મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર/અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં કોરોનાનો ભરડો કસાઈ રહ્યો હોય તેમ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંક રોજે રોજ વધતો જાય છે. મંગળવારના રોજ અરવલ્લીમાં ૮ કેસ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી હતી. બુધવારે નવા ૪ કેસ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં જિલ્લાનો આંક ૯૫ પર પહોંચ્યો છે. અગાઉ ૧૧ તારીખથી ૧૬ તારીખ સુધીમાં કેસ નહીંવત હતા પરંતુ ૧૭ તારીખ બાદ ફરીથી કેસોમાં ઉછાળો આવ્યો હોય તેમ પ્રતિદિન કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના કુલ 389 કેસ આજે નોંધાયા છે અને 30 લોકોના મોત થયા છે.

                અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહયો છે. જો કે અગાઉ ત્રણ ચાર દિવસની રાહત કોરોનાએ આપ્યા બાદ રવિવારથી ફરી પોઝિટિવ કેસો આવી રહ્યા હોય તેમ મંગળવારે ૮ કેસ આવ્યા બાદ બુધવારના રોજ નવા ૪ કેસ આવતાં તંત્રમાં ભારે દોડધામ મચી છે. જેમાં મોડાસાના બામણવાડનો ૩૦ વર્ષિય યુવાન, ટીંટોઇનો ૧૬ વર્ષિય તરૂણ, કુડોલનો ૨૦ વર્ષિય યુવાન અને મોડાસા શહેરના ૨૫ વર્ષિય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં ૯૫ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં જે પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી અત્યાર સુધીમાં ૭૫ દર્દીઓ કોરોનાને હરાવીને જંગ જીત્યા છે અને ૭૫ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 30 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને 176 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના પોઝિટિવનાં કુલ કેસનો આંકડો 12539 થયો છે અને ડિસ્ચાર્જનો કુલ આંક 5219 થયો છે. 398 કેસોમાંથી અમદાવાદમાં સૌથી વધુ 271, સુરતમાં 37, વડોદરા અને મહીસાગરમાં 15-15, કચ્છમાં 5, અરવલ્લીમાં 4, ગાંધીનગર-બનાસકાંઠા-નવસારી-સુરેનદ્રનગરમાં 3-3, બનાસકાંઠા-આણંદ-ખેડા-વલસાડમાં 2-2, જામનગર-ભરૂચ-દાહોદ-જૂનાગઢ અને અન્ય રાજ્યમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો હતો. 

૩૬ કલાકમાં ૧૫ કોરોના પોઝિટિવ કેસ કુલ ૯૫ નોંધાયા

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯૫ કેસ પોઝીટવ નોંધાયા છે. જેમાં છેલ્લા ૩૬ કલાકમાં જ ૧૫ કેસ નોંધાયા છે. ત્યારે લોકવાયકા મુજબ અગાઉ જે દિવસોમાં કેસ ઓછા આવ્યા હતા તે દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવાતા ન હતા. અને જેમ સેમ્પલો ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા બાદમાં કેસ બહાર આવવા લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે અરવલ્લીને રેડ ઝોનમાંથી બહાર લાવવા માટે ટેસ્ટીંગ કરાતા નહોતા.