મેરાન્યૂઝ નેટવર્ક, નાગપુર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)નાં પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવખત રામ મંદિર બનાવવાનું કહી જરૂર જણાય તો સરકારને તેના માટે કાયદો બનાવવા જણાવ્યું છે. દશેરા પ્રસંગે તેમણે વધુમાં કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના પુરાવા પણ મળ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસ કેટલો લાંબો ચાલશે..? તેમણે રાજકારણને ખત્મ કરી રામ જન્મભૂમિ ઉપર ઝડપથી રામ મંદિર બનાવવા કહ્યું છે. 
 
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર લોકસભાની આગામી ચુંટણી પૂર્વે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું નિવેદન કરતા રાજકીય ચર્ચા શરૂ થઇ ગઇ છે. મોહન ભાગવતે રામ મંદિર બનાવવા થઇ રહેલી માંગ અંગે મોદી સરકારને પણ નસીહત આપતા કહ્યું છે કે, ભગવાન રામ કોઇ એક સંપ્રદાયના કે માત્ર ભારતના પ્રતીક નથી. આથી ભારત સરકાર કંઇપણ કરે, કાયદો લાવે.... કારણ કે, લોકો પૂછી રહ્યાં છે કે, તેમના દ્વારા પસંદ કરાયેલી સરકાર છે પછી પણ રામ મંદિર કેમ બની રહ્યું નથી.

વિજયાદશમીના પર્વ પ્રસંગે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના રામ મંદિર અંગે કાયદો બનાવવવા સુધીના આ નિવેદનથી રાજકીય ચકચાર મચી છે. જેમાં મોહન ભાગવતે લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં રામ મંદિર કોઇપણ રીતે બનાવવા મોદી સરકારને ગર્ભિત ઈશારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી રામ મંદિર ભાજપ માટે ચુંટણીલક્ષી મોટો મુદ્દો રહ્યો હોવા સાથે ભાજપના ઘોષણા પત્રમાં પણ અયોધ્યા મંદિર બનાવાની જાહેરાત કરવામાં આવેલી છે.

આ ઉપરાંત અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં આગામી ૨૯ ઑક્ટોબરથી સુનાવણી થનારી છે.જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ કેસ જમીન વિવાદ તરીકે ઉકેલાશે. જેમાં મુખ્ય પક્ષકાર રામલલા વિરાજમાન, નિર્મોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને હિન્દુ મહાસભા છે. આ સિવાય બીજા કેટલાંક અરજીકર્તાઓ ધ્વારા પણ પૂજાના અધિકારની માંગણી કરવામાં આવેલી છે. ત્યારે ભાજપ અને આરએસએસ ધ્વારા લોકસભાની ચુંટણી સુધીમાં રામ મંદિરના મુદ્દે લોકજુવાળ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહયો હોવાની રાજકીય ચર્ચા થઇ રહી છે.