મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતમાં લોકડાઉન ખૂલવામાં ૬ દિવસ બાકી છે અને લોકો અવઢવમાં છે કે, “લોકડાઉન ખુલશે કે નહીં? અને ખુલશે પછી શું? નહીં ખુલે તો શું?” કોરોનાએ વિશ્વના મોટાભાગના દેશોને પોતાની ઝપેટમાં લીધા છે. ત્યારે ન્યૂઝીલેન્ડ કોરોનાને હરાવવામાં મહદઅંશે સફળ રહ્યું છે.

ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને મંગળવારથી અમુક શરતો સાથે લોકડાઉન ખોલવાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે “લોકડાઉન સરળ બનાવીને દેશનાં અર્થતંત્રને ફરી શરૂ કરવામાં આવશે. મંગળવારથી લગભગ ૪ લાખ લોકો પોતાના વ્યવસાય-રોજગારમાં પરત જોડાશે. વ્યવસાયો, અદાલતો, સંસદ અને શાળાઓ ફરીથી આંશિક નિયંત્રણો સાથે ચાલું કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડમાં ટોળુ એકઠું થવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. દેશ કોરોનાનાં ગંભીર સ્ટેજ ૪થી સ્ટેજ ૩ પર આવ્યો છે. અત્યારે દેશમાં રોજના નવા આવતા કેસોની સંખ્યા સિંગલ ડિજિટમાં એટલે કે ૧-૯માં છે.”

પરંતુ તેમણે દેશના ૫ મિલિયન નાગરિકોને ચેતવણી આપી હતી કે, ‘તેઓ ખુશ ન થાય, કારણ કે લોકડાઉન હટાવવાનો હેતુ અર્થશાસ્ત્રને ફરી બેઠું કરવાનો છે, લોકોના સામાજિક જીવનને નહીં.’ નાગરિકોને એવું કહેવામાં આવ્યું છે કે, ‘ના છૂટકે જ બહાર નીકળવું, ફક્ત તેમના નજીકના મિત્રો અને કુટુંબના લોકોની વચ્ચે જ રહેવું અને નવા ચેપનો ભય ટાળવા માટે અન્ય લોકોથી ૬ ફૂટનું અંતર રાખવું.’

અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડમાં આજ સુધી કોરોના વાયરસના 1,500 કેસ નોંધાયા છે અને 19 લોકોનાં મોત નીપજ્યાં છે. આર્ડર્ને ન્યૂઝિલેન્ડમાં કોરોના ફેલાવાની શરૂઆતમાં જ ૨૬ માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતું.  તે સમયે  કોરોનાના 100 જેટલા કેસ નોંધાયા હતા અને કોઈનું મૃત્યુ થયું ન્હોતું. ન્યૂઝીલેન્ડને વિશ્વના સૌથી કડક લોકડાઉનનો અનુભવ થયો. ન્યૂઝીલેન્ડની અર્થવ્યવસ્થાનો મોટાભાગનો આધાર પ્રવાસ અને પર્યટન પર નિર્ભર છે. એક અનુમાન મુજબ તેના જીડીપીમાં 13% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે.

ન્યૂઝીલેન્ડના સ્થાનિકોના મત અનુસાર વડાપ્રધાનની લોકડાઉન અને તેનાં પાલનની કામગીરીની વ્યાપક પ્રમાણમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. સરકારને આ મહામારી સામે દેશ સંભાળવા બદલ ૮૪ ટકા મંજૂરી રેટિંગ આપવામાં આવ્યું છે.

(Editing: Milan Thakkar)