રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોના મહામારીએ શહેરી લોકોને, શહેરમાં વસતા શ્રમિકોને વિચારતા કરી મૂક્યા છે. સૌને વતન તરફ જવું છે; પણ જઈ શકાતું નથી. દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચૈન્નઇ, લોકડાઉનના નીર્ણયને કારણે રાતોરાત બંધ થઇ ગયા છે. મજૂરોના અસંખ્ય ટોળાઓ માથા પર ઘરવખરીનું પોટલું અને કાખમાં બાળક તેડીને પોતાના મૂળ ગામ; પ્રદેશમાં જવા ચાલતા જ નીકળી પડયા ! લોકડાઉનનો નિર્ણય કરતી વખતે, દેશના અર્થતંત્રમાં આ શ્રમિક વર્ગનો કેટલો ચાવીરૂપ અને ગતિશીલ ફાળો છે; તેનો ખ્યાલ સરકારે રાખ્યો નથી. શ્રમિકોને ભગવાન ભરોસે છોડી મૂક્યા છે.

સરકાર પોતે સંવેદનશીલ છે; તેવો ઢોલ પીટે છે; પરંતુ સરકારની ગુનાહિત બેદરકારી જોવા મળી છે. 24 મી માર્ચથી હજુ સુધી 40 દિવસથી વધુ સમય થયો. આ શ્રમિક વર્ગ ક્યાં છે, કેવી રીતે જીવે છે, તેમના બાળકોને બે ટંકનું ભોજન મળે છે કે નહીં, તે ક્યાં સુઇ રહે છે; તેની ચિંતા સરકારે કરી નથી. શ્રમિકોએ ગુસ્સો વ્યક્ત કર્યો ત્યારે સરકારની નિંદર ઊડી ! 2 મે, 2020 ના રોજ, ગુજરાત સરકારે રવાના કરેલા સ્થાળાંતરિત મજૂરોને, દાહોદ (મધ્યપ્રદેશ) અને શામળાજી ( રાજસ્થાન)ની સરહદ પર બંને રાજ્યોની સરકારોએ અટકાવ્યા. આ મજૂરોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો ! શ્રમિકો સાથે કેવી મજાક ! ગુજરાત સરકારનું કેવું સંકલન ! ગુજરાતમાંથી 20 લાખ કરતાં વધારે મજૂરો પોતાના વતન જવા અધિરા બન્યા છે. દિલ્હીમાં સ્થળાંતરીત મજૂરોની સંખ્યા 40 લાખથી પણ વધારે છે. આ શ્રમિકો ક્યારે વતન પહોંચશે?

શ્રમિકોની સ્હાલત જેવી જ સ્થિતિ શહેરોમાં વસતા મધ્યમવર્ગની થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના ગામડાઓ ખાલી થઈ ગયા હતા; સૌને સુરત રહેવું હતું. ગામડાની હાડમારી કરતા શહેરમાં રહેવાના મુખ્ય ત્રણ કારણ હતા: [1] શહેરી જીવનમાં ગામડા કરતા સલામતી વધુ છે. ગામડામાં માથાભારે તત્વોનો ત્રાસ હોય છે; જે શહેરોમાં ઓછો હોય છે. શહેરોની પોલીસ વધુ એક્ટિવ હોય છે. શહેરોમાં જાગૃતિના કારણે લોકશાહી જેવું લાગે છે. ગામડામાં સામંતવાદી વાતાવરણ હોય છે; ભેદભાવ હોય છે. [2] બાળકોનો અભ્યાસ સારી રીતે થઈ શકે તેવી સવલતો શહેરમાં હોય છે. [3] ગામડામાં તડકે કામ કરવું તે કરતા શહેરોમાં છાંયે કામ કરવું ગમે છે. શહેરોમાં રોજગારીની તકો વધુ છે.

1965 પહેલા સૌરાષ્ટ્રના ખેડૂતોનો પ્રવાહ અમદાવાદ તરફ વહેતો હતો. ત્યાં કાપડ મિલો ધમધમતી હતી. તે મિલો બંધ થતા કામદારો ઉપર આફત આવી પડી, ગમડાની જમીન વેચી દીધી હતી. હવે ક્યાં જવું તે પ્રશ્ન સતાવતો હતો. હવે સુરતની હાલત એવી થઈ ગઈ છે. ગામડાની જમીન વેચીને એપાર્ટમેન્ટ લીધા, હવે ગામડે જવાનો રસ્તો બંધ થઈ ગયો. કોરોના વાયરસના કારણે લોકડાઉન-ઘરબંધીને 40 દિવસ પૂરા થઈ ગયા; હજુ ક્યારે લોકડાઉન હટશે તે નક્કી નથી. આ સ્થિતિમાં શહેરી જીવન વધુ મુશ્કેલ બન્યું છે. ગામડામાં વાડીએ, ખેતરે જઈ શકાય છે; શહેરોમાં ધંધાના સ્થળે જઈ શકાતું નથી. હવે શહેરના લોકોને, શ્રમિકોને ગામડે જવું છે; પરંતુ જઈ શકતા નથી. લોકોને હવે અર્બન લાઈફને બદલે વિલેજ લાઈફ વધુ સલામત લાગે છે ! આઝાદી બાદ અર્બન ઇન્ડિયા; શહેરી આધુનિક ભારત બનતું હતું, વિકસતું હતું; તેના વિકાસ પર કોરોના મહામારીએ ખૂબ જ મોટી બ્રેક મારી છે.

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે)