રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): સરકારની રચના લોકોની રક્ષા માટે કરવામાં આવે છે; નહીં કે અવતારી યુગપુરુષની ભક્તિ માટે. કોરોના મહામારીના સમયે સરકાર તાળી/થાળી/દીપક/પુષ્યવર્ષા કરે પરંતુ સારવારની સુવિધા પૂરી ન પાડે તો એને સરકાર કહી શકાય? સરકાર માટે શરમજનક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ગાજિયાબાદની 30 વર્ષની નિલમ 8 મહિનાની ગર્ભવતી હતી. નિલમને શ્વાસ સેવામાં તકલીફ થઈ રહી હતી. તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા; ત્યાંથી બીજી સરકારી હોસ્પિટલમાં તેને રીફર કરી. એમ્બ્યુલન્સ તેને સેક્ટર-30ની જિલ્લા હોસ્પિટલમાં છોડીને જતી રહી. ત્યાં દાખલ ન કરતા નોઈડાની બીજી 4 ખાનગી હોસ્પિટલમાં નિલમને લઈ જવામાં આવી; પરંતુ બેડ ખાલી નથી, એ બહાને તેને દાખલ કરવામાં ન આવી. ત્યારબાદ ગાજિયાબાદની બીજી એક ખાનગી હોસ્પિટલમાં નિલમને લઈ જવામાં આવી; ત્યાં પણ તેને દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો. નિલમનો પરિવાર 13 કલાક સુધી અલગ અલગ હોસ્પિટલના ચક્કર મારતો રહ્યો અને સમયસર સારવાર ન મળતા 5 જૂન, 2020ના રોજ નિલમનું મૃત્યુ થયું ! 20,000 કરોડના ખર્ચે બનનાર નવા સંસદ ભવનની જરુર નથી; ઊંચા સ્ટેચ્યુની જરુર નથી; ભવ્ય મંદિર/મસ્જિદની જરુર નથી; જરુર છે દરેક જિલ્લામાં ઊંચી હોસ્પિટલની; શ્રેષ્ઠ યુનિવર્સિટીની !

‘કોરોના વોરિયર’ કહેવાની; શબ્દોની કરામતની જરુર નથી; જરુર છે આરોગ્ય સુવિધાઓની; ઉત્તમ સારવારની. સરકારી તંત્ર કેટલું સડી ગયું છે; કેટલું શરમ વગરનું બની ગયું છે તે જૂઓ. અમદાવાદમાં કોરોના દર્દીઓના ટેસ્ટ થતાં નથી; ટેસ્ટ થાય તો હોસ્પિટલમાં બેડ નથી હોતા; બેડ મળે તો રીકવરી રેટ વધારવા અધૂરી સારવારે દર્દીને ડીસ્ચાર્જ કરી દેવામાં આવે છે. ‘કોરોના વોરિયર’ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ રાઠોડ કોરોના વાયરસથી સંક્રમિત થતાં તેમને 10 કલાક સુધી ચાર હોસ્પિટલમાં ચક્કર કાપવા પડ્યા. છેવટે પોલીસ કમિશ્નરે ફોન કર્યો ત્યારે તેમને દાખલ કર્યા. અપૂરતી સારવારના કારણે 10 જૂન, 2020ના રોજ તેમનું મૃત્યુ થયું. ‘કોરોના વોરિયર’ની આ હાલત હોય; પોલીસ કમિશ્નરને વચ્ચે પડવું પડે, તો સામાન્ય દર્દીઓની હાલત શું થતી હશે? સરકાર  સંવેદનબધિર બની ગઈ છે; એને માત્ર આંકડામાં રુચિ છે; લોકોના જીવમાં નહીં. સરકાર પાસે ‘અવતારી યુગપુરુષ’ની ઈમેજ ચમકાવવા પૈસા છે; આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પૈસા નથી ! 

કોરોના મહામારીમાં સરકાર ક્યાં છે? દર્દીઓ ‘રામ’ ભરોસે છે; એટલે સરકારને તાળી/થાળી/દીપક/પુષ્પવર્ષાના નાટક કરવા પડે છે. આ નાટકને સમજ્યા વિના તેમાં જોડાનાર દરેક નિલમ/મુકેશ રાઠોડ અને બીજા અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત માટે જવાબદાર છે. નાટકમાં ન જોડાવ; પ્રશ્નો પૂછો; પોતાને અને બીજાને ન્યાય મળે તે માટે અવાજ બુલંદ કરો. ભક્ત નહીં, નાગરિક બનો !rs

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)