ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): માંગ પુરવઠા અને અર્થતંત્રના વિકાસને ધ્યાનમાં લઈએ તો ક્રૂડ ઓઇલમાં બુલીસ સેન્ટિમેન્ટ સર્જાયું છે, પણ ભારતમાં કોરોના મહામારીની અસર માંગ અને ભાવ પર પડી શકે છે. તમે જુઓ જગતના ત્રીજા નંબરના સૌથી મોટા ગ્રાહક ભારતનો મહામરી પ્રભાવ, માંગ વૃદ્ધિ પર દબાણ સ્વરૂપે આવ્યો છે, પણ યુરોપ અને અમેરિકામાં માંગ વધારો થવા લાગ્યો છે. ઓઇલ એનાલિસ્ટઓ માને છે કે મે મહિનામાં વધુ પ્રતિબંધો અને લોકડાઉન જેવા નિયંત્રણો ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ માંગમાં વેગથી ઘટાડો આવશે.  

અત્યારે એવું લાગે છે કે ભારતમાં લોકડાઉનની કોઈ યોજના નથી, એ જોતાં મહામારી સ્થિતિ વચ્ચે પણ ભાવ ઘટાડો મર્યાદિત રહેશે. અમેરિકન ઊર્જા ઉત્પાદકોએ ગત સપ્તાહે ઓઇલ અને ગેસની રીગ સંખ્યા વધારી હતી. રીગ કાઉન્ટ એજન્સી બાકર હ્યુજીસે કહ્યું કે ક્રૂડ ઓઇલના ભાવ વધવાને લીધે કેટલાંક ઉત્પાદકો સતત ૯મા મહિને રીગ સંખ્યા વધારીને, વધુ નફાની લાલચ રોકી શક્યા નથી. 

ગોલ્ડમેન સાસનું માનવું છે કે ભાવ વધતાં રહેશે અને વર્ષના મધ્યભાગમાં ૮૦ ડોલરની સપાટી કુડાવી જશે. મંગળવારે બ્રેન્ટ વાયદો પ્રતિ બેરલ ૬૭.૭૭ ડોલર હતો. જ્યારે અમેરિકન બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ ૬૪.૭૨ ડોલર બોલાતા હતા. આઈએનજી બેંકના એનાલિસ્ટ એક નોંધમાં કહે છે કે ભારતની ફ્યુઅલ માંગના પ્રાથમિક ડેટા જોઈએ તો તે સૂચવે છે કે નહામારીની અસર માંગ પર જોવાવા લાગી છે. 

ઓપેક પ્લસ દેશોના જાગતિક માંગના અંદાજો જોઈએ તો બજારમાં વિશ્વાસનું વાતાવરણ પાછું ફરી રહ્યું છે. જ્યારે ગોલ્ડમેન કહે છે કે કોરોના વેકસીનેશન આપવાના દરમાં વધારો થવા સાથે ઓઇલ માંગ વિક્રમ જંપ લગાવશે. સિટી બેંક કહે છે કે ઉત્તર અમેરિકા અને યૂરોપમાં વેક્સિન આપવાના અભિયાનમાં વેગ આવતાં, ઉત્તર-ગોળાર્ધના ઉનાળુ મહિનામાં ઓઇલ માંગ દૈનિક ૧૦૧૫ લાખ બેરલના વિક્રમે ગઈ હતી. અલબત્ત, તેઓ એવો મત ધરાવે છે કે ભારત અને બ્રાજીલમાં જો કોરોના કેસ વધશે અને લોકડાઉન લાગુ પડશે, તો સ્થાનિક માંગમાં ગાબડાં પડશે. 


 

 

 

 

 

તેઓ એવું પણ નોંધે છે કે ભારતમાં પેટ્રોલની એપ્રિલ માંગ, માર્ચ કરતાં ૬.૩ ટકા ઘટીને ૨૧.૪ લાખ ટન રહી હતી. જે ઓગસ્ટ ૨૦૨૦ પછીનો સૌથી વધુ ઘટાડો હતો. ડીજલની ખપત ૧.૭ ટકા ઘટીને ૫૯ લાખ ટન રહી હતી. આઈએનજી એનાલિસ્ટ કહે છે કે ભારતમાં કોરોના મહામારી તેની ચરમ સીમાએ હજુ નથી પહોંચી. આ જોતાં મે મહિનામાં ફ્યુઅલ ઓઇલ માંગમાં વધુ ઘટાડો સંભવિત છે.  

દરમિયાન ટ્રેડરો અમેરિકા અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર સંબંધની વીએનામાં ચાલતી વાટાઘાટો પર પણ નજર માંડીને બેઠા છે. આ વાટાઘાટ, શક્ય છે કે ઈરાન ઓઇલ સેકટર પરના નિયંત્રણો હટાવી લે. આ સ્થિતિમાં, એસએન્ડપી ગ્લોબલ પ્લાટસ કહે છે કે ઈરાન દૈનિક ૨૫ લાખ બેરલ ક્રૂડ ઓઇલ વિશ્વબજારમાં વેચી શકશે.

અલબત્ત, એનાલિસ્ટો કહે છે કે ઈરાન વધારાના બેરલ્સ સાથે નવેસરથી બજાર પ્રવેશ કરશે તોય ભાવ પર તેની અસર મર્યાદિત રહેશે. આમ પણ છેલ્લા કેટલાંક મહિનાથી ઈરાન, ચીન જેવા દેશોને નિકાસ વધારી રહ્યું છે. તેથી તેની બજાર અસર ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે.     

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.