મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોનાએ જ્યાં પણ કહેર વરસાવ્યો ત્યાં દુઃખોનો પહાડ ઊભો કરી નાખ્યો છે. રાજકીય ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. આજે જ્યાં એક તરફ ઉત્તરપ્રદેશના મંત્રી કમલ રાણીનું કરોનામાં મોત થયું છે ત્યારે સુરતથી પણ એક પૂર્વ ભાજપના કોર્પોરેટરનું કોરોનામાં મોત થયાની માહિતી સામે આવી છે. તેવી જ રીતે વેરાવળ નગરપાલિકાના સેક્રેટરી પણ કોરોના સામે લડતા લડતાં અવસાન પામ્યા છે.

સુરતમાં કોરોનાની સ્થિતિ શું છે તે આપ સહુ જાણો છો. સુરતમાં હાલ કોરોના કુદકેને ભૂસ્કે વધી રહ્યો છે. સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ગાંધીનું કોરોનાને કારણે મોત થયું છે. નરેન્દ્ર ગાંધીને થોડા સમય પહેલા તબીયત સારી ન રહેતા તેમનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. નરેન્દ્ર ગાંધી અગાઉ સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

બીજી તરફ વેરાવળથી પણ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે જેમાં વેરાવળ નગરપાલિકાના સેક્રેટરી જયંતિ ડાલકી કોરોનામાં મોતને ભેટ્યા છે. આ બંને નેતાઓના મોતને પગલે તેમના સમર્થકોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.