ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): છેલ્લા પાંચ વર્ષમાં કોપર અને સોનાના ભાવમાં આપણે ઘણા બધા ઉતારચઢાવ જોઈ લીધા, પણ હજુ, ઘણા બધા આશ્ચર્યો આગળ ઉપર જોવાના બાકી છે. લાગે છે કે ૨૦૨૧માં ધાતુની આ જોડી મોટી તેજીની સાક્ષાત્કાર કરાવશે. કોરોના વાયરસની રસીએ નવા આશાવાદ જન્માવ્યા છે. ત્યારે જાગતિક અર્થવ્યવસ્થાઓ નવા અને ઊંચા શિખરો સર કરવાની આગાહીઓ થવા લાગી છે તે જોતાં, ૨૦૨૦માં તાંબામાં ૨૭ ટકા અને સોનામાં ૨૪ ટકાની તેજીમાં આગામી વર્ષે નવા રંગો પુરશે.

છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ એપ્રિલ ૨૦૧૮ ના તળિયે જઇ બેસતા, ક્રિસમસ રજાઓ વચ્ચે ઓછી હાજરીવાળા એલએમઇ બજારમાં ગુરુવારે કોપર ત્રિમાસિક વાયદો ૭૮૪૮ ડોલર પ્રતિ ટન રહ્યો હતો. શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જ પર ફેબ્રુઆરી વાયદો ૫૯,૪૮૦ યુઆન (૮૯૫૭.૮૦ ડોલર) બંધ રહ્યો હતો. મોટાભાગના રોકાણકારો અને કોમોડિટી ફંડ વર્ષાન્ત પૂરું થવાની રાહમાં અને એકાઉન્ટ કલોઝીન્ગ વચ્ચે, હાથ પરના સોદા વગર, ૨૦૨૧માં નવા સોદા પાડવા શાંત બેઠા છે.

ઇન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રુપે તેના ૨૦૨૦-૨૧ના કોપર માર્કેટ અહેવાલમાં કહ્યું છે કે અર્થતંત્રની પ્રવૃત્તિમાં ચાવીરૂપ ભૂમિકા નિભાવતા કોપરની માંગ અને આધુનિક ટેકનોલોજીમાં વપરાશ, સતત વધી રહ્યા છે. આટલું અધૂરું હોય તેમ, આગાળામાં વૈશ્વિક કોપર પુરવઠા ખાધ ૩.૮૭ લાખ ટન રહેવાની શકયતા પણ દાખવી છે.

ભારત અને ચીન જેવા આગેવાન દેશો તેમની માળખાગત સુવિધાઓ વધારી રહ્યા છે તે સંજોગોમાં ઘણા બધા દેશોનો ક્લીનઊર્જા તરફનો જુકાવ કોપર માંગને વધુ ટેકો આપશે. આઇસીએસજીએ ૨૦૨૧માં રિફાઈન્ડ કોપરની જાગતિક માંગનો અંદાજ ૧.૧ ટકા વૃધ્ધિનો મૂક્યો છે. કોરોના મહામારી સંદર્ભે ચીને કારખાનાઓ પર નિયંત્રણ મૂકીને આંશિક રીતે બંધ કરી દીધા હતા, સાથે જ સ્ક્રેપ સપ્લાયની તીર્વ અછત, તેની સાથે જ કોન્સનટ્રેટ આયાત ધીમી પડી તથા સલફયુરીક એસિડની ઓવર સપ્લાય સર્જાઇ હતી.

મેટલ એનાલિસ્ટો કહે છે કે ત્રિમાસિક એલએમઈ કોપર વાયદો ૧૮ ડિસેમ્બરે સ્થપાયેલી ૮૦૨૭ ડોલરની ૮ વર્ષ (ફેબ્રુઆરી ૨૦૧૩)ની ઊંચાઈ આગામી દિવસોમાં પુન: જોવા મળશે. જો કે વિશ્વના સૌથી મોટા કોપર ગ્રાહક ચીન વિશ્વના અન્ય દેશ કરતાં વહેલો મહામારીમાંથી બહાર આવી જતાં, તેનું અર્થતંત્ર પણ ઝડપથી નવપલ્લવિત થવા લાગ્યું છે. ચીન અને અન્ય દેશમાં વર્ષારંભે લોકડાઉન લાગુ પડવાથી કોપર વાયદો ૨૩ માર્ચે ૧૨ ટકા ટકાના ઘટાડે ૪૩૭૧ ડોલર, ચાર વર્ષના તળિયે બેસી ગયો હતો.

પરંતુ ચીનનું અર્થતંત્ર અને તેનો વેપાર હકારાત્મક વલણ અપનાવવા લાગતાં એપ્રિલ પછીથી કોપરમાં સતત અને સીધી તેજી જોવા મળી. બરાબર આ ગાળામાં અમેરિકા અને અન્ય દેશોમાં લોકડાઉનમાં ગયા છતાં તાંબાના ભાવ વધતાં જ રહ્યા હતા. પણ એનાલિસ્ટો ચીનના વિકાસની બે ટકા વૃધ્ધિની આગાહી કરી રહ્યા છે ત્યારે ચીન મેટલ માંગની આગેવાની લેશે અને ખાસ કરીને કોપરના ભાવ નવી ઊંચાઈ હાંસલ કરશે.             

ભારત, જપાન, યુરોપ જેવા દેશો જ્યાં ૨૦૨૦માં કોરોના મહામરીને લીધે લોકડાઉનને લીધે આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી ગઈ હતી, ત્યાં પણ હવે સુધારાનો પવન ફૂંકાવા લાગ્યો છે. ફાયઝર અને મોડર્ના જેવી કંપનીઓએ કોરોના વેકસીન પર મહારત પ્રાપ્ત કર્યાના અહેવાલ નવેમ્બરમાં જ આવવા લાગ્યા હતા, આ સમાચાર પર સવાર થયેલી કોપર તેજીમાં ભાવ બે જ મહિનામાં ૧૮ ટકા વધ્યા હતા.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)