મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ હાલમાં દેશમાં દિવાળીના તહેવારો પછી કોરોના વાયરસ બેકાબુ બનતા લોકોનાં ટપોટપ મોત થઇ રહ્યા છે ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શંકાસ્પદ કોરોનાના હજ્જારો દર્દીઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે જે મંદિર સાથે લાખ્ખો ભાવીકોની આસ્થા જોડાયેલી છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે તેવા મોડાસા શહેરના સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ દેવરાજ ધામના મહંત ધનગીરી મહારાજે કોરોનાનું સંક્રમણમાં વધારો ન થાય અને ભક્તોમાં કોરોના સંક્રમણ ફેલાય નહિ તે માટે દર્શનાર્થીઓ માટે મંદિરનુ દ્વાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને ભક્તોને ઘરે રહેવા માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે મેઘરજ રોડ પર આવેલ ઉમિયા માતાજીનું મંદિર પણ બંધ રાખવાનો ટ્રસ્ટીઓ અને પૂજારીએ  નિર્ણય લીધો હતો જયારે શામળાજી મંદિર ભક્તો માટે ખુલ્લું રખાતા અને માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સ પણ ન જળવાતા ભક્તોમાં કોરોના સંક્રમણનો ભય પેદા થયો છે.

સાબરકાંઠા જીલ્લામાં કોરોનાનુ સંક્રમણ ઘેરું બન્યું છે કોરોનાના કહેરના પગલે લોકોમાં ભય ઉભો થયો છે . જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને અટકાવવા માટે થઇને હવે લોકો એ પણ જાતે જ પગલા ભરવાની શરુઆત કરી છે. સ્થાનિક લોકો અને સ્થાનિક વહેપારીઓ સાથે મળીને હવે લોકોને કોરોના મહામારી થી સુરક્ષીત રાખવા માટે નો પ્રયાસ હાથ ધર્યો છે.પ્રાંતિજ પંથકમાં ૬૦ થી વધુ લોકો એક સપ્તાહમાં સપડાતા  નગર પાલિકા સાથે વહેપારીઓએ બેઠક યોજીની પ્રાંતિજ શહેરના બજારો બે દિવસ બંધ રાખવા સાથે જ જનતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ હતું .શહેરમાં રવિવારે સવારથી જ શહેર સુમસામ બની ગયુ હતુ અને બજારો સજ્જડ બંધ થઇ ગયા હતા. શહેરમાં તમામ દુકાનો બંધ રહેતા ભીડ ભાડ ભર્યા રહેતા બજારો પણ હવે સુમસામ ભાસવા લાગ્યા હતા.પ્રાંતિજમાં ૧૦ દિવસ સુધી રાત્રી જનતા કર્ફ્યુ પણ અમલવારીમાં લાવી કોરોના સંક્રમણ અટકાવવા પ્રયત્નશીલ બન્યા છે