મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તેમજ મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કાગાથરાના પુત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર પુત્ર વિશાલ સહિતના પરિવારજનો પશ્ચિમ બંગાળ ફરવા ગયા હતા. અને કલકત્તાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા પરંતુ ફલાઈટ ચૂકી જતા તેઓ વોલ્વોમાં બહેરામપુર તરફ આવી રહ્યા હતા. દરમિયાન તેમની બસનો એક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાને પગલે વિશાલનું મોત નિપજ્યુ છે. 

ઘટનાને પગલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ઉપલેટા અને ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય અને પોરબંદર બેઠકના લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયા દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરી રાજકોટ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કગથરા પરિવાર પર આવી પડેલ દુઃખદ ઘટનામાં કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો દ્વારા ઘેરોશોક વ્યકત કરવામાં આવી રહ્યો છે.

બસની બહાર માથું હોવાથી ટ્રક સાથે અથડાતા હેમરેજ

લલિત કગથરાના પુત્ર વિશાલ બસમાં આવી રહ્યા હતા ત્યારે તેમણે માથું બારી બહાર રાખ્યું હતુ. આ દરમિયાન અચાનક બાજુમાંથી પસાર થતા ટ્રક સાથે તેમનુ માથુ અથડાતા હેમરેજ થવાથી તેમને ગંભીર ઇજા પહોંચી હતી. બીજીતરફ પસાર થતા વાહનો પૈકી કોઈ મદદે ન આવતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, લલિત કગથરા રાજકોટના નિર્મલા રોડ સ્થિત પારસ સોસાયટીમાં 'કરમ' ૩૪-બી ખાતે રહે છે. તેમને સંતાનમાં બે પુત્રો વિશાલ અને રવિ છે. મૃતક વિશાલ રાજકોટ ખાતેનું તેમનું કારખાનું સાંભળતો હતો. તેના અકાળે મોતથી પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે પુત્રના નિધન અંગે હજુ સુધી લલિત કગથરાને પણ જાણ કરવામાં આવી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.