મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાતો થઈ ગયા પછી નેતાઓની નારાજગી, વિચારધારામાં બદલાવ આવવા લાગે છે જેને કારણે નેતાઓ જ્યાં ફાયદો દેખાય ત્યાં જોડાય છે. પક્ષ પલ્ટો કરવો તે આજની વાત નથી વર્ષોથી ચાલતી આવતી આ ઘટના છે. જેની અસર ભાગ્યે જ મતદાન વખતે જોવા મળે... હાલમાં જ જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે પણ નેતાઓને અચાનક વિચારધારાઓ બદલાવા લાગી, પોતાને થતો અન્યાય દેખાવા લાગ્યો અથવા પાર્ટીમાં થતો અન્યના અન્યાયના બહાને ઘણા રાજીનામા પડ્યા હતા. 

દરમિયાનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં પણ કેટલાક નેતાઓ ભળ્યા હતા. જોકે ખાલી પડેલી આ વિધાનસભાની બેઠકો પર હવે ફરીથી ચૂંટણીઓ થવા જઈ રહી છે, ફરી ચૂંટણીને લગતો ખર્ચ કરવામાં આવશે, ફરી લોકોને વોટ આપવાના છે અને ફરી પોતાના ધારાસભ્ય ચૂંટવાના છે. આ દરમિયાનમાં કોંગ્રેસને એક મોટો ફટકો ભાજપે આપ્યો છે. ચૂંટણી પહેલા જ લીંમડીમાં ટીકિટને લઈને ગૂંચવાડો ઊભો થયો હતો. આજે મોરબી કોંગ્રેસ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયાએ ભાજપમાં ભળીને કોંગ્રેસને ઝટકો આપ્યો છે. તો બીજી તરફ કેટલાક કોળી સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ છોડી સરપંચ અને તેમના હોદ્દેદારો પણ ભાજપમાં ભળ્યા છે.

લીંમડીમાં કોંગ્રેસનો પંજો છોડી ગામડાઓના સરપંચ અને હોદ્દેદારોએ કમળ પકડયું છે. સાયલા અને ચુડા તાલુકાના પૂર્વ સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, ઉપ સરપંચ, સરપંચ વગેરે મળી કુલ 8 સભ્યોએ કોંગ્રેસ મુક્યું અને ભાજપમાં આવ્યા છે. હજુ તો ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરાય તે પહેલા જ નાના-મોટા ભંગાણ થવા લાગ્યા છે. જોકે બીજી તરફ કોંગ્રસમાંથી આવેલા પેરાશૂટ નેતાઓને મોં માંગ્યું ભાજપ આપતું હોવાથી કેટલાક ભાજપી નેતાઓમાં અણગમો પણ ઊભો થયેલો દેખાય છે.

ચીખલિયાએ લલિત કગથરા પર ટિકીટ વેચ્યાનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચીખલિયાના આરોપ પર લલિત કગથરાએ પણ પોતાનું મૌન તોડીને એક નિવેદન આપ્યું છે. લલિત કગથરાએ જણાવ્યું કે, પક્ષ પ્રત્યેના વલણના લીધે તેમની ટીકિટ કપાઈ હોય તેવું મને લાગી રહ્યું છે. જયંતિભાઈને પક્ષે વફાદારીનું ઈનામ આપ્યું છે. પક્ષ પલટુઓ સામે જનતામાં રોષ છે. ટીકિટ નહીં મળતા ચીખલિયા ભાજપમાં જોડાયા છે.