મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મારી તબિયત સારી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્ક માં આવેલ તમામ લોકો સ્વેચ્છાએ હોમ કવોરન્ટાઇન થવા અથવા તો ડોક્ટર પાસે ટેસ્ટ કરાવવા વિનંતી. ભગવાન ભોળાનાથ તથા આપ સૌના આશીર્વાદથી  હું ઝડપથી સ્વસ્થ થઈ જઈશ. આ શબ્દો છે હાલમાં જ કોરોના પોઝિટિવ આવેલા રાજ્યકક્ષાના મંત્રી હકુભાના. પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી તેમણે સોશિયલ મીડિયા થકી અન્ય નેતાઓ અને સ્વજનોને આપી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં જાણે ભાજપમાં કોરોનાનો રેલો દોડ્યો હોય તેવી સ્થિતિ છે. હાલમાં જ એક જ દિવસના ગણતરીના જ કલાકોમાં ભાજપના ધડાધડ નેતાઓ કોરોના પોઝિટિવ થયાની વિગતો સામે આવી હતી. કોંગ્રેસની વાત કરીએ તો વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા અને તેમની પત્નીને કોરોનાનો ચેપલાગ્યો હોવાની માહિતી મળી રહી છે. હર્ષદ રિબડિયાના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી રહ્યા છે, જેથી તેમણે સંપર્કમાં આવેલાને હોમ ક્વોરન્ટાઈન થવા અપીલ કરી છે. MLA હર્ષદ રિબડિયાના પત્ની નિશાબેન અને પુત્ર રાજનને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અગાઉ સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું તેમણે પણ લોકોને સચેત થઈ જવા માટે અને લોકોની ચિંતા વ્યક્ત કતાં સોશિયલ મીડિયા પર વાત કરી હતી. જોકે થોડા જ દિવસો પહેલા તેમણે ભાજપના નવનીયુક્ત પ્રમુખ ચંદ્રકાંત પાટીલની સૌરાષ્ટ્ર પ્રવાસની રેલીમાં ગરબા લીધા હતા. જે રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોની ધડાધડ અવગણનાઓ થતાં દ્રષ્યો સામે આવ્યા હતા. જોકે હવે પાટીલ ઉત્તર ગુજરાતમાં પણ રેલી કરવાના છે.

હર્ષ સંઘવી પછી, સુરેન્દ્રનગર ભાજપના નેતા અને જિલ્લા ભાજપ મહામંત્રી જગ્દીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે જ સુરેન્દ્રનગરના જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સવારે તે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ને બપોર ઢળતા ઢળતા ભાજપના જિલ્લા પ્રમુખ દિલિપ પટેલ પણ કોરોનામાં સપડાયા. ભાજપના પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાની ઝપેટે આવી ગયા હતા. ભાજપના નેતાઓએ પોતાના પરિવારની પણ એટલી જ ચિંતા કરવાની જરૂર છે કારણ કે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી તેનો સૌથી મોટો દાખલો છે. તેઓ છેલ્લા 68 દિવસથી હોસ્પિટલમાં છે, કોરોનાની અવગણનાએ તેમને હોસ્પિટલના બિછાને જીવ માટે ઝઝૂમતા કરી દીધા હતા. હાલ તેમનો ચહેરો પણ જોઈને કોઈ ઓળખી ન શકે તેવી સ્થિતિ છે. કદાચ નેતાઓ તો તગડો રૂપિયો સારવાર પાછળ ખર્ચ કરી શક્શે પરંતુ સામાન્ય જનતા?

ગુજરાતના નેતાઓ કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાં ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્ય, હર્ષ સંઘવી, રમેશ ધડૂક, ડો. કિરિટસિંહ સોલંકી ઉપરાંત કોંગ્રેસના ભરતસિંહ સોલંકી હાલ સારવાર હેઠળ ચાલી રહ્યા છે જ્યારે ભાજપના રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકર ઉપરાંત ધારાસભ્ય કિશોર ચૌહાણ, બલરામ થવાણી, પૂર્ણેશ મોદી, જગ્દીશ પંચાલ, કેતન ઈનામદાર, વી ડી ઝાલાવડિયા ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા, ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાંતિ ખરાડી, ચિરાગ કાલરિયા, ગેનીબેન ઠાકોર, રઘુ દેસાઈ, અને ખુદ ભાજપના ગાંધીનગરની લોકસભાથી જીતેલા અને હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રજા શક્તિ મોર્ચા પ્રમુખ શંકરસિંહ વાઘેલા  પણ કોરોનાની ઝપેટે આવ્યા હતા. જેઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. ડો. કિરિટ સોલંકી ક્વોરંટાઈન કરાયેલા છે.