મેરાન્યુઝ નેટવર્ક દિલ્હી: આજે સમગ્ર વિશ્વ કોરોનાની વેક્સિન શોધવા મથી રહ્યું છે. જેનાં રિસર્ચ પાછળ અબજો ડોલર ખર્ચાઈ રહ્યા છે. જેથી લાખો લોકોનો જીવ બચાવી શકાય. કોરોનાએ જે રીતે લોકોનો ભોગ લેવાનું શરૂ કર્યું છે એ જોઈને મહાસત્તા સહિત દરેક દેશ હચમચી ગયા છે. કોઈ પણ ભોગે કોઈપણ કિંમતે કોરોનાની વેક્સિન શોધવા તૈયાર છે. દરેક દેશ જાણે સૌથી પહેલા વેક્સિન શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તે એટલું સરળ નથી.

        આ વાયરસની વેક્સિન માટે કેટલાય ટ્રિલિયન ડોલર ચુકવાઈ ગયા છે. વૈજ્ઞાનિકો શક્ય તેટલી વહેલી તકે વેક્સિન તૈયાર કરવામાં વ્યસ્ત છે. એક અંદાજ મુજબ વેક્સિન શોધાતાં એકથી દોઢ વર્ષ લાગી શકે. એકવાર વૈજ્ઞાનિકો સફળ થયા પછી, જે વેક્સિનને નિયંત્રિત કરતું હશે તે વિશ્વમાં ખૂબ શક્તિશાળી ગણાશે. વેક્સિન શોધવાની આ હરીફાઈમાં જે પહેલા સફળ થશે એ તેના નાગરિકોને પહેલા બચાવશે. વિકસિત દેશોએ અનેક રિસર્ચ કંપનીઓ સાથે 'વિશિષ્ટ' સોદા કર્યા છે. જેથી વેક્સિન શોધાઈ ગયા પછી તેમને તેના રાઇટ્સ મળે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા જેવા દેશો વેક્સિન માટે પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા છે.

        જે દેશ સૌપ્રથમ વેક્સિન બનાવશે એ એવો પણ પ્રયત્ન કરશે કે, જો મહામારી એકદમ વધે તો અમુક પ્રમાણમાં સ્ટોક રાખી શકે. વેક્સિનની નિકાસ પર જે તે દેશ પ્રતિબંધ મૂકે એવું પણ થવાની શક્યતા છે. એક સફળ વેક્સિન બની હોવા છતાં, બીજા દેશોમાં પહોંચવામાં ઘણા વર્ષો લાગી શકે છે. આમ તો કોરોનાની વેક્સિનનો મામલો આરોગ્યને લાગતો છે. આ મામલા વિષે એવું પણ કહી શકાય કે, ઇકોનોમી અને પોલિટિક્સ વચ્ચે આરોગ્ય અટવાયું છે. સમૃદ્ધ દેશ ટૂંક સમયમાં તેના પ્રભાવ અને પૈસાની મદદથી વેક્સિન મેળવશે. જ્યારે ગરીબ અને પ્રમાણમાં અલ્પવિકસિત દેશોમાં પહોંચવા સમય લાગશે. કારણ કે જ્યારે પોતાના નાગરિકો સુરક્ષિત રહેશે ત્યારે જ તે બીજા દેશની મદદ કરશે.

ભારતની તૈયારી

        ભારત સરકાર તેના નાગરિકોને વહેલી તકે વેક્સિન આપવા માંગે છે. દેશમાં 14 વેક્સિન તૈયાર થવાની પ્રક્રિયા હેઠળ છે, જેમાંથી ચાર વેક્સિન એડવાન્સ સ્ટેજમાં જવા પણ તૈયાર થઈ ચૂકી છે. સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને અન્ય વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહે છે. જેથી એકવાર વેક્સિન બને પછી તે પ્રાપ્ત કરી શકાય. ડિપાર્ટમેન્ટ ઓફ બાયો ટેકનોલોજી (DBT)ના સચિવ રેણુ સ્વરૂપના જણાવ્યા અનુસાર, સરકાર દરેક મોરચે કોઈપણ અસરકારક વેક્સિનને શક્ય તેટલી ઝડપથી મંજૂરી આપશે.

