મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત શહેરમાં અત્યાર સુધી સમયાંતરે કોરોનાના પોઝિટિવ કેસો આવતા હતા. જોકે વચ્ચે ત્રણ દિવસ એકપણ પોઝિટિવ કેસ ન આવતા તંત્રએ હાશકરો અનુભવ્યો હતો. જોકે આજનો દિવસ સુરત શહેર માટે ખરાબ રહ્યો હતો. આજે એક જ દિવસમાં એક સાથે ત્રણ ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે. જોકે આ ત્રણ કેસો પૈકી બે કેસો લોકલ ટ્રાન્સમિશન આવ્યા છે જયારે એક કેસમાં પોઝિટિવ વ્યકતિના સંપર્કમાં આવવાથી પોઝિટિવ કેસ આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્ર વધુ ગંભીર બન્યું છે. 

સુરતમાં ઝાંપા બઝાર વિસ્તારમાં આવેલ હાથી ફળિયામાં રહેતા ૬૫ વર્ષીય રમેશચંદ્ર રાણાને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને સારવાર માટે મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત પાંડેસરામાં હરિધામ સોસાયટીમાં રહેતા અને ડી માર્ટમાં કામ કરતા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારના સભ્યોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાં તેના પરિવારના ચારેય સભ્યોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં આખરે તેમના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં પરિવારના ત્રણ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જયારે યુવકની માતા સત્યભામા વનારે (ઉ.વ.૪૦) નો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત અડાજણ પાટિયા પાસે સિદ્દીકી સ્કેવરમાં રહેતા ૫૦ વર્ષીય અબ્દુલ વાહીદ કુરેશી ને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા તેને પણ મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. જયારે આ તમામ લોકોના પરિવારના સભ્યોને હાલમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આજના ત્રણ પૈકી બે કેસો લોકલ ટ્રાન્સમિશનના હોવાના કારણે આરોગ્ય તંત્ર અને મનપા તંત્ર દોડતું થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અત્યાર સુધી કુલ ૨૦૦ શંકાસ્પદ કેસો દાખલ થયા હતા. જે પૈકી ૧૮૦ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જયારે કુલ ૧૪ કેસો પોઝિટિવ આવ્યા બાદ હજુ પણ છ વ્યક્તિના રિપોર્ટ પેન્ડિંગ છે. 

વધુમાં મ્યુ.કમિશનરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં હાલમાં જે પણ લોકો હોમ ક્વોરોન્ટાઇનમાં રહેલા છે તેમના ઘરનો કચરો ઉઘરાવવા માટે કુલ ૪૮૪૫ કામદારો કામે લાગ્યા છે, તેઓના ઘરનો દરરોજ કુલ ૧.૪૬ મેટ્રિક ટન કચરો આવે છે. અત્યાર સુધીમાં તેમના ઘરેથી ૨૫.૧૨ મેટ્રિક ટન સોલિડ વેસ્ટ ઉઘરાવવામાં આવ્યું છે. 

સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવનાર હવે દંડાશે : બંછાનિધિ પાની

સુરત મનપા કમિશનર છેલ્લા ૧૦ દિવસથી લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે. જોકે હજુ પણ શહેરમાં તેનો અભાવ જોવા મળી રહ્યો છે, શહેરમાં ઘણી બધી શાકભાજી માર્કેટો, શેરી મહોલ્લામાં આવેલ દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. જેથી આજે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે અનેક વાર લોકોને અપીલ કરવા છતાં લોકો માનતા નથી. જો આગામી દોવાસોમાં હજુ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં નહિ આવે તો ખુબ જ કપરા દિવસો આવવાની પુરી શક્યતા છે. તેઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જો હવે લોકો સોશિયલ ડિસ્ટન્સ ફોલો નહિ કરે તો આવતા દિવસોમાં તે તમામ સામે દંડની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત જે પણ વ્યક્તિએ માસ્ક નહિ પહેર્યું હોય તો તેમની સામે પણ દંડની કામગીરી કરવાની વિચારણા હાલમાં ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. 

શહેરના ૭૫ ટકા વિસ્તારમાં ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ 

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ડિસઇન્ફેક્શનની કામગીરી સઘન બનાવવામાં આવી છે. હાલમાં સુરતમાં કુલ ૭૫ ટકા વિસ્તારમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૩૭ હજાર લીટર સોડિયમ હાઇપો ક્લોરાઇડ અને ૨૦૦૦ લિટરનું બેન્જો કોનિયમ ક્લોરાઇડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરરોજ લગભગ ૨૨૪ જેટલી નાની મોટી શાકભાજી માર્કેટનું તબ્બકાવાર ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સિવિલ, સ્મીમેર , ક્વોરોન્ટાઇનના સેન્ટરો અને માસ ક્વોરોન્ટાઇનના વિસ્તારમાં સાત ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. ૫૦૦ જેટલી દુકાનો, મેડિકલ સ્ટોર સહિતની દુકાનોમાં પણ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા આજે સુરત શહેરમાં આવેલ વિવિધ બેંકના તમામ એટીએમ સેન્ટરમાં કોઈને ચેપ ન લાગે તે માટે ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે કુલ ૨૫૬૮ જગ્યાએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે.

મુંબઈ, મહારાષ્ટ્ર કે અન્ય પ્રવાસ કરનારને ખાસ અપીલ કરાઈ 

મનપા કમિશનરે જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિના પરિવારમાં કોરોના પોઝિટિવના કેસો આવે છે ત્યારે તેમના પરિવારે ખુબ સાચવવાની જરૂર છે. વધુમાં તેઓએ જણાવ્યું થયુ કે છેલ્લા એક મહિનામાં જે પણ વ્યક્તિ મહારાષ્ટ્ર, મુંબઈ, ઇન્ટર સ્ટેટ, ઇન્ટર ડિસ્ટ્રિકનો પ્રવાસ કરી અથવા કામથી પરત ફર્યા હોય અને જો તેઓને તાવ, ડાયેરિયા, શ્વાસની તકલીફ દેખાય તો તાત્કાલિક ધોરણે નજીકની કોઈપણ હોસ્પિટલમાં સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ખાસ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિને વધુ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.