ભાવિન બોરખતરીયા (મેરાન્યૂઝ.તમિલનાડુ) : લોકડાઉન થયું છે ત્યારથી સતત પોલિસ લોકોને બહાર ન નીકળવાનું સમજાવી રહી છે. લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે શરૂઆતમાં પોલિસ દ્વારા પ્રેમથી લોકોને ઘર બહાન ન નિકળવાનું સમજાવવામાં આવતા હતા, પણ દેશભરમાંથી સતત એવા ન્યૂઝ આવતાં રહ્યાં કે લોકો લોકડાઉનને ગંભીરતા લઈ રહ્યાં નથી. ત્યાર બાદ પોલીસે થોડી સખ્તાઈ શરૂ કરી અને લોકોને અંગુઠા પકડાવવા જેવી સજા કરવાનું શરૂ કર્યું, પછીથી ડંડા પણ ફટકાર્યા. પોલીસે સખ્તી દાખવી હોય તેવા અનેક વીડિયો વાયરલ થયા છે. હવે અનેક રાજ્યોની પોલીસ લોકોને સમજાવવાની અનોખી રીત અપનાવી રહ્યાં છે. તમિલનાડુમાં પોલીસ અધિકારી કોરોના વાયરસના આકારવાળું હેલ્મેટ પહેરીને લોકોને સમજાવી રહ્યાં છે. સાદા હેલ્મેટ પર જ કોરોના વાયરસનાં બાહ્ય સપાટી જેવો આકાર કરીને તેને કોરોના જેવું બનાવવામાં આવ્યું છે. આ હેલ્મેટની ડિઝાઈન સ્થાનિક કલાકાર ગોથમ દ્વારા બનાવવામાં આવી છે. આ હેલ્મેટ પહેરીને પોલીસ લોકોને બહાન ન નિકળવાની સૂચના આપી રહી છે. કોરોના અંગે જાગ્રતિ ફેલાવવાની આ અનોખી રીત છે.

અહીંયાના પોલીસ અધિકારીઓનું માનવું છે કે લોકોમાં જાગ્રતિનો અભાવ છે અને તેથી અમે આ નવો વિચાર અમલમાં લાવ્યા છે. ખાસ તો લોકો કોરોના પ્રત્યે વધુ સજાગ થાય તે જરૂરી છે તે માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

તમિલનાડુમાં હાલ કોરોના ચાલીસ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. દેશમાં કોરોના પોઝિટિવનો આંકડો એક હજારને પાર કરવા સુધી પહોંચવા આવ્યો છે. આવા સહિયારા પ્રયાસથી જ કોરોનાને નાથવો શક્ય બનશે તેવી હાલ પોલીસને આશા છે.