        હાલની પરિસ્થિતિએ ભારત તેના ઉત્પાદન ક્ષેત્રને ધ્યાને લેતાં વેક્સિન બનાવવા માટેનો સૌથી મોટો દાવેદાર દેશ છે. ભારત વિશ્વની કુલ વેક્સિનના ૬૦% વેક્સિનનું ઉત્પાદન કરે છે. યુ.એન.માં મળતી ૬૦થી ૮૦% વેક્સિન 'મેડ ઇન ઇન્ડિયા' છે. વિશ્વના ઘણા દેશો ભારત સાથે સંપર્કમાં છે. જો કોરોના વેક્સિન ભારતમાં ઉત્પન્ન થાય છે, તો લોકો સુધી પહોંચવા માટે મોટાપાયે ઉત્પાદન જરૂરી બનશે. ભારત પાસે પહેલેથી જ અનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આવી સ્થિતિમાં વેક્સિન ભારત બનાવી શકે છે.

        આ મહિનાની શરૂઆતમાં, યુરોપિયન યુનિયન દ્વારા એક પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં વિશ્વભરના દેશોએ ભાગ લીધો હતો. આ પરિષદમાં તેવી  લેબોરેટરીઓને ભંડોળ અપાયું હતું, જેમના વેક્સિનના પ્રારંભિક પરિણામો સકારાત્મક હતા. આ બેઠકમાં ૮ બિલિયન ડોલર એકત્ર થયા હતા. યુએસ અને રશિયાએ તેમાં ભાગ લીધો ન હતો. જે ચીનીઓએ ભાગ લીધો હતો તેઓએ પૈસા ચૂકવ્યા ન હતા. બંને દેશો તેમની વેક્સિન પર નોંધપાત્ર રકમ ખર્ચ કરી રહ્યા છે. અમેરિકાએ ફ્રેન્ચ કંપની સનોફી સાથે કરાર કર્યો છે કે, જો તેની વેક્સિન સફળ રહેશે તો વેક્સિન સૌપ્રથમ યુ.એસ.ને મળશે.

        વૈશ્વિક પેટન્ટ સિસ્ટમ એવી છે કે જેણે વેક્સિન વિકસાવી છે તે માલામાલ થઈ જશે. ચીન અને અમેરિકા, આ બંને દેશોએ વેક્સિન વિકાસ માટે અબજો ડોલર ખર્ચ્યા છે. કોઈપણ દેશ જે પહેલાં વેક્સિન બનાવે છે, તે સ્થાનિક ઉત્પાદકોના હાથમાં ઉત્પાદન આપીને રમત પણ રમી શકે છે. માની લો કે ચાઇના વેક્સિન બનાવે છે, તો તે પોતાની વેક્સિનને ઝડપથી મંજૂરી આપશે, જ્યારે અમેરિકન વેક્સિનને નહીં આપે. ચીની ડેવલોપર્સનો ફાયદો થશે. અમેરિકા પણ આવું કરી શકે છે. આનો અર્થ એ થશે કે વિશ્વની જે સ્કેલની જરૂરિયાત છે તેના આધારે વેક્સિન પેદા કરવામાં આવશે નહીં.

        કોરોના વાયરસ માટેની અસરકારક ડ્રગની શોધ પણ ચાલુ છે. કોરોનાના દર્દી પર હાઇડ્રોક્સિક્લોરોક્વિન(એચસીક્યુ), રીમડેસિવીર, ફેવિપીરવીર જેવી દવાઓની અસર પર રિસર્ચ ચાલું છે. આ દવાઓની કોરોના પરની અસરની ચર્ચા થતાં જ તેમની માગ અનેકગણી વધી ગઈ. જો ભારત એચસીક્યુનો સૌથી મોટો ઉત્પાદક છે, તો મદદ માગનારાઓની લાઇન પણ એટલી જ લાંબી છે. અમેરિકા, બ્રિટન, યુએઈ વગેરે અનેક દેશો પરના નિકાસના પ્રતિબંધને હટાવી ઘણા દેશોમાં આ દવાઓ મોકલી છે. હવે વધુ નવા નવા દવાઓના કોમ્બીનેશનનો પ્રયાસ ચાલું છે. કેટલાક પ્રયોગોનાં પરિણામો સકારાત્મક રહ્યા છે પરંતુ તેમાં કોઈ નક્કર પ્રગતિ થઈ નથી.

(Edited By Milan Thakkar)