મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં અનલોક 1 દરમિયાન સંક્રમણમાં થતો ધરખમ વધારો હવે હીરા ઉદ્યોગોને નડી રહ્યો છે. અત્યાર સુધી લોકડાઉન હતું ત્યારે ધંધાઓને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે અનલોકમાં સંક્રમણ વધવાને કારણે સ્ટાફને જોખમ વધી જતાં ધંધા ફરી બંધ કરવાનો સમય આવ્યો છે. હાલમાં આ અંગે હીરા કારખાના બંધ કરવા કે કેમ તે અંગે વિચારણા ચાલી રહી છે. રવિવારે કોર્પોરેશન દ્વારા હજુ સંક્રમણ વધે તેવા સંકેત અપાયા છે.

હાલમાં છૂટછાટ સાથેના લોકડાઉનમાં ઉદ્યોગો સહિત ઘણી બાબતોમાં છૂટ મળી છે, જોકે હજુ લોકોની ગંભીરતા તો રસ્તેથી પસાર થતાંની સાથે જ જોવા મળી જાય છે. પોતે ખુદ તકેદારીઓનું ભાન ન રાખતા લોકો પણ અન્યો પાસેથી સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક વગેરેનું પાલન થાય તેવી અપેક્ષાઓ રાખતા હોય છે. હાલમાં સુરતમાં હીરા ઉદ્યોગોમાં સંક્રમણ વધતાં કેસીસ વધી રહ્યા છે. અગાઉ 250 કરતાં વધુ કેસ અને હવે છેલ્લા પાંચ દિવસમાં 200 કેસ પોઝિટિવ મળતાં હીરા કારખાનામાં કામ કરતાં લોકો અને તેમના પરિવારો માથે જોખમ ઊભું થયું છે.

હાલમાં જ કતારગામ ઝોનમાં કેટલાક કારખાનાઓને બંધ કરાવવામાં આવ્યા હતા. એક બાજુ સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક વગેરે જેવી તકેદારીઓ રખાતી નથી અને બીજી બાજુ રાજકીય દરમિયાનગીરીને પગલે મનપા આવા ઘણા કારખાનાઓ સામે કાર્યવાહી કરી શકતું નથી. જ્યાં ત્યાં આ બધાને કારણે ભોગવવાનું તો ખુદ તેમને પોતાને જ છે એટલી સાદી સમજણનો પણ અહીં અભાવ જોવા મળે છે.

અગાઉ પણ ધંધાદારીઓ સાથે મીટિંગ કરી તકેદારી માટે લેવાતા તમામ પગલાઓનું ચુસ્ત પાલન કરાવવાની સૂચના આપી હતી, પણ એવું તો અહીં કરે કોણ, બીજા પાસે અપેક્ષા 100 ટકા રાખવાની. રવિવારે કોર્પોરેશનની ટીમે હીરા બજારમાં તપાસ કરી હતી જેને પગલે ઘણા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી તકેદારીઓ ન રાખતા હોવાનું સામે આવ્યું હતું.

એક તરફ વધતા કેસ અને બીજી તરફ આ પ્રકારની બેદરકારીને કારણે આગામી સમયમાં કેસ હજુ પણ વધુ વધે તેવી શક્યતાઓ કોર્પોરેશનની ટીમ દ્વારા વ્યક્ત કરાઈ તો હીરા ઉદ્યોગ હચમચી ગયો છે. ચર્ચાઓ-વિચારણાઓ બાદ હીરા બજાર દસેક દિવસ માટે બંધ થાય તેવી શક્યતાઓ છે. આ નિર્ણય ટુંક જ સમયમાં લેવાઈ જશે.