ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : તાંબાની તેજી હવે થાક ખાય છે. ચીનના નબળા જીડીપી આંકડાએ કોમોડિટીબજાર પર નકારાત્મક અસર ઊભી કરી છે. અલબત્ત, એલએમઇ ત્રિમાસિક વાયદા સામે હાજર ખરીદીનું પ્રીમિયમ (ઊંધા બદલા) અસામાન્ય ઊંચાઈએ ટન દીઠ ૩૫૦ ડોલરે પહોંચી ગયા છે. ટૂંકમાં હાલમાં દર્શાવાતા તમામ આંકડાએ કોપર બજારના તમામ હોલમાર્કને ભારે દબાણ હેઠળ લાવી દીધા છે. મંગળવારે જ એલએમઇ ખાતે કોપર હાજર ભાવમાં આવેલો તમામ ઉછાળો ધોવાઈ ગયો હતો, એક જ દિવસમાં હાજર ભાવ ટન દીઠ ૧૧૨૯૯.૫૦ ડોલરથી ૭ ટકા ગબડી પડ્યા હતા.

એ સાથે જ એલએમઇ ત્રિમાસિક કોપર ભાવની ૧૦,૪૮૭.૫૦ ડોલરની ઊંચાઈ ગુમાવીને શુક્રવારે એક તબક્કે ૯૮૩૦ ડોલરના તળિયે બેસી ગયા હતા. ગોલ્ડમેન સાસ કહે છે કે જો માઇનિંગ ઉત્પાદનની વાસ્તવિક સ્તરે ગણતરી કરવામાં આવે તો ભાવ મે ૨૦૨૧ની ઊંચાઈ વટાવી જવા જોઈતા હતા. પણ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં એકજ મહિનાનો ઉત્તમ માસિક દેખાવ કર્યો હોય તો તે ઓકટોબરમા જ જોવાયો છે. જો વર્તમાન ઘાસણી ચાલુ રહી તો, ઓક્ટોબરમાં જોવાયેલો તમામ સુધારો ધોવાઈ જવાની શક્યતા પણ નકારાતી નથી. 

Advertisement


 

 

 

 

 

ઇન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રુપ કહે છે કે આ વર્ષે જાગતિક રિફાઈન્ડ કોપર માંગ અને પુરવઠો સરવાળે સમતોલ રહેશે. ગ્રુપે એવી પણ આગાહી કરી છે કે આ વર્ષે ૪૨,૦૦૦ ટનની પુરવઠાખાધ રહેશે. પણ નવી ખાણોમાંથી સપ્લાયનો પ્રવાહ બજારમાં પ્રવેશતા જ આગામી વર્ષે ૩.૨૮ લાખ ટનની ધરખમ પુરાંત જોવાની તૈયારી રાખવી પડશે.

તાજેતરના દિવસોમાં ઇન્વેન્ટરીઝ (સ્ટોક) તળિયે જવા સાથે ભાવની જબ્બર ઉઠલપાઠલ, ભાવના તફાવત અને ઉંધા બદલાની સ્થિતિમાંથી કોપર બજારમાં કટોકટી ના સર્જાય તે હેતુથી એલએમઇ એ ટૂંકાગાળા માટે વ્યાપક પગલાઑ લીધા છે, એવું એક્સચેન્જે જણાવ્યું હતું. પરિણામે એક્સચેજના કેટલાક નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. આગામી વાયદાના કરારો માટે ઉંધા બદલાની મર્યાદાઓ લાદવામાં આવી હતી. કેટલાંક નિશ્ચિત સોદામાં ડિલિવરી કયા સુધી ઊભી રાખી શકાય તેની યંત્રણાઓ પણ નિર્ધારવામાં આવી છે.

૧૯ ઓક્ટોબરે બનેલી ઘટનામાં હાજર સામે નવેમ્બર વાયદામાં એકાએક ટન દીઠ ૧૦૧૦ના ઐતિહાસિક ઉંધા બદલા સર્જાયા તેથી ઉધ્યોગ અને ફિઝિકલ ટ્રેડરો મૂંઝવણમાં મુકાયા હતા, આ ઉંધા બદલાય ૨૪ કલાક પહેલા જ વધવાના શરૂ થયા હતા. ખરેખર તો આવા મોટા ઉંધા બદલા અને ભાવ વધઘટને લીધે આખર અંતિમ પંક્તિના હેજરોને સૌથી વધુ સહન કરવાનું આવશે.     

Advertisement


 

 

 

 

 

આને લીધે જ બજારમાં લાગેલી આગને ઠારવા એલએમઇ એ તેની આખી માર્ગદર્શિકા બદલાવીને ઉંધા બદલાની મર્યાદા નક્કી કરી, સાથે જ વાયદાની મુલતવી રહેલી ડિલિવરીઓ કરવાની છૂટ આપવા જેવા નિયંત્રણરૂપી લાયબંબા બજારમાં ઉતારવા પડ્યા હતા. ઘટના જાણે એમ બની હતી કે ફિઝિકલ ટ્રેડર ટ્રાફઈગુરા ફંડએ તાજેતરમાં ઢગલાબંધ કોપર (ડિલિવરી) વોરંટ રદ્દ કર્યાનું ઉજાગર થયાનું કહેવાય છે અને તેથી જ એલએમઇ એક્શનમાં આવી ગઈ હતી. જો કે ટ્રાફઈગુરા ફંડએ આ ઘટના સંદર્ભે કોઈ ટિપ્પણી કરી ના હતી. 

અલબત્ત, ચીનની બિલ્ડિંગ સેક્ટરની કંપની નાણાકીય કટોકટીમાં આવી પડતાં આખા જગતની પ્રોપર્ટી (બિલ્ડિંગ, મકાનો) માર્કેટમાં ઊડાઊડ વેચવાલી આવવાની ભીતિ સર્જાતાં બેઝ મેટલ માર્કેટના ભાવ ફલક લાલ રંગે રંગાઈ (ભાવમાં ગાબડાં) ગયા હતા. ચીનની બીજા નંબરની સૌથી મોટી બાંધકામ કંપની એવરગ્રાન્ડ રિયલ એસ્ટેટ ગ્રુપને માર્ચ ૨૦૨૨ માં ૮૩૫ લાખ ડોલરનું બોન્ડ પેમેન્ટ કરવાનું છે અને તેના પરનું વ્યાજ ૨૪ ઓકટોબર પહેલા ચૂકતે કરી દેવાનું છે.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)