ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): અમેરિકાના રોજગારીના આંકડા નિરાશાજનક આવ્યા પછી પણ તાંબાના ભાવ શુક્રવારે ૧૦૪૪૦ ડોલરની ઐતિહાસિક નવી ઊંચાઈએ પહોંચ્યા, વિશ્વના સૌથી મોટા ઉત્પાદક ચીલી આ તેજીમાં નવી હવા ભરી છે. આ તેજી માટેના અન્ય કારણો પણ છે, આખા જગતમાં રાહત પેકેજો, કોરોના મહામારીમાંથી ઊભરતા અર્થતંત્રો અને લાંબાગાળાની પુરવઠા અછતનો ભય તેમાં સામેલ છે. ટ્રાફિગર ગ્રુપ, ગોલ્ડમેન સાસ, અને બેંક ઓફ અમેરિકા જેવા ટ્રેડિંગ હાઉસ માને છે કે આ તેજી આગળ વધવી જોઈએ. 

ટ્રેડરો પૂછી રહ્યા છે કે કોપરની આ તેજી શું કામ? આખું જગત કાર્બનના ધુમાડા ઓછા કરવાની હરીફાઈમાં ઉતાર્યું છે, તેનો અર્થ એ કે વિશ્વને હવે ખૂબ બધુ તાંબું જોઈશે અને અત્યારે તેની અછત છે. તેથી રોકાણકારો કોપર બજારમાં કૂદી પડ્યા છે. ચીનના વુહાનમાં કોરોના વાયરસે દેખા દીધી ત્યાર બાદ જાન્યુઆરી અને માર્ચ ૨૦૨૦ સુધીમાં કોપરના ભાવ ૨૫ ટકા તૂટીને ૪૯૨૭ ડોલરના નવા તળિયે ગયા હતા. ત્યાર પછીની તેજીમાં તેણે હજુ પાછું વળીને જોયું નથી, ભાવ બમણા થયા છે, આ વર્ષના આરંભથી અત્યાર સુધીમાં ભાવ ૩૦ ટકા વધ્યા છે. 

૨૦૧૦ના દાયકાના આરંભે ચીને જ્યારે નંબર વન અર્થતંત્ર બનવાની હોડ શરૂ કરી ત્યારે ઇન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવા માટેના કાચા માલની જબ્બર માંગ નીકળી હતી. એ સાથે જ કોમોડિટી બજારમાં તેજીની સુપર સાયકલ શરૂ થઈ હતી અને કોપરના ભાવ ૨૦૧૧માં ઐતિહાસિક નવી ઊંચાઈએ મુકાયા હતા. પણ આ વખતે આખું જગત ગ્રીન હાઉસ એનર્જી ઉત્પાદનની હરીફાઈમાં ઉતાર્યું છે અને તેમાં તાંબાની મહત્વની ભૂમિકા રહેવાની છે, તેથી રોકાણકારો પણ જાલ્યા ઝલાતા નથી.

ગ્લેનકોના સીઇઓ ઇવાન ગ્લસેનબર્ગ તો ત્યાં સુધી કહે છે કે ખાણ સપ્લાયને પ્રોત્સાહિત કરવી હશે તો તાંબાના ભાવ વર્તમાન સપાટીથી ૫૦ ટકા વધવા આવશ્યક છે. આપણી પાસે હાલમાં કોઈ તૈયાર ખાણ પ્રોજકટ ઉપલબ્ધ નથી, ગ્લસેનબર્ગ કહે છે કે આ માટે ભાવ ખૂબ ઊંચા જોઈશે. ખાણોમાં મૂડી રોકાણ કરવું ખૂબ જ આઘરું હોય છે તેને પ્રોત્સાહિત કરવા ભાવ ૧૫૦૦૦ ડોલર હોવો જરૂરી છે.

જગતની સૌથી મોટી ખાણ કંપનીમાની એક ગ્લેનકોર આમતો તાંબા બાબતે હંમેશા તેજીમાં જ હોય છે. હવે તેઓ ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ વિસ્તરણ જોઈ રહ્યા છે અને તે માટે નવી સપ્લાય જરૂરી છે. અત્યારે બહુ ઓછી ખાણો વિકસી રહી છે. અને તેમની પાસે ભાવિ માંગનો કોઈ અંદાજ નથી.

ગુરુવારે ચિલીની સંસદે કોપર વેચાણ પર પ્રોગ્રેસીવ ટેક્સનું બિલ પસાર કરી દીધું, આને લીધે કારવેરાનું ભારણ બમણું એટલે કે ૮૦ ટકા થઈ ગયું. હવે આનું અનુસરણ અન્ય કોપર ઉત્પાદક દેશોને પણ કરવું પડશે. ચિલીના અટાકામા રણપ્રદેશમાં મુખ્યત્વે તાંબાની ખાણો આવેલી છે અને તે આખા વિશ્વનો ૩૩ ટકા હિસ્સો પૂરો પાડે છે. એપ્રિલમાં ચીની કોપર નિકાસ આવક ૬૯ ટકા વધી હતી. વિશ્વના આ સૌથી મોટા ઉત્પાદક કહે છે કે એપ્રિલમાં અમે ૪.૫૪૧ અબજ ડોલરનું કોપર નિકાસ કર્યું હતું.    
      
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)