મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઘણી સ્થિતિઓમાં વિપક્ષ એટલે કે કોંગ્રેસ ક્યાંય દેખાતું નથી તેવા સંજોગોમાં આમ આદમી પાર્ટીના નેતાઓ નજરે ચઢી રહ્યા છે. જોકે યુવા નેતૃત્વ પર ભાર આપતી આ પાર્ટી કેટલું સામર્થ્ય બતાવી શકે છે અને ગુજરાતને આગળ લઈ જવા માટે કેવા વિચારો ધરાવે છે તે પણ આગામી સમય દર્શાવશે. તેમણે હાલની કોરોના સ્થિતિ અને ગુજરાતને બેઠું કરવાપર તેમના કેટલાક વિચારો અહીં તેમણે મીડિયા સમક્ષ રજુ કર્યા હતા. આવો જાણીએ...

આપ ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયા એ કહ્યું કે, સુરત શહેર અનેગ્રામ્ય સહિત સમગ્ર જીલ્લામાં કોરોનાનો ત્રાસ વધી રહ્યો છે, લોકો રોજગારી ગુમાવી રહ્યા છે અને ભવિષ્ય બાબતે ચિંતિત છે. આવા સમયે લોકોના મનમાંથી કોરોનાનો ભય દૂર થાય અને ધંધા-રોજગાર નિયમિત થાય તે માટે કોરોનાથી સંક્રમિત લોકોના સારા થવાનું પ્રમાણ વધવું જોઈએ અને મૃત્યુનું પ્રમાણ ઘટવું જોઈએ.

તેમણે કહ્યું કે, લોકો કોરોનાથી બચવા સ્વયં શિસ્તનું પાલન કરે, નિર્ભય બને અને પોતાના રોજીંદા કામકાજ શરુ કરે તે માટે સરકાર દ્વારા લોકોને દંડ અને સજાના હથિયારોથી ડરાવવાને બદલે લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તે જરૂરી છે. લોકોને બાહેંધરી મળે કે જો કોરોનાથી સંક્રમિત થઈશું તો અમને તમામ સારવાર ઝડપથી અને મફત મળી રહેશે તો લોકોમાં ઘુસી ગયેલા ડરનું પ્રમાણ થોડું ઓછું થાય પણ અત્યારે આવું થવાને બદલે લોકોને સરકારી હોસ્પિટલ્સ પર ભરોસો નથી રહ્યો અને ખાનગી હોસ્પિટલોના અસહ્ય ખર્ચાઓ લોકો સહન કરી શકે તેમ નથી. આથી લોકોમાં નિરાશા આવતી જાય છે અને તંત્ર પ્રત્યેનો રોષ હવે દિવસે ને દિવસે વધતો જાય છે.

કોરોના મહામારીને લીધે લાખો લોકો શહેર છોડીને પોતાના વતન જતા રહ્યા છે ત્યારે તમામ ધંધા-રોજગારો પડી ભાંગ્યા છે. જ્યાં સુધી કોરોના સંક્રમિત લોકોના સાજા થવાનું પ્રમાણ વધશે નહીં અને મૃત્યુનું પ્રમાણ ઘટશે નહીં ત્યાં સુધી સુરતમાં ધંધા-રોજગાર નિયમિત થઇ શકશે નહીં.

તેમણે એવું પણ કહ્યું કે, એક સમય કોરોના સંક્રમણની બાબતમાં સૌથી આગળ હતું તેવું દિલ્હી આજે આ મહામારીમાંથી બહાર આવી રહ્યું છે. દિલ્હી સરકાર દ્વારા અપનાવવામાં આવેલ મોડેલને ગુજરાત અને સુરતમાં લાગુ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. દિલ્હીમાં લેવામાં આવેલા કેટલાક પગલાઓ જે ગુજરાતમાં લાગુ કરવા અત્યંત જરૂરી છે.

યુવા નેતૃત્વએ કેટલાક અલગ મુદ્દા અને વિચારો રજુ કર્યા હતા, જોકે શક્ય છે કે તેમાં સહમતતા કે અસહમતતા બને પરંતુ આવો તે વિચારો પર એક નજર કરીએ.

• વધુ અને પારદર્શક ટેસ્ટિંગ :

ગુજરાતના દરેક જીલ્લા મથકે સરકારી તેમજ પ્રાઇવેટ લેબોરેટરીને મફતમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે અને આ ટેસ્ટના પરિણામ પણ જાહેર કરવામાં આવે. આવું કરવાથી પ્રજામાં જાગૃતિ આવશે અને યોગ્ય સમયે દર્દીઓનું હોમ આઇસોલેસન કે પછી સરકારી સુવિધાઓમાં આઇસોલેસન થઈ શકશે.

