તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): સમગ્ર દુનિયા માટે માથાનો દુઃખાવો બનેલો કોરોના વાયરસ થોભવાનું નામ લેતો નથી. એવામાં વિશ્વભરના સાયન્ટીસ્ટ્સ અને ડોક્ટર્સ રિસર્ચ કરવા રાત-દિવસ એક કરી કોરોનાનો તાળો શોધવા કડાકૂટ કરી રહ્યા છે. જેમાં આઇસલેન્ડ સરકારે સમગ્ર દેશના નાગરિકોનો કોરોના ટેસ્ટ કરી નાખવા નિર્ણય લીધો છે. આઇસલેન્ડએ ટેસ્ટિંગની પ્રક્રિયા દરમ્યાન ચોંકાવનારો ખુલાસો થયો કે કોરોના વાયરસ ગ્રસ્ત વ્યક્તિને રોગના લક્ષણ દેખાય જ એવું જરૂરી નથી.

આઇસલેન્ડની સરકારે કોરોનાની મહામારી નાથવા તમામ નાગરિકોનો ફરજીયાત કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો. આઇસલેન્ડ સરકારે જાહેર કરેલ આંકડા મુજબ મંગળવાર સુધીમાં ૫% એટલે કે ૧૭૯૦૦ નાગરિકોનો ટેસ્ટ થઈ ચૂક્યો છે. એ વાત પણ નોંધનીય છે કે આઇસલેન્ડની કુલ વસ્તી ૩.૬૦ લાખથી થોડી વધુ છે, માટે આ કાર્ય દરેક દેશ કરી શકે એવું પણ નથી. CNN દ્વારા મળતી માહિતી મુજબ ૫% ટેસ્ટ પૂર્ણ થયા છે. ૯૦૦૦ લોકોના ટેસ્ટ ડીકોડ જીનેટિક્સ નામની ફાર્મસી કંપની દ્વારા કર્યા છે. આ ટેસ્ટ દરમ્યાન ખુલાસો થાય છે કે ૧% લોકોના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે, પણ તેમાંના ૫૦% લોકોમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે રોગના લક્ષણો જણાયા ન્હોતા. આ સાથે અમુક કેસોમાં એવું સામે આવ્યું છે કે રોગીને સામાન્ય લક્ષણ જ જોવા મળ્યા છે.

આ બાબતને ધ્યાને લેતા લોકડાઉન કેટલું જરૂરી છે એની ગંભીરતા સમજી શકાય છે. જો આ પ્રકારે રોગના લક્ષણ ન દેખાય તો એક વ્યક્તિ મોટી સંખ્યામાં અન્યોને માટે રોગ વાહક બની રોગ પહોંચાડી દે અને પરિસ્થતી વધુ ગંભીર બની જાય. આમ કોરોનાને હરાવવા માત્ર લોકડાઉનનો એક માત્ર વિકલ્પ છે માટે સુરક્ષા માટે ગંભીર બની લોકડાઉનનું પાલન જરૂરી છે.