ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): બીએચપી બિલિટનના માલિકોની પગાર વધારા ઓફર ગત સપ્તાહે કામદારો દ્વારા ઠુકરાવી દેવામાં આવી. વિશ્વની સૌથી મોટી ચિલીની ઇસ્કોનડીદા કોપર ખાણના ૨૦૦૦ કરતાં વધુ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતાં યુનિયને હડતાળ પર જવા માટે તૈયાર થઈ જવાનું કહી દીધું છે. આ માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે ચીલી સરકાર અને કરારની મધ્યસ્થતા કારનારાઓ વચ્ચે વાટાઘાટો ખૂબ ધીમી પડી ગઈ છે. આ સમાચારના પ્રત્યાઘાતમાં શુક્રવારે એલએમઈ ત્રિમાસિક વાયદો ઇન્ટ્રાડેમાં ૯૬૦૮ ડોલરની ઊંચાઈએ બોલાઈને ૯૪૬૬ ડોલર ગુરુવારના ભાવ આસપાસ બંધ થયો હતો. અલબત્ત, કોરોના વાયરસમાં ફરીથી ઘેરાયેલા વિશ્વના સૌથી મોટા વપરાશકાર ચીનમાં માંગ ધીમી પાડવાની ચિંતાઓ વધી ગઈ હોઇ, બજારનો ઢીલો આંતરપ્રવાહ, આ સપ્તાહે પણ જળવાઈ રહેવાની સંભાવનાઓ છે.

ચિલીના સ્થાનિક કાયદા મુજબ મધ્યસ્થીઓ વચ્ચે પગાર કરારની વાટાઘાટો નામંજૂર કરી દેવામાં આવે ત્યાર પછી સમાધાનના હેતુ સાથે વધુ પાંચ દિવસ આપીને હડતાળ નિવારવાના પ્રયાસ થાય છે. એલએમઈ કોપર વાયદો ગત સપ્તાહે ૧.૨ ટકા ઘટ્યો હોવા છતાં, વર્ષારંભથી હજુ ૨૦ ટકા ઊંચો છે. પણ મે ૨૦૨૧માં સ્થપાયેલી ૧૦,૭૪૭.૫ ડોલરની ઊંચાઈએથી ઘણો દૂર છે. શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જ પર બેન્ચમાર્ક સપ્ટેમ્બર કોપર વાયદો ૬૯,૫૮૦ યુઆન (૧૦,૭૬૩.૯૦ ડોલર) પ્રતિ ટન ટકેલો હતો.

Advertisement


 

 

 

 

 

કોપરના ભાવ સતત ઘટતા રહ્યા છે. જૂનમાં ૮ ટકાનું ગાબડુ પડ્યું હતું, માર્ચ ૨૦૨૦ પછી આ સૌથી મોટો માસિક ભાવ ઘટાડો હતો. ૧૮ જૂને પૂરા થયેલા સપ્તાહમાં ૨.૬ ટકા ભાવ ઘટયા. આ ગાબડાં પછી બજારનું સેન્ટિમેન્ટ મંદી તરફી થઈ ગયું, ત્યાર પહેલાના છેલ્લા સાત સપ્તાહમાં આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો.

છેલ્લા એક વર્ષમાં પાછલા બે મહિનાથી કોપરમાં સતત વેચવાલી પછી પણ, તેજીવાળાને ભાવ પકડવામાં કોઈ સફળતા મળી નથી. કઈક નવી ઘટના બને તે અગાઉ અત્યારે તો કોપર તેજીવાળા માટે ફંડામેન્ટલ કે ટેકનિકલ કોઈ રીતે સારા સમાચાર નથી. જગતના અર્થતંત્રની તંદુરસ્તી કેવી છે તેનું સાચું નિદાન અને બધા ઇન્ડિકેટર દર્શાવવા માટે ડૉ. કોપરની ગણના થાય છે.

મુંબઈ સ્થિત એક આયાતકાર મેટલ ટ્રેડરે કહ્યું આપણે અત્યારે લોલક જેવી સ્થિતિમાં મુકાયા છીએ. તાંબાનો વ્યાપક ઔધ્યોગિક ઉપયોગ થાય છે, તેથી નબળી માંગના મુદ્દા વ્યાપક રીતે ભાવને ઊંચે જવામાં મોટા રોડા નાખે છે. રોકાણકાર પણ અર્થતંત્રની ધીમી વિકાસગતિનો અર્થપૂર્ણ વિચાર કરે તે પણ, બજાર માટે એક ચિંતાનો વિષય છે. સિટી ગ્રૂપના અર્થશાસ્ત્રીઓ મુજબ એનાલિસ્ટો અને રોકાણકારોનું માનવું છે કે ૨૦૨૧માં જાગતિક જીડીપીદર ૬ ટકા અને ૨૦૨૨માં ૪ ટકાનો અંદાજે છે. એ સાચું કે ચીનમાં વિકાસની ગતિ ધીમી પડી છે. નવા ડેલ્ટા વાયરસે પાણીધોળ કર્યું છે, જુલાઈમાં ચીનનો ફેકટરી એક્ટિવિટીનો વિસ્તરણદર છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી વધુ ધીમો રહ્યો હતો.

Advertisement


 

 

 

 

 

અફવા એવી છે કે વિશ્વને ૪૦ ટકા તાંબું પૂરું પાડતા બે દેશ, ચીલી અને પેરૂ સરકાર પોતાના ઉત્પાદકો પર રોયલ્ટી ઉપર ટેક્સ નાખવાનું વિચારી રહ્યા છે, આને આધારે ફ્રીપોર્ટ-મેકમોરાન ખાણ કંપનીના સંચાલકોનું માનવું છે કે અહીથી ભાવ ઊંચા જઈ શકે છે. ફ્રીપોર્ટ-મેકમોરાનનું આવું કહે તે સ્વાભાવિક છે, કારણ કે બંને દેશમાં તેની ખાણો આવેલી છે, માટે આ સમાચારમાં અત્યારે બહુ વજૂદ નથી.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)