મેરાન્યૂઝ નેટવર્ક.રાજસ્થાન : રાજસ્થાન કોંગ્રેસમાં ઘણા મહિનાઓની ઉથલપાથલ બાદ આજે અશોક ગેહલોત કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવી રહ્યો છે. તે પહેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું છે કે રાજ્યની નવી કેબિનેટમાં 'પ્રિયંકા ગાંધીની છાપ' છે. પ્રેસ કોન્ફરન્સમાં સચિન પાયલટે પાર્ટીમાં કોઈ જૂથવાદ હોવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે જેઓ મંત્રી બની રહ્યા છે તેઓ કોઈ જૂથના નથી. કેબિનેટમાં ત્રણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવનાર છે.

પાયલોટે કહ્યું કે કેબિનેટ ફેરબદલ એક સારો સંદેશ આપી રહ્યો છે અને તેનાથી કોંગ્રેસને ફાયદો થશે. તેમણે કહ્યું કે પાર્ટી એકજૂથ છે. તેમણે કેબિનેટ ફેરબદલ માટે પાર્ટી હાઈકમાન્ડનો આભાર માન્યો છે. પાયલોટે કહ્યું કે ગેહલોત કેબિનેટમાં ફેરબદલ કરવાનો નિર્ણય વિગતવાર ચર્ચા અને વ્યાપક અભિગમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

પાયલોટે કહ્યું કે નવી કેબિનેટમાં સમાજના દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સાંજે શપથ લેનાર કેબિનેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ધારાસભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સમાજના અન્ય સમુદાયોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નવા કેબિનેટમાં 4 SC-STને સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement


 

 

 

 

 

માનવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટના પાંચ સમર્થકોને પણ નવા કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે અનેક રાઉન્ડની લાંબી વાતચીત બાદ જ નવા કેબિનેટ માટે મેદાન તૈયાર થઈ રહ્યું હતું. આ માટે અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે નવી કેબિનેટમાં 30 મંત્રી હશે, જેમાંથી 15 નવા ચહેરા હશે.