પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય માણસ એકલો જો કોઈ પરિવર્તનની પહેલ કરે તો સંભવ છે કે કદાચ સમાજના વિરોધનો સામનો કરવો પડે, મોટાભાગના કિસ્સામાં જુની પરંપરા અને નિયમોમાં સામાન્ય માણસ પીસાતો હોય છે અને હેસીયત બહાર દેવુ કરી પ્રસંગ પાર પાડતો હોય  છે પરંતુ પરંપરામાં રૂઢીચુસ્ત કારડીયા રાજપૂત સમાજમાં પણ હવે પરિવર્તનનો પવન ફુંકાય છે, સુરેન્દ્રનગરના કારડિયા રાજપૂત સમાજના એક નવા અભિગમને કારણે સાદાઈથી લગ્ન કરવા માગતા પરિવારને મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના કારડીયા રાજપૂત સમાજના આગેવાન પ્રવિણસિંહ પઢીયાર કહે છે, સામાન્ય માણસની પીડાને સમજી અને છેલ્લાં ઘણા વર્ષથી સુરેન્દ્રનગરમાં સમાજના સમુહ લગ્નનું આયોજન કરી રહ્યા છીએ આ વર્ષે  અમે માર્ચ મહિનામાં સમુહ લગ્નનું આયોજન કર્યુ  હતું અને 25 યુવક-યુવતીઓના પરિવારે સમુહ લગ્ન માટે નોંધણી કરાવી હતી, પણ કોરાનાને કારણે લોકડાઉન શરૂ થઈ જતા અમે સમુહ લગ્ન કરાવી શકયા ન્હોતા, પણ હવે અમે સાદાઈથી લગ્ન કરનારને જુદી રીતે મદદ કરવાની યોજના બનાવી છે અને તે પ્રમાણે હમણાં સુધી અમે પાંચ દંપત્તીને કરિયાવર મોકલી આપ્યું છે.

સુરેન્દ્રનગર કારડીયા રાજપૂત સમાજના નિર્ણય પ્રમાણે કોરાનાના માહોલમાં લગ્ન કરનાર માટે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે જે પરિવાર માત્ર 50 વ્યકિતઓ વચ્ચે લગ્ન કરશે અને જમણવાર નહીં રાખે તેવા પરિવારને રૂપિયા 1.25 લાખનું કરિયાવર સમાજ દ્વારા મોકલી આપશે લગ્ન કરનારે માત્ર લગ્નના ફોટો  સમાજને મોકલી આપવામાં આવશે આમ તા 31 જુલાઈ સુધી જે કારડિયા રાજપૂત પરિવાર પોતાના દિકરા-દીકરીના લગ્ન સદાઈથી કરશે તેમને સવા લાખનું કરિયાવર સમાજ આપશે.