મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: 24 માર્ચથી શરૂ થયેલાં 21 દિવસના લોકડાઉન પછી રાજ્ય-દેશના મોટા ભાગનો હિસ્સો ઠપ્પ થઈ ચૂક્યો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદીને લોકો પૂરો દિવસ ઘરમાં રહે છે, પણ આ લોકડાઉન શહેરના મજૂર વર્ગ માટે આફત લઈને આવ્યો છે. શહેરમાં રહે તો જીવન કેવી રીતે ટકાવવું તેની મુશ્કેલી છે અને બહાર નીકળે તો જડબેસલાક લોકડાઉન છે. આમાં પણ જે મજૂર વર્ગ બહારના રાજ્યોમાંથી કે અન્ય જિલ્લામાંથી અમદાવાદ, સુરત જેવાં શહેરોમાં આવીને કામ કરવા વસ્યા હોય તેમની સ્થિતિ દોજખભરી છે.

દેશમાં મોટા શહેરોમાં સ્થળાંતરણ કરીને કામ કરવા આવનારાં મજૂરો દયનીય સ્થિતિમાં મૂકાયા છે. ગુજરાત સરકારે કેટલાંક મજૂરોને વતન મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી તેઓની મુશ્કેલી ઘટાડી હતી. પણ હવે રાજ્યોએ હાઇવે અને સરહદો પરથી આવાજાહી પર પ્રતિબંધ લગાવીને જ્યાં છે ત્યાં જ રહેવાનું ફરમાન છેડ્યું છે. જ્યાં છે ત્યાં રહેવાનો હૂકમ કેન્દ્ર-રાજ્ય સરકારે અમલ કરવાનું શરૂ કર્યું તે અગાઉ અનેક મજૂર વર્ગ પગપાળા, સાઈકલ કે અન્ય જે વહાન મળ્યું તે લઈને પોતાના વતન તરફ જવા નીકળ્યા હતા. આવું ગુજરાતમાં બન્યું અને દેશભરમાં અલગ-અલગ શહેરોમાંથી પણ મજૂર વર્ગ પોતાના વતન તરફ જવા નીકળ્યા હતાં. આમાંથી કેટલાંક કમનસીબ રહ્યાં, જેઓ વતન જતાં અકસ્માત કે અન્ય બીમારીના કારણે મૃત્યુ પામ્યા. એક 39 વર્ષના ભાઈ દિલ્હીથી મધ્ય પ્રદેશમાં આવેલાં મોરેના જિલ્લા સુધી પગપાળા નીકળ્યા હતા. તેઓને રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો અને તે મૃત્યુ પામ્યા. ચારસોથી પાંચસો કિલોમીટર ચાલવાનું સાહસ જેઓએ ઉપાડ્યું તેઓમાંથી અનેકને અકસ્માત નડ્યા છે. આ રીતે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી સ્થળાંતર કરી રહેલાં ચાર વ્યક્તિઓને ટ્રકને અકસ્માત નડ્યો હતો. હરિયાણા પણ આ રીતે મજૂરો એક્સપ્રેસ હાઇવે પર એક ટ્રકની નીચે આવ્યા હતા, જેમાં પાંચ મજૂરોની મૃત્યુ થઈ છે, જ્યારે આઠ ગંભીર રીતે ઇજા પામ્યા હતા. આમ દેશભરમાં સ્થળાંતરણ દરમિયાન મૃત્યુ પામેલા મજૂર વર્ગની સંખ્યા 22 સુધી પહોંચી ચૂકી છે.

આ રીતે દેશભરમાંથી મજૂરોના અકસ્માતની ખબરો આવી રહી છે. કોરોના કરતાં આ મજૂરોને વધુ ભય બેકાર બેસી રહેવાનો અને રોજબરોજનું જીવન ચલાવવાનો છે. શહેરમાં વર્તમાન સ્થિતિ જોતાં આ કોઈ રીતે સંભવી શકે એમ નહોતું, એટલે તેઓએ પોતાના વતન તરફ દોટ મૂકી, જ્યાં તેઓ નિશ્ચિંત બનીને દિવસો કાઢી શકે, પરંતુ હજુ આવી રહેલાં સમાચાર મુજબ ઘરે ક્યારેય નહીં પહોંચી શકનારા કમનસીબોની સંખ્યા વધવાની શક્યતા છે. અહીંયા એ નોંધવું રહ્યું કે કોરોના દરદીઓ કરતાં પણ વધુ હાલાકી આ મજૂર વર્ગની થઈ છે.