મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: ગોંડલનો કુખ્યાત અને ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગાએ ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યાનું કાવતરુ ભુજ જેલમાં ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ માટે નિખિલ દોંગાએ ભુજ જેલમાંથી સારવાર માટે બહાર નિકળી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ આ ગુનાનો અંજામ આપવા માટે યોજના ઘડી કાઢી હતી. જો કે તે આમ કરવામાં સફળ થયો ન હતો. 

કોર્ટમાં જામીન અરજી વેળાએ પોલીસે રજૂ કરેલા સોગંદનામામાં ઘટસ્ફોટ થયો હતો કે નિખિલ દોંગાના પિતા રમેશ પરસોતમભાઇ દોંગા સામે ગોંડલ સિટીમાં નોંધાયેલા થયેલા બે ગુના ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રજિસ્ટર કરાવ્યા હોવાનું માની તેની હત્યા કરવા માટે સાગરીતો સાથે જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ભાગવાનું કાવતરુ રચ્યું હતું. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકનો પાલારા જેલમાં રહેલો કુખ્યાત ગેંગસ્ટર નિખિલ દોંગા કોઇ મોટા ગુનાને અંજામ આપવા માટે હોસ્પિટલમાંથી નાસી છૂટયો હતો. જે બનાવમાં સંડોવાયેલા મનાતા પોલીસ કર્મચારી તેમજ અન્ય લોકોની ધરપકડ કરી જેલહવાલે કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રકરણમાં આરોપીને બનાવટી આધારકાર્ડ બનાવી આપનાર રાજુ કોલી (રહે. ગોંડલ) તેમજ ભાવેશ ખીલી (રહે. ગોંડલ) બંને હજુ પોલીસ પકડથી દૂર છે.