, તેના મમ્મી વગેરે લોકો તેના સંપર્કમાં આ 24 કલાક દરમિયાન આવેલા. 

એક બાજુ જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા એવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે કે અમે કોરોનાને માત આપી દઇશું. એક બાજુ તંત્ર આપની સલામતી માટે સતત ચિંતિત હોવાનો ડોળ કરી રહ્યું છે જેના ભાગરૂપે લગ્નમાં 50 થી વધુ માણસો બોલાવવાના નહીં, માસ્ક પહેરો નહીં તો 1000 રૂપિયાનો દંડ, ધાર્મિક સ્થળો બંધ, વર્ષોથી ચાલી આવતી જગન્નાથજીની યાત્રા બંધ, સિનેમાઘરો અને જિમ બંધ, મેળાઓ બંધ, રાત્રે બહાર નિકળવાનું નહીં, વગેરે... જેવા નિયમો આપણા પર થોપિને અંતે આત્મનિર્ભર થવાનું જણાવી દેવામાં આવ્યું. 

જેમને આપણે કોરોના વોરિયર્સ તરીકે સંબોધીને સન્માન કર્યું તેઓ તો શનિ અને રવિમાં રજા રાખનારા નીકળ્યા. વોરિયર્સ કોને કહેવાય એ ખબર છે? ભારતની સરહદ પર આપણા રક્ષણ કાજે બેઠેલા વિર-જવાનને વોરિયર કહેવાય. હવે વિચારો કે યુદ્ધ ફાટી નિકળ્યું છે અને આ સૈનિકો એમ કહેશે કે, શનિ અને રવિની રજાઓમાં અમે યુદ્ધ નહીં કરીએ. તો આપણે શું કરવાનું? એ પણ સરકારી નોકરિયાત જ છે પરંતુ એ લોકો આ નફ્ફટ મેડિકલ ઓફિસર અને હેલ્થ ઓફિસરની જેમ આપણને સોમવારે આવજો એવું નથી કહેતા. એ પોતાની ફરજ બખૂબી નિભાવી જાણે છે અને એટ્લે આપણે તેને વોરિયર્સ કહીને એમનું સમ્માન કાયમી કરતાં આવ્યા છીએ. 

વિચારો કે, સફાઈ કર્મચારીઓ રજા રાખવા માંડ્યા તો સફાઈ અભિયાનની પુંગી વાગી જશે. વિચારો કે, પોલીસ શનિ અને રવિની રજાઓ રાખવા માંડશે તો કાયદો અને વ્યવસ્થાની ધજજીયા ઊડી જશે. વિચારો કે, વીજ કંપનીઓ પણ રજાના દિવસોમાં રજા રાખવા માંડશે તો ચોતરફ અંધકાર છવાઈ જશે. વિચારો કે, તમારા વિસ્તારમાં પૂર આવ્યું છે અને ડિઝાસ્ટર તંત્ર એવું કહે કે શનિ-રવિ હોવાથી અમે રજા પર છીએ એટ્લે અમે સોમવારે બચાવવા આવીશું. તો કેવી કફોડી હાલત થાય આપણી ? શનિ-રવિ જેલમાં રહેલો ફરજ પરનો સ્ટાફ રજામાં ઘરે કે ફરવા જતો રહે તો ગુન્હેગારો જેલમાંથી ભાગી છૂટે... વિચારો વિચારો... 

ચલો, એટલું વિચારો કે, આ ઘટનામાં જે મેડિકલ ઓફિસર પોતાની ડિગ્રી મેળવતી વખતે લીધેલી શપથને વળગી નથી રહ્યા એ જ ડોક્ટર સાહેબનું પોતાનું ક્લિનિક હોત તો શું એ પેશન્ટને શનિ-રવિમાં રજા હોય છે એવું જણાવત? બિલકુલ નહીં. કારણકે શનિ અને રવિમાં કે મોડી રાત્રે જે દર્દી સારવાર માટે આવે છે એમની પાસેથી વધારાની ફી મેળવવામાં આવતી હોય છે. જ્યારે સરકારી નોકરીમાં રજાઓમાં ફરજ બજાવો કે નહીં પગાર તો સમયસર અને એકસરખો જ મળતો હોય છે. એટ્લે જ અંદરનો આત્મા મારીને આવા લોકો ફરજ બજાવવાને બદલે માત્ર નોકરી કરતા જોવા મળે છે. માફ કરશો પણ હું આવા લોકોને દેશદ્રોહી ગણું છું. વોરિયાર ગણવાની વાત તો બહુ દૂર રહી જાય છે. 

પબ્લિકના ટેક્ષના ભરેલા પૈસા થકી જેમનો પગાર થાય છે એવા આપણા સેવકો તરીકે કામ કરનારા સરકારી ડોક્ટરો અને આરોગ્ય વિભાગનો સ્ટાફ જો આવા એપીડેમીક સંજોગોમાં પણ જાહેર રજાઓ હોવાથી પબ્લિકને રખડતી છોડી મૂકે, તો મારી દ્રષ્ટિએ આત્મનિર્ભરતાનો તેઓએ ખોટો અર્થ કાઢ્યો લાગે છે. અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરનારા સ્ટાફના તેના અધિકારીએ વારા કરવા જોઈએ. તેમની શિફ્ટ ગોઠવવી જોઈએ. 365 દિવસ અને 24 કલાક લોકોને ટેસ્ટિંગ, દવાઓ અને સારવારની સગવડતાઓ મળવી જોઈએ. ભારત દેશના નાગરિક તરીકે આ આપણો હક છે અને એક સરકારી નોકરિયાત અને ખાસ કરીને મેડિકલ વ્યવસાયમાં હોવાથી એ એમની ફરજ છે પણ અફસોસ કે એ લોકો એમની ફરજ નથી સમજતા અને નથી આપણે આપણો હક માંગી શકતા. 

