ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ ): અમેરિકન કૃષિમંત્રાલયે શુક્રવારે વર્લ્ડ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ અંદાજો મંદી તરફી આપ્યા અને મકાઇ બજારે તેનાથી વિપરીત હકારાત્મક પ્રત્યાઘાત આપ્યો. મકાઇ સપ્લાઈ મોટી રહેવાની આગાહી અમેરિકએ આ અગાઉ જ આપી હતી, તેના આધારે જ ભાવ ૬ મેના ૭.૭૫ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) ઊંચાઈએથી અત્યાર સુધીમાં ૨૦ ટકા ઘટયાં છે. શિકાગો ડિસેમ્બર મકાઇ વાયદો શુક્રવારે એક તબક્કે ૪.૯૭ ડોલર, જાન્યુઆરી બોટમે બેસી ગયો હતો. જો કે પાછળથી ભાવ વધીને ૫.૧૬ ડોલર થવા છતાં ભાવ સતત બીજા સપ્તાહે ૨.૩ ટકાનો સાપ્તાહિક ઘટાડો દાખવી સાડાસાત મહિનાના તળિયે ગયો હતો. 

અમેરિકન કૃષિમંત્રાલયે વર્ષાન્ત સ્ટોકનો આંકડો ઓગસ્ટ અંદાજ ૧.૧૧ અબજ બુશેલ કરતાં ૬ ટકા વધુ ૧.૧૮ અબજ બુશેલ મૂકીને એવું કારણ આપ્યું હતું કે મકાઇ માર્કેટિંગ વર્ષ ૨૦૨૦-૨૧માં ઇથેનોલ બનાવવામાં ૪૦૦ લાખ બુશેલ મકાઇ વપરાશ અને નિકાસ પણ ૩૦૦ લાખ બુશેલ ઘટશે. આમ છતાં આ અનુમાનોને આધારે અમેરિકન કૃષિમંત્રાલયે ૨૦૨૦-૨૧ વર્ષની ભાવ સરેરાશ ૨૦૧૯ કરતાં ૨૫ ટકા વધારીને ૪.૪૫ ડોલર મૂકી હતી.

Advertisement


 

 

 

 

 

યુએસડીએ એ સ્ટોક ટુ યુસેઝ રેશિયો ૨૦૧૯ કરતાં અડધો ૭.૯ ટકા મૂક્યો હતો, આ રેશિયો ૨૦૧૨ પછીનો સૌથી ઓછો છે. મકાઇ વાવેતર ઓગસ્ટ અંદાજ ૯૨૭ લાખ એકરથી વધારીને ૯૩૩ લાખ એકર મૂકવા સાથે એકર દીઠ મકાઇ યિલ્ડ અનુમાન, વેપારી અનુમાન પ્રતિ એકર સરેરાશ ૧૭૫.૮ બુશેલથી વધારીને ૧૭૬.૩ બુશેલ મૂક્યો હતો. ઓગસ્ટમાં આ અંદાજ ૧૭૪.૫ બુશેલ હતો. ઉત્પાદન અનુમાન એક મહિનામાં ૧૪.૭૫૦ અબજ બુશેલથી વધારીને ૧૪.૯૯૬ બુશેલ કરવામાં આવ્યો હતો.

ઓગસ્ટ સુધીના યુએસડીએ અહેવાલ તેજી તરફી હતા પણ હવે ભાવ નીચે જવાનું દબાણ વધશે. ઈદા વાવાઝોડું આવ્યું એ પહેલા સીબીઓટી ડિસેમ્બર મકાઇ વાયદો ૨૭ ઓગસ્ટે ૫.૫૩ ડોલરની ઊંચાઈએ મુકાયો હતો. ઓગસ્ટમાં વેપારી અંદાજ કરતાં પણ યીલ્ડ અનુમાન નીચા મૂકીને તેજી ભડકાવી હતી. કમનસીબે તેજીનો આંતરપ્રવાહ બહુ લાંબો ચાલ્યો ના હતો. 

ચીનમાં પશુના ભાવ નીચે રહેવાને લીધે, ૨૦૨૦-૨૧માં પશુ આહારની મકાઇ માંગ વધુ ઘટવાના અંદાજો મુકાવા લાગ્યા છે અને વિશ્વ વેપાર પર પણ તેની અસર પડી છે. ચીનના કૃષિમંત્રાલયે પશુઆહાર માટેની મકાઇ માંગનો અંદાજ, ઓગસ્ટ કરતાં ૩૦ લાખ ટન ઘટાડીને ૧૮૭૦ લાખ ટન મૂક્યો છે. અલબત્ત, ઔધ્યોગિક વપરાશ માટે મકાઇ માંગ ૮૦૦ લાખ ટન મૂકી છે. 

Advertisement


 

 

 

 

 

ચીનએ અમેરિકન મકાઇ આયાતમાં વધારો કરવા સાથે ૨૦૨૦-૨૧માં મકાઇ આયાત અનુમાન ૪૦ લાખ ટન વધારીને ૨૬૦ લાખ ટન મૂક્યો છે. બ્રાઝીલના મકાઇ ઉત્પાદનમાં ૧૦ લાખ ટન ઘટાડો કરીને નવો અંદાજ ૮૬૦ લાખ ટન મૂક્યો છે. વેપારીઓના ઉત્પાદન અનુમાન કરતાં પણ આ અંદાજ નીચા મૂકવામાં આવતા બજારમાં આશ્ચર્ય સર્જાયું છે. જોકે આર્જેન્ટિનામાં મકાઇ ઉત્પાદન ૧૫ લાખ ટન વધવાના અહેવાલો સાથે બ્રાઝીલનો ઘટાડો સરભર થઈ જશે. 

ભારતમાં ૨૦૧૫-૧૬માં મકાઇ ઉત્પાદન ૨૨૫ લાખ ટન આવ્યા પછી સ્થિર અને સતત ઉત્પાદન વૃધ્ધિ સાથે, ૨૦૨૦-૨૧ (ઓકટોબરથી સપ્ટેમ્બર)માં આ આંકડો ૩૦૨ લાખ ટનની ઊંચાઈએ પહોંચશે. અલબત્ત, ભારતમાં ભાવની વ્યાપક ઉથલપાથલ રહી છે, ભારતમાં મકાઈનો મહત્તમ વપરાશ પોલ્ટ્રી અને સ્ટાર્ચ અને ડેરિવેટિવઝ ઉત્પાદન માટે થાય છે.          

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)