મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્યમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે વધુ એક તીડ નામની આફત આવીને ઉભી છે. અત્યાર સુધી સરહદી વિસ્તારોમાં તીડનો આતંક હતો હવે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અરવલ્લી જીલ્લાના ભિલોડા-મેઘરજ તાલુકાના સરહદી વિસ્તારોમાં રણતીડના ત્રાટકવાની દહેશત પેદા થતા ઉનાળુ ખેતી કરનાર ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જીલ્લા ખેતીવાડી વિભાગે સરહદી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને રણતીડની ઓળખ અને તેના નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચારેકોર કોરોનાનો કહેર મચ્યો છે. જાણે કુદરત જ રૃઠી હોય એમ સુપર સાઈકલોન ત્રાટકી રહયા છે.અને પુનઃ તીડ ત્રાટકવાનો ખતરો ઉભો થયો છે.રાજસ્થાન ના દક્ષિણ- પશ્ચિમી વિસ્તારોમાંથી રાજયના કચ્છ અને બનાસકાંઠા વિસ્તારમાં ફેલાયેલા તીડના ભય બાદ અરવલ્લી જિલ્લામાં તીડ ત્રાટકવાની સંભાવનાના પગલે લોકડાઉનમાં દયનિય હાલતમાં મુકાયેલા  ખેડૂતો ચિંતિત બન્યા છે. ભિલોડા-મેઘરજના સરહદી ૨૮ ગામોમાં ખેતીવાડી વિભાગે ૧૦ જુદી જુદી ટિમ બનાવી રણતીડ ત્રાટકે તો તેના નિયંત્રણ માટે રણનીતિ બનાવી હતી ખેડૂતોને રણતીડની ઓળખ અને તેના નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રણતીડ ત્રાટકે તો તેના નિયત્રંણ માટે કૃષિ વિભાગે ફૂટ સ્પ્રેયર અને ટેન્કર દ્વારા દવા છંટકાવ કરવા તડામાર તૈયારીઓ આદરી દીધી છે.

ભિલોડા તાલુકાના બોરનાલા ગામે તીડ જેવા તીતીઘોડા ના ઝુંડના ઝુંડ જોવા મળતા ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને બોરનાલા ગામે તીડ ત્રાટક્યા હોવાની  ચગદોળે ચડેલી ચર્ચાને લઈ જિલ્લાના ખેડૂતોમાં ભય પ્રસર્યો હતો. માહિતીની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમ બોરનાલા ગામે પહોંચી હતી, પરંતુ તીડ નહીં તીતીઘોડા હોવાનું જોવા મળતાં જ તંત્ર સહિત ખેડૂતો એ મોટી રાહત અનુભવી હતી.