તમામ અર્બન હેલ્થ સેન્ટરના ચેરમેન તરીકે મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી રહેલી હોય છે. એકરીતે જોવા જોઈએ તો આવી બાબતોમાં જો તેઓ રસ લેતા ન હોય અને લોકોને પડતી મુશ્કેલીઓથી જો તેઓ વાકેફ ન હોય અથવા તો તેમણે રજૂઆત કરવામાં આવતી હોવા છત્તા જો તેઓ માત્ર સારો જવાબ આપવાને જ વહીવટી કુશળતા સમજતા હોય તો મારી દ્રષ્ટિએ એ એમની બહુ મોટી નબળાઈ ગણાય. એક ભૂલને કારણે કેટલાય લોકો સંક્રમિત થવાની શકયતાઓ રહેલી છે. નવાઈની વાત તો મને એ લાગી કે, મેડિકલ ઓફિસરે કૌશિકને એવું કહ્યું કે, “વધારે ઈમરજન્સી હોય તો સિવિલમાં જતાં રહો...” અરે ભાઈ, કોરોના એ કોઈની વ્યક્તિગત ઈમરજન્સી નથી. એ તો આખા વિશ્વ માટે ઈમરજન્સી છે. આટલી પણ જેનામાં કોમનસેન્સ નથી એવા માણસોના હાથમાં આરોગ્ય તંત્રએ આપણું ભવિષ્ય સોંપી દીધું છે, એ મારી દ્રષ્ટિએ કોરોના કરતાં પણ ચિંતાજનક બાબત છે.  

આ ઘટનાની મને જાણ થતાં ટેકનિકલ માહિતી મેળવવા મેં મારા કેટલાક ડોક્ટર મિત્રોને તેમજ લેબટેક્નિશિયન મિત્રોને ફોન કરીને જે જાણકારી મેળવી તે બાબતે ટૂંકમાં હું આપને જાગૃત કરવા માંગુ છું કે, જો આપને કે પરિવારના કોઈપણ સભ્યને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાય તો તરત જ નજીકના સરકારી દવાખાનામાં ટેસ્ટ કરાવવા પહોંચી જવાનું, પણ ખાસ યાદ રાખવું કે ત્યાં તમારો રેપિડ ટેસ્ટ કરવામાં આવશે કે જેનું પરિણામ તમને તરત જ જણાવી આપવામાં આવશે. 

જો તમે આ ટેસ્ટમાં પોઝીટિવ આવ્યા તો તમે સ્વીકારી લો અને તાત્કાલિક સારવાર મેળવવા માંડો. ઘરમાં કે અન્ય જગ્યાએ આઇસોલેટ થઈ જાવ વગેરે... પરંતુ જો તમારો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે છે તો બિલકુલ એવું માનશો નહીં કે તમે સંક્રમિત નથી. રેપિડ ટેસ્ટની સંવેદનશીલતા 30-50% છે. આથી તમે તરત જ આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ કરવાનો આગ્રહ રાખો. આ ટેસ્ટનું પરિણામ આવતા 24 થી 48 કલાક લાગતાં હોય છે. આ ટેસ્ટની સંવેદનશીલતા રેપિડ ટેસ્ટ કરતાં સારી પરંતુ 60-80% રહેલી છે. જો આર્થિક દ્રષ્ટિએ વાંધો ન હોય તો સિટીસ્કેન કરાવવાનો વિકલ્પ પહેલા પસંદ કરવો કારણકે તેની વિશ્વસનીયતા સૌથી વધારે છે. ઘણા દેશોમાં માત્ર સીટીસ્કેન કરાવવા પર જ ભાર મૂકવામાં આવે છે. 

ઉકત ઘટનાની કદાચ કોઈ પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં નોંધ લેવામાં નથી આવી. પરંતુ આ ઘટના મારી નજરમાં ખૂબ ગંભીર ગણાય. જો માસ્ક ન પહેરનારને 1000 રૂપિયાનો દંડ હોય, જો લોકડાઉનમાં બહાર નીકળવા પર આઈ.પી.સી. 188 મુજબ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થતો હોય તો આ બાબતે જો સરકાર તરફથી રજા રાખવાની કોઈ સૂચના મળી ન હોય તો બંને આરોગ્યમંત્રીઓ અને કડક સાડી વાળા સચિવ મેડમએ નક્કર પગલાં લેવા જ જોઈએ. લોકોને વિશ્વાસ અપાવવો જોઈએ કે તેઓ ગાંધીનગરમાં બેઠા બેઠા માત્ર આંકડાઓની રમત નથી રમતા પણ ખરેખર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. આ બાબતે તેમણે જે-તે મેડિકલ ઓફિસર સહિત તમામ જવાબદાર અધિકારીઓના ખુલાસા પૂછવા જોઈએ અને કડક કાર્યવાહીઓ કરવી જોઈએ. શકય હોય તો દરેક જગ્યાએ રેપિડ ટેસ્ટ બંધ કરીને આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ જ કરવાની સૂચનાઓ તંત્રે આપવી જોઈએ.

(નોંધ:- લેખમાં ઉલ્લેખિત ઘટના જુનાગઢ મહાનગરની છે. મૂળ વ્યક્તિનું નામ બદલીને કૌશિક રાખ્યું છે.