• સરકારી કે ખાનગી તમામ હોસ્પિટલમાં મફત સારવાર :

સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં અને ગુણવત્તાસભર સારવાર આપી શકાય તેવી સુવિધાઓ ઉભી કરવામાં આવે. તમામ પ્રકારના રિપોર્ટ અને તમામ પ્રકારની દવાઓ મફત આપવામાં આવે. ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં સરકારી સુવિધાઓ ઉભી કરવામાં નથી આવી એટલે શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલોને પણ સરકારી નિયંત્રણ નીચે લઇને ખાનગી હોસ્પિટલોમાં લોકોને સારવાર આપવામાં આવે અને જે ખર્ચ થાય તે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને ચુકવવામાં આવે.

• હોસ્પિટલના વહીવટમાં પારદર્શિતા લાવવામાં આવે :

કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી રોજે રોજ મીડિયાના માધ્યમથી તેમજ સરકારી વેબસાઈટ્સ દ્વારા જાહેર કરવામાં જેને લીધે લોકોમાં કારણ વગરનો ભય પેદા ન થાય, દર્દીએ જ્યાં-ત્યાં રખડવું ન પડે અને દર્દીની જલ્દીમાં જલ્દી સારવાર શરુ થઇ શકે. કોરોનાના દર્દીઓ જે વોર્ડમાં હોય એ તમામ વોર્ડમાં CCTV કેમેરા મુકવામાં આવે અને દર્દી માનસિક રીતે પણ સ્વસ્થ અને ભયમુક્ત રહી શકે એટલા માટે દર્દીને એના સગા-વ્હાલા મિત્રો સાથે વિડીયો-કોલ દ્વારા સંપર્કમાં રહેવાની પુરતી સગવડો આપવામાં આવે. સારવાર દરમિયાનની તેમજ દર્દીનું મૃત્યુ થયું હોય તો પોસ્ટમોર્ટમ સમયની પણ તમામ વિડીયોગ્રાફી દર્દીના સગા-વ્હાલા જયારે માંગે ત્યારે એમને ઉપલબ્ધ કરાવવામાં આવે.

• પહેલા સારવાર પછી કાગળો :

દર્દી કોરોના હોસ્પિટલમાં પહોંચે એટલે બીજી કાઈપણ પુછપરછ કર્યા વગર સૌથી પહેલાં તેનો ઓક્સિજન અને અન્ય પ્રાથમિક સારવાર ચાલુ થવી જોઈએ. આ બધું થયા બાદ જ કાગળ અને અન્ય પેપરવર્ક માટે દર્દીના સગા-વ્હાલાને કહેવામાં આવે. કાગળોની રમતમાં કોઈપણ દર્દીનો જીવ ન જ જવો જોઈએ.

• પ્લાઝ્મા થેરાપીની વધુમાં વધુ સુવિધાઓ ઉભી કરવામાં આને અને પ્લાઝ્મા ડોનેશન માટે લોકોને જાગૃત કરવામાં આવે :

કોરોના સામે લડવા માટે જ્યારે અત્યારે કોઈ દવા કે રસી કામ નથી આપતી ત્યારે પ્લાઝ્મા થેરાપી જ આશાનું એક મોટું કિરણ છે અને દિલ્હીમાં આનો પ્રયોગ બહુ સફળ રહ્યો છે તો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાઝ્મા થેરાપીની વધુમાં વધુ સગવડો ઉભી કરવામાં આવે, લોકોને પ્લાઝ્મા ડોનેશન માટે પ્રેરિત કરવામાં આવે અને દર્દીઓને વિનામૂલ્યે પ્લાઝમા મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે.

તેમણે એવું પણ કહ્યું કે, આ સિવાય આપના દ્વારા જે પગલા લેવામાં આવી રહ્યા છે તે આવકાર્ય છે પરંતુ અમે આશા રાખીએ છીએ કે સરકારના તમામ નિર્ણયોમાં પ્રજાને દોષિત માનીને દ્વેષ રાખવાને બદલે દયા-દ્રષ્ટિ રાખવામાં આવે. આ મહામારીમાં પ્રજાએ જે ભોગવ્યું છે અને ભવિષ્યમાં હજુ જે ભોગવવું પડે તેમ છે તેને નજરમાં રાખીને જ કોઈપણ નિર્ણયો લેવામાં આવે.