ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : એટલાન્ટીક મહાસાગરની આ પાર અને સામેપાર આવેલા બુલિયન બજારમાં ૨૩ અને ૨૪ માર્ચે ૯૮.૫ ટન સોનાની ડીલીવરી લેવાના ધડાકાભડાકા કોણે કર્યા, કરાવ્યા હતા? આ એક જ દિવસમાં કોમેકસ બેન્ચમાર્ક વાયદો પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ૧૪૯૬.૩૦ ડોલરથી ઉછળી ૧૬૩૭ ડોલર થયો હતો. લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (એલબીએમએ) અને ન્યુયોર્ક કોમેકસ વચ્ચે એ સમયે થયેલા હાજર અને પાકતા વાયદા વચ્ચેનો ભાવ તફાવત (સ્પ્રેડ) ૧.૫ ડોલરથી વધીને ૬૦ ડોલર થયાનો વિવાદ અને અફવાઓ ખુબ ચગી હતી, પણ એ વિષે બહુ બધી જાણકારી બહાર આવી ન હતી.

એલબીએમએ અને કોમેકસ વચ્ચેના આ વિવાદ પર પછેડી ઢાંકી દેવાના પ્રયાસો પણ ખુબ થયા હતા. માર્ચ અંતમાં અને ત્યાર પછી બનેલી આ ઘટનામાં, બધાજ ખેલાડીઓ સ્થતિને તત્કાળ સમજી લઈને તેની સાથે એડજસ્ટ થવામાં જ ભલું સમજવા લાગ્યા હતા. કોરોના વાયરસને પગલે સ્વીઝરલેન્ડની ચારમાની ત્રણ ગોલ્ડ રીફાઈનરી વેલ્કંબી, એન્ગ્રો-હેરાસ અને પીએએમપી (પેમ્પ) ૨૩ માર્ચે એકાએક બંધ કરી દેવામાં આવી.

પરિણામે ન્યુયોર્ક કોમેક્સ પાકતા વાયદામાં વાસ્તવિક ડીલીવરી થવાની સંભાવના નહીવત રહી ગઈ. સ્થિતિ એવી પેદા થઇ ગઈ કે મંદીવાળા પાસે સોનાની ડીલીવરી ન હતી અને તેજીવાળા પાસે ડીલીવરી ઉપાડવાના પૈસા ન હતા. આમ સપ્લાય અને ડીમાન્ડ બન્ને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં થવી અશક્ય બની ગઈ. પરિણામે નીચા ભાવે (વાયદો) લો અને ઊંચા ભાવે (હાજર) વેચોવાળા આર્બીટ્રાજરો બજારમાં દાખલ થઇ ગયા.

સામાન્ય રીતે આવા આર્બીટ્રાજરો (જેપી મોર્ગન, એચએસબીસી, સ્કોટીયા, ગોલ્ડમેન સાસ જેવી મહત્તમ બેંકો) વાયદો કટમાં જવાના સમયે, આવા ભાવ તફાવત (સ્પ્રેડ) શૂન્ય કરાવવાની ભૂમિકા નિભાવતા હોય છે. ભાવ તફાવત શૂન્ય ન થાય ત્યાં સુધી તેઓ (ઓટીસી લંડનમાં) સ્પોટ ખરીદવાનું અને (ન્યુયોર્કમાં) વાયદો વેચવાનું ચાલુ રાખતા હોય છે. જો આવશ્યકતા જણાય તો આવા આર્બીટ્રાજરો વાયદો મેચ્યોરીટીમાં ન જાય ત્યાં સુધી પોતાની પોઝીશન પકડી રાખે છે, અને નફો હાથવગો ન થાય ત્યાં સુધી ડીલીવરી કરવા તત્પર નથી થતા. પરંતુ કોરોનાને કારણે ગોલ્ડ રીફાઈનરીઓ અને હવાઈ જહાજો ઉડવાના બંધ થઇ જતા આર્બીટ્રાજ જોખમી બની ગયું અને ભાવ તફાવત (સ્પ્રેડ) શૂન્ય નહિ કરાવી શક્યા.

સ્વીઝરલેન્ડની રીફાઈનરીઓ ૪૦૦ ઔંસની મોટી લગડી બનાવીને લંડનની બુલિયન બેન્કને વેચે નાખે છે, ત્યારે બેંક તેનું વળતું હેજિંગ (સોદાની સલામતી) કોમેકસ વાયદામાં કરી નાખે છે. આમ બેંકો હાજરમાં તેજી અને વાયદામાં મંદી કરે છે. આમ કરવા માટે બેંકો લંડન ઓટીસી ઓક્સ્ચેન્જનો એક્સચેન્જ ફોર ફીઝીકલ સ્વેપ તરીકે ઉપયોગ કરે છે.

કોમેકસ પર ૧૦૦ ઔંસ વાયદા કોન્ટ્રેક્ટ ચાલે છે, સાથે જ લંડન ઓટીસી પર પણ કામકાજો થાય છે. સોનાના ભાવ સંશોધનમાં આ બન્ને એકસચેન્જની આખા વિશ્વમાં ઈજારાશાહી જેવી પકડ છે. ૨૩ અને ૨૪ માર્ચ વચ્ચે હાજર અને વાયદાનાં ભાવમાં ઉછાળો આવ્યો ત્યાર પછીના એક સપ્તાહ બાદ ૩૧ માર્ચે એપ્રિલ કોમેકસ વાયદાનો ફર્સ્ટ નોટીસ ડે હતો અને એજ દિવસે ૧૭૩૦૨ કોન્ટ્રેક્ટ (૧૭,૩૦,૨૦૦ ઔંસ અથવા ૫૩.૮૧ ટન)ની ડીલીવરી લેવાની, નોટીસ બોર્ડ પર ઝબૂકવા લાગી, આખી દુનિયાના બુલિયન ટ્રેડરો આશ્ચર્યમાં મુકાઈ ગયા.

આ જ દિવસે કલીયરીંગ હાઉસમાં પડેલા કુલ સોનાનો ૫૬ ટકા સ્ટોક, ડીલીવરી નોટીસમાં માંગવામાં આવ્યો હતો. ત્યાર પછીના બીજા જ દિવસે એપ્રિલમાં ડીલીવરી ડીમાંડ નોટીસ વિસ્તરીને ૩૧,૬૬૬ કોન્ટ્રેક્ટ (૯૮.૫ ટન) થઇ, જે એક નવો અને ઐતિહાસિક વિક્રમ હતો. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૦ના ત્રણ મહિનાના કુલ મળીને ૧૩૮૬૪ કોન્ટ્રેક્ટની જ ડીલીવરી માંગવામાં આવી હતી અર્થતા માસિક સરેરાશ ૪૬૨૧ કોન્ટ્રેક્ટની ડીલીવરી ઉતરી હતી. પણ એપ્રિલમાં આ ડીલીવરી ૭૦૦ ટકા વધી ગઈ હતી.       

(અસ્વીકાર સૂચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝિશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)