મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રાજ્યસભામાં શુક્રવારે ગેરકાયદે ગતિવિધિઓ (રોકવા) કાયદા (યુએપીએ) સંશોધન 2019 તીખી ચર્ચા બાદ પસાર થઈ ગયું છે. વોટિંગમાં પ્રસ્તાવના પક્ષમાં 147 વોટ પડ્યા જ્યારે વિરોધમાં 42 વોટ પડ્યા. આ પહેલા કોંગ્રેસની તરફતી રાજ્યસભા સાંસદ પી. ચિદમબરમ અને દિગ્વીજય સિંહએ વ્યક્તિને આતંદી જાહેર કરવાને લઈને સરકાર પર સવાલ ઊભા કર્યા હતા. ચિદમંબરમે કહ્યું કે સંગઠનને પહેલાથી જ આતંકી જાહેર કરી દેવાય છે, તેવામાં વ્યક્તિને આતંકી જાહેર કરવાની જરૂર શું છે. જવાબ આપવા માટે ગૃહમંત્રી અમતિ શાહ ઊભા થયા અને તેમણે એક ઉદાહરણ આપ્યું અને સમજાવ્યું કે તે જરૂરી કેમ છે. આ દરમિયાન ગત સરકારો પર પણ શાબ્દીક હુમલો કર્યો હતો.

અમિત શાહે કહ્યું કે, ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી યાસીન ભટકલ 2009થી ઘણા મામલાઓમાં વોન્ટેડ હતો. કોલકત્તા પોલીસે તેને પકડ્યો. તેણે પોતાનું નકલી નામ આપ્યું. તે સમયે પોલીસ પાસે તેના ચહેરાની ઓળખ કે નિશાન ન હતું અને આખરે તેને છોડી દેવાયો હતો. યાસીન ત્યાંથી નિકળી ગયો. શાહે કહ્યું કે જો 2009માં તેને આતંકી જાહેર કરી દેવાયો હોત તો દેશના તમામ પોલીસ મથકોમાં તેની ફોટો અને ફિંગરપ્રિન્ટ હોત અને તે ભાગી ન શક્તો.

વિપક્ષએ વ્યક્તિના માનવાધિકારને લઈને આશંકાઓ વ્યક્ત કરી હતી. આ પર શાહે કહ્યું કે, આતંકી જાહેર કર્યા બાદ પણ ચાર સ્તર પર સ્ક્રુટીનીનો વિકલ્પ રહેશે. માનવાધિકારની વાત કરતાં શાહે કોંગ્રેસની સરકારો પર નિશાન તાકતાં કહ્યું કે મોદી સરકારમાં સરકારી સમિતિઓ સારી રીતે કામ કરે છે. તેમણે કહ્યું કે આતંકી જાહેર કર્યા બાદ રિવ્યૂ કમિટી હશે, જેના ચેરમેન હાઈકોર્ટના નિવૃત્ત જજ હશે. તે ઉપરાંત પણ વિકલ્પો બચ્યા છે.

આ બિલ અંતર્ગત NIAને વધુ અધિકાર આપીને સંગઠનની સાથોસાથ કોઈ વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાનો અધિકારી આપવામાં આવ્યો છે. UAPA બિલ મુજબ જે વ્યક્તિને આતંકી જાહેર કરવામાં આવશે, તેની સંપત્તિ જપ્ત કરવા અને પ્રવાસ કરવા પર મનાઈ જેવી કાર્યવાહી કરી શકાશે.

અગાઉ, ગૃહ મંત્રી અમિત શાહે ગેરકાયદેસર ગતિવિધિઓ સંશોધન બિલ 2019 પર રાજ્યસભામાં શુક્રવારે જવાબ આપ્યો. શાહે કહ્યું કે બિલનો ઉદ્દેશ્ય આતંકવાદથી લડવાનો છે. આતંકવાદની વિરુદ્ધ એકજૂથતા જરૂરી છે. શાહે વિપક્ષની એ દલીલને ફગાવી દીધી કે કાયદાનો ખોટો ઉપયોગ થશે.

ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે અમે કોઈ આતંકી ગતિવિધિઓમાં સામેલ સંસ્થા પર પ્રતિબંધ લગાવીએ છીએ તો તેનાથી જોડાયેલા લોકો બીજી સંસ્થા ખોલી દે છે અને પોતાની વિચારધાર ફેલાવતા રહે છે. જ્યાં સુધી આવા લોકોને આતંકવાદી જાહેર નથી કરતા ત્યાં સુધી તેમના કામ પર અને તેમના ઈરાદા પર રોક નહીં લગાવી શકાય. આખરે અમિત શાહે એ સવાલ પણ મુક્યો કે બિલથી વિપક્ષ કેમ ગભરાઈ રહ્યો છે?