મેરાન્યૂઝ નેટવર્ક.દાહોદઃ દાહોદમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય ચંદ્રીકા બારિયાએ બફાટ કરી દીધો છે. તેમણે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ડોબા અને ચૂંટાયેલા ધારાસભ્યોને આખલા કહેતા વિવાદ વકર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા જ સમય પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસીઓને કીડા કહ્યા ત્યારે પણ આવો જ ઘાટ ઘડાયો હતો. બોલવામાં પોતાનું પ્રમાણભાન ભુલી જતાં નેતાઓ જાહેરમાં પોતાની જ કાળી જીભથી પોતાની જ છાપ બગાડી મુકતા હોય છે. લોકોના નેતા હોવા અંગેનું જરા પણ ધ્યાન તે સમયે તેઓ રાખવાનું ભુલી જતાં હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદમાં આજે કોંગ્રેસનો જનવેદના આંદોલન કાર્યક્રમ હતો. દરમિયાન કોંગ્રેસના ઘણા નેતાઓ અહીં હાજર હતા. આ આંદોલનના કાર્યક્રમમાં ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકા બારિયા પણ હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા પેરાશૂટ નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર તેમણે આકરા શબ્દબાણ ચલાવ્યા હતા. તેમણે આ બંને નેતાને ડોબા ગણાવ્યા હતા અને ચૂંટાયેલા નવા ધારાસભ્યોને આખલા કહ્યા હતા.

ચંદ્રીકા બારિયાએ જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ડોબા કહ્યા તથા ચૂંટાયેલા નવા ધારાસભ્યોને આખલા કહ્યા ત્યારે સ્ટેજ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને તેમને સાંભળવા માટે આવેલી મોટી સંખ્યામાં લોકો પણ હતા. તેમના શબ્દોથી લોકોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પોતાનું પ્રમાણભાન ભૂલેલા નેતાએ જાહેરમાં અન્ય નેતાઓને ભાંડતા ભાંડતા લોકનેતા તરીકેની પોતાની છબી પણ ખરડી મુકી હતી.