મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશન છેલ્લા ઘણા સમયથી કોરોનાને લઈને આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડવાની ટ્રીક અપનાવી રહ્યું છે, જેને પગલે આ નીતિ લોકો માટે જોખમી બનવા જઈ રહી છે અને આ અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ જ અંગેનો પુરાવો આપતી એક ઘટના અમદાવાદના વસ્ત્રાપુર ખાતે બનવા પામી છે. અહીં એક શિક્ષકનું કોરોનાને કારણે ચાર દિવસ પહેલા મોત નીપજ્યું હતું, જોકે તેઓના મૃત્યુ પચી પણ પરિવારજનોએ પોતાના પણ ટેસ્ટ કરવા માટેની જાણ કોર્પોરેશનને કરી છતાં કોર્પોરેશને તો ટેસ્ટ કરવાની મોંઢા પર ના પાડી દધી હતી. આવો જાણીએ પરિવારજનોના આ અનુભવ અંગે.

વસ્ત્રાલમાં માધવપાર્ક વિ. 1માં રહેતા રમેશ રાજદેવ સિંહ જેઓ ખેડા પાસે એક ગામમાં સરકારી શિક્ષક હતા. તેમની દીકરી રિયાનું કહેવું છે કે પિતા રમેશ સિંહને કોરોનાના લક્ષણો દેખાતા તેમને 21મીએ શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા. જ્યાં કોઈપણ જાતની સરખી સારવાર કરવામાં આવી ન હતી.

ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જ્યારે પરિવારે કોરોનાનો રિપોર્ટ માગ્યો અને કારણ પુછ્યું તો પરિવારને મૌખિક કહેવાયું કે તેમનો રિપોર્ટ પોઝિટિવ હતો અને તેના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ અંગે પરિવારે રિપોર્ટની કોપી વારંવાર માગી પણ તંત્રમાંથી કોઈ પણ તેમને રિપોર્ટ આપવા તૈયાર ન હતું, જોકે તેનું કારણ શું હોઈ શકે તે પણ કોઈની સમજમાં આવ્યું હતું. તે ઉપરાંત તેમના પિતાનો મૃતદેહ પણ બારોબાર આપી દેવાયો હતો.

રિયાનું કહેવું છે કે, તેમણે અર્બન હેલ્થ સેન્ટર અને હેલ્પલાઈન પર ફોન કરીને ક્વોરંટીન કરવા માટે કહ્યું ત્યારે બે દિવસે તો તંત્રના માણસો ક્વોરંટિન માટે આવ્યા અને દવા આપી ને પાછા જતા પણ રહ્યા હતા. તંત્રને તેમણે ટેસ્ટ માટે પણ માગણી કરી હતી. જોકે તેઓએ કહ્યું કે કાલે આવીશું.  જોકે તેઓ આવ્યા તો નહીં પણ તેઓએ તેમને ટેસ્ટ માટેની સ્પષ્ટ ના પાડી દીધી. ઘરના એક સભ્યને પણ કોરોનાના લક્ષણો હોવા છતાં કોર્પોરેશને ટેસ્ટ માટે ના પાડી દીધી, હવે પરિવાર આખો ચિંતામાં પડ્યો છે.