ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): મોટાભાગની કૃષિ કોમોડિટીએ ૨૦૨૧નો વર્ષારંભ તેજીના ટોનથી કર્યો છે. સોયાબીન અને મકાઈમાં તો, એક તરફ સપ્લાય અછતનો ગંભીર મુદ્દો છે બીજી તરફ ફંડોની ઊડાઊડ લેવાલી નીકળી છે. શુક્રવારે સીબીઓટી માર્ચ મકાઇ વાયદો સતત પાંચમા સપ્તાહે, અઠવાડિક ઉછાળો મારીને ૪.૯૯ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો)એ જઇ બેઠો. મકાઈમાં પાંચ સપ્તાહની આ તેજીમાં ૧૮ ટકાનો જંપ આવ્યો, અને છેલ્લા છ મહિનામાં ૪૩ ટકાના ઉછાળા સાથે બોટમઆઉટ થઈ.

ઓગસ્ટ આરંભના તળિયેથી મકાઇએ અત્યાર સુધીમાં ઘોડેસવારી કરીને ગત સપ્તાહે ૫.૦૨ ડોલરની એપ્રિલ ૨૦૧૪ પછીની નવી ટોપ બનાવી. લાંબા સમય પછી મકાઈનાં ભાવ પાંચ ડોલરની ઉપર ગયા, પણ ત્યાં ટકી ન શકયાનું મૂળ કારણ, કેટલાંક ખેડૂતોએ ઊંચા ભાવનો લાભ લેવા વાયદા અને ફ્યુચર્સ ઓપ્શનમાં વ્યાપક હેજિંગ (જોખમ સામે સલામતી) કરી ગયા.

આર્જેન્ટિના સરકારે તેના મુખ્ય ખેડૂત યુનિયન નેતાઓ અને કૃષિ પ્રધાન વચ્ચેની બેઠક બાદ, મકાઇ નિકાસ બાબતે મૂકેલા નિયંત્રણો, ટૂંકાગાળા માટે અટકાવી દેવા સ્થિતિનો તાગ મેળવવાનું નક્કી કર્યું છે. સતત વધી રહેલા ભાવને કારણે પશુઆહાર બજારમાં સપ્લાયની હેરફેર ખુબજ મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. 

રોજારિયો ગ્રેન એક્સચેન્જે એક નોંધમાં કહ્યું હતું કે આર્જેન્ટિનામાં વર્તમાન મોસમની મકાઇ વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, ઊભા પાકમાંથી ૬૫ ટકા મકાઇ ખેતરો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે, જો તત્કાળ વરસાદ નહીં પડે તો મકાઇ ઊપજ (ઈલ્ડ)માં મોટું ગાબડું પાડવાની શક્યતા છે. ૨૦૨૦-૨૧ના આર્જેન્ટિના મકાઇ પાકના પૂર્વાનુમાન ૪૮૦ લાખ ટનના મૂકવામાં આવી રહ્યા છે.

આર્જેન્ટિનામાં સ્થાનિક અનાજ સપ્લાયની અછત ઊભી ન થાય તે માટે સરકારે ૨૮ ફેબ્રુઆરી સુધી અનાજ નિકાસ વેપાર પર પ્રતિબંધ મુક્યાંના સમાચાર આવ્યા ત્યાર પછીથી ટ્રેડરોએ માલ કોર્નર કરવાનું શરૂ કરતાં, તેજીએ પાછું વાળીને જોયું નથી. આ વર્ષે આર્જેન્ટિનનો ફુગાવો ૫૦ ટકા અંદાજવામાં આવ્યો છે. આર્જેન્ટિનાએ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તેના પગલે આખા જગતે આગામી બે મહિના સુધી અમેરિકન સપ્લાય પર નિર્ભર રહેવું પડશે.

૨૦૨૧માં અમેરિકન મકાઇ મોસમમાં ૯૦૯ લાખ એકરમાં વાવેતર થયું છે. નવા અનુમાન પ્રમાણે એકર દીઠ યીલ્ડ ૧૭૯ બુશેલ મૂકવામાં આવે છે. આને આધારે ૮૩૭ એકર લણણીમાંથી ઉત્પાદન, ૨૦૨૦ના ૧૪.૫૦૭ અબજ બુશેલથી વધીને ૨૦૨૧ માટે ૧૪.૯૮૨ અબજ બુશેલ અંદાજવામાં આવ્યું છે. વર્ષારંભે ૧.૬૭૨ અબજ બુશેલ સ્ટોક અને ૨૫૦ લાખ ટન આયાત ગણતરીમાં લેતા ૨૦૨૧-૨૨ નો માર્કેટેબલ સપ્લાય પુરાંત ૧૬.૬૭૯ અબજ બુશેલ રહેશે.    

દક્ષિણ અમેરિકામાં જો વિપુલ પાક ન આવે, ચીન તેની વેપાર નીતિમાં નાટ્યાત્મક પરિવર્તન કરે અથવા અમેરિકામાં આગામી માર્કેટિંગ વર્ષ માટે ધરખમ મકાઇ પાક નહીં આવે, એવા અનુમાન સાથે ટ્રેડરો નવા ઊંચા ભાવ માટે, વધુ આશાવાદી બની સોદા પાડવા લાગ્યા છે. આ સ્થિતિમાં છેલ્લા ત્રણ મહિનાથી શરૂ થયેલી વર્તમાન તેજી લાંબુ ખેંચશે.

સીબીઓટી વાયદાના સંચાલકો સીએમઇ ગ્રુપ કહે છે કે અમે આ બજારમાં સાત તેજી જોઈ રહ્યા છીએ, એ જોતાં માર્જિન ફરીથી વધુ ઊંચા લઈ જવા પડે તેમ છે. ૧૨ જાન્યુઆરીએ અમેરિકન કૃષિ મંત્રાલય તેના આગામી મહિના માટેના માંગ/પુરવઠાના નવા અંદાજો જાહેર કરે તે અગાઉ, વાયદાના ખેલાડીઓ તેમના સોદાને નફાકારક બનાવવાની કવાયતમાં લાગી ગયા છે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)