પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજકારણમાં સરકાર અને વિરોધપક્ષે કાયમ એકબીજાની સામે રહેવાનું હોય છે, કારણ તેનો હેતુ સરકારની જયારે પણ ચુક થાય ત્યારે વિરોધપક્ષ દ્વારા સરકારનો કાન પકડી તેમને ભુલ સુધારવાની ફરજ પાડવાની હોય છે, આ આપણી તંદુરસ્ત લોકશાહી પ્રણાલી છે, પરંતુ સતત એકબાજા ઉપર આરોપો કરતા સરકાર અને વિરોધપક્ષે રહેલા નેતાઓ ભુલી જાય છે કે તેમને વ્યકિતગત કોઈ દુશ્મની નથી તેઓ જઈ કરે છે તેમાં પ્રજાનું હિત સમાયેલુ છે,જો તેમની લડાઈ પછી પણ પ્રજાને કોઈ ફાયદો થતો નથી આપણી વ્યવસ્થામાં કયાંક ખામી છે, આવી સ્થિતિમાં બહુ જવલ્લે જ બનતી ઘટના તાજેતરમાં ઘટી હતી,નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારના આકરા ટીકાકાર રહેલા કોંગ્રેસા પ્રથમ હરોળના નેતા અર્જુન મોઢવાડીયા પોરબંદર એરપોર્ટનો રનવે લંબાવવાની માગણી લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યા હતા, જો કે અર્જુન મોઢવાડીયાના આશ્ચર્ય વચ્ચે આ બંન્ને નેતાઓ મોઢવાડીયા કોંગ્રેસના નેતા છે તે વાત બાજુ ઉપર રાખી વાત પોરબંદરના લોકોની છે તે યાદ રાખી પોરબંદર એરપોર્ટનો રનવે લંબાવવાના કામને બહાલી આપી હતી,આમ શાસક અને વિરોધપક્ષ કોઈ એક તબ્બકે સાથે મળી કામ કરે તો ભલુ પ્રજાનું જ થાય છે.


 

 

 

 

 

ઘટનાની શરૂઆત કઈક આ પ્રકારે થઈ હતી પોરબંદર મહાત્મા ગાંધીની ભુમી હોવાની સાથે દરિયાઈ બંદરો સાથે પણ જોડાયેલુ છે, પરંતુ પોરબંદર એરપોર્ટની સ્થિતિ ખુબ ખરાબ હતી,એરપોર્ટ ટર્મીનલના નામે માત્ર બે રૂમો જ હતો,2008માં અર્જુન મોઢવાડીયા વિરોધ પક્ષના નેતા હતા ત્યારે તેમણે કેન્દ્ર સરકાર સામે માગણી કરી કે પોરબંદરમાં એક માળખાકીય સુવીધાવાળુ ટર્મીનલ હોવુ જોઈએ,ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતા અને પ્રફુલ પટેલ ઉડ્ડયન મંત્રી હતા,તેમણે અર્જુનભાઈની માગણી સ્વીકારી 100 કરોડના ખર્ચે પોરબંદર એરપોર્ટ ટર્મીનલ બનાવી આપ્યુ હતું, આ ટર્મીનલના ઉદ્દઘાટન પ્રસંગે પ્રફુલ પટેલ તો આવ્યા પણ ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દાની રૂએ નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતું, આ ટર્મીનલના ઉદ્દધાટન પ્રસંગે બોલતા અર્જુન મોઢવાડીયાએ પ્રફુલ પટેલ અને નરેન્દ્ર મોદીના ધ્યાન ઉપર વાત મુકી હતી કે પોરબંદર એરપોર્ટનો રનવે 1400 મીટરનો જ છે જેના કારણે નાના પ્લેન જ લેન્ડ કરે છે, જો ભારતના વડાપ્રધાન પોરબંદર આવવા માગતા હોય અથવા ડીફેન્સ ના પ્લેન પણ લેન્ડ કરવા માગતા હોય તો નાનો રનવે હોવાને કારણે પ્લેન લેન્ડ થઈ શકતા નથી.

કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલે મોઢવાડીયાની દરખાસ્તને સમજતા કહ્યુ કે રનવે લંબાવવા માટે જો રાજય સરકાર જમીન સંપાદીત કરી આપે તો ઉડ્ડય મંત્રાલય પોરબંદરનો રનવે 2600 મીટર સુધી લંબાવવા તૈયાર છે જેના માટે રૂપિયા 250 કરોડનો ખર્ચ થશે જે પણ તેમનું મંત્રાલાય મંજુર કરશે, પ્રફુલ પટેલના ઉદ્દભોદન પછી નરેન્દ્ર મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધતા કહ્યુ કે મને આખી વાત સમજાય છે અને ગુજરાત સરકાર આ માટે જરૂરી જમીન સંપાદીત કરી વિના મુલ્ય એરપોર્ટ ઓથોરીટીને સોંપશે, આમ પોરબંદર માટે આ એક મોટો નિર્ણય હતો, પરંતુ આ જમીન સંપાદનની પ્રક્રિયામાં બે તકલીફ હતી જેમાં કેટલીક ખાનગી જમીન પણ હતી અને રનવે લંબાવે તો તેના છેડે કોસ્ટ ગાર્ડના મકાન બનાવવા માટે કોસ્ટ ગાર્ડને જમીન ફાળવવામાં આવી હતી, નરેન્દ્ર મોