મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: લોકસભા ચૂંટણીઓને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સોમવારે મોટી જાહેરાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે અમે દેશમાંથી ગરીબી હટાવીશું. લઘુત્તમ આવકની આ યોજના તબક્કાવાર અમલી બનાવવામાં આવશે અને ગરીબોના બેંક ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવામાં આવશે.

ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા રાહુલ ગાંધીએ કહ્યું કે પાંચ વર્ષમાં જનતાને ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો છે એવામાં કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે અમે ગરીબો સાથે ન્યાય કરીશું. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી આવી યોજના દુનિયામાં બીજે ક્યાંય નથી. આ યોજના માટે વાર્ષિક લઘુત્તમ આવક 12 હજાર હશે અને આટલા રૂપિયા આપવામાં દેશ સક્ષમ છે. કોંગ્રેસ પક્ષ ગેરંટી આપે છે કે 20 ટકા સૌથી વધુ ગરીબ પરિવારોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજનાથી દરેક જાતિ, દરેક ધર્મના ગરીબોને ફાયદો થશે. તેનાથી દેશના 5 કરોડ પરિવારો એટલે કે 25 કરોડ લોકોને ફાયદો થશે.