ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): માળખાગત પુરવઠા અછતને ધાયનમાં લઈએ તો તાંબામાં લાંબાગાળાનો ટોન મજબૂત તેજીનો છે. પણ લંડન, શાંઘાઇ અને ન્યુયોર્ક એક્સચેંજો દ્વારા જળવાતા, ૮૦ ટકા સત્તાવાર સ્ટોક પાછો ફરતા તેજીએ ટૂંકાગાળાની મોમેન્ટમ ગુમાવાઈ દીધી છે. કોરોના રસીના સંયોગો ઉજળા થવા લાગતાં અને વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાનો આશાવાદ જાગૃત થતાં, ૨૪ ફેબ્રુઆરીએ લંડન મેટલ એક્સ્ચેન્જ પર કોપર ત્રિમાસિક વાયદો ટન દીઠ ૯૬૧૭ ડોલરની એક દાયકાની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. ત્યાર પછી તો લોકડાઉન અને ડોલરની મજબૂતી ભાવને નીચે જવાની ફરજ પાડી હતી.

એશિયન બજારોનું સેન્ટિમેન્ટ નબળું પડવા સાથે ડોલર મજબૂતી ધારણ કરતાં કોમોડિટી બજારોમાં ખાસ કરીને ઔધ્યોગિક ધાતુમાં નરમાઈ જોવાવા લાગી. એલએમઈ ત્રિમાસિક કોપર વાયદો સોમવારે એશિયન બજાર સમયમાં ઘટીને ૮૮૧૧.૭૫ ડોલર રહ્યો હતો, પણ સાપ્તાહિક ધોરણે આ મહિને, પહેલી વખત બે ટકાની વૃધ્ધિ જોવાઈ હતી. પણ વિશ્વના સૌથી મોટા તાંબા વપરાશકાર ચીને નાણાંનીતિ ફરીથી ટાઈટ કરવાની વાત કરતાં, ન્યુયોર્ક મે વાયદો ઘટીને પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૩.૯૯ ડોલર મુકાયો હતો.


 

 

 

 

 

મુંબઈના એક મેટલ એનાલિસ્ટે કહ્યું કે લાંબાગાળાના આંતરપ્રવાહો તેજીમય છે, મને એ વાતે શંકા છે કે ખાણ કંપનીઓ જગતની માંગને પહોંચી વળવા જેટલું, ઉત્પાદન કરવા સક્ષમ હશે. મોડે મોડે ચીનમાં શરૂ થયેલી મોસમી કોપર માંગ તેજીનું ઘડતર કરશે. નવેમ્બર પછી પહેલી વખત યાંગશાન કોપર આયાત પ્રીમિયમ ઘટીને ૫૧.૫ ડોલર પ્રતિ ટન થયા છે, જે એક મહિના અગાઉ ૭૦ ડોલર હતા. આ સૂચવે છે કે ચીનમાં આયાત માંગ ઘટી ગઈ છે. આ વાત એવા સંકેત પણ આપે છે કે ચીનના ગ્રાહકો એલએમઈ કોપરના ભાવ પર ફિજિકલ ડિલિવરીનું પ્રીમિયમ ચૂકવવા તૈયાર છે.

ચીનએ ગતવર્ષે રિફાઈન્ડ કોપરની જબ્બર આયાત કર્યા પછી, આ વર્ષે ૨૭ ટકા ઘટશે. જગતના સૌથી મોટી કોપર ખાણના દેશ ચીલી, કોરોના રોગચાળો રોકવા પોતાની બોર્ડરો સીલ કરી દીધા પછી એલએમઈ પર તાજેતરમાં ૮૬૯૬ ડોલરના તળિયેથી ઉછળીને શુક્રવારે એક તબક્કે ૯૦૪૫ ડોલર બોલાય હતા. ચીલી ઉત્પાદકો મહામારીને અટકાવ સાથે કામદારોનો પગાર વધારો કરીને આ વર્ષે ઉત્પાદનમાં બેથી ત્રણ ટકા વધારવાના પ્રયાસ કરશે.

ચિલીના ખાણ સેક્રેટરી એગર બ્લાનકો કહે છે કે બહુ ઓછા દેશો આવું કરવામાં સફળ થશે. અમારું માનવું છે કે બીજા અર્ધવાર્ષિકગાળામાં ભાવ સ્થિરતા સ્થપાઈ જતાં, કોપર પ્રોજેકટો વિકસાવવામાં ચિલી ફરીથી સામાન્ય સ્થિતિમાં આવી જશે. ચિલીની ખાણોએ કોરોના મહામારીકાળ પછી છેલ્લા કેટલાંક મહિનામાં ૩૦,૦૦૦ નવી નોકરી સ્થાપિત કરી છે. છેલ્લા એકાદ બે વર્ષથી ભાવ બમણા થઈ ગયા છે. એ જોતાં અમે કેટલાંક પ્રોજેકટો જે સ્થાપનાની તૈયારીમાં છે તેમને વહેલા ઉત્પાદનમાં લઈ જઈશું.


 

 

 

 

 

૬ એપ્રિલ સુધીમાં એલએમઈ કોપર વેરાહાઉસમાં સ્ટોક સારોએવો વધીને ૧,૫૦,૩૨૫ ટન થયો હતો. આ સ્ટોક છેલ્લા એકાદ મહિનામાં ૭૦ ટકા વધ્યો છે, અને ૨૬ નવેમ્બર પછીની નવી ઊંચાઈએ મુકાયો, જે સૂચવે છે જે હાલમાં ફિજિકલ માંગ નબળી પડી છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)