મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. મોડાસા શહેરમાં ૫૦ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી ૯ લોકોના મોત નિપજ્યા છે. જેમાં ૨૪  કલાકના સમયગાળામાં બે કોરોના પોઝિટિવ અને હિંમતનગર કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શંકાસ્પદ કોરોનાના દર્દીનું  મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોડાસા શહેરમાં કોરોના દર્દીઓ કેટલાક કિસ્સાઓમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યાનાં ગણતરીના કલાકોમાં જ મોતને ભેટતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલાં દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓએ હિંમતનગર કોવીડ 19 હોસ્પીટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા હિંમતનગર કોવીડ 19 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને આપવામાં આવતી સારવાર સામે પણ લોકોમાં અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે. મોડાસા શહેરમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ દર્દીઓ સાથે કુલ અંક ૫૦ પર પહોંચ્યો છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ પણ વધી રહ્યાં હોવાથી લોકોમાં ભય છવાયો છે. લોકોને આ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ, વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવા સહિતના પગલા લેવા અપીલ છે.

મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી સંક્રમણના ભય હેઠળ મોડાસા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવાની સાથે મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે. મોડાસા શહેરમાં ગુરુવારે કોરોનાથી અને અન્ય એક અગ્રણી અખ્તર ચિસ્તીનું હિંમતનગર કોવીડ-૧૯ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાથી મોત નિપજતાં ચકચાર મચી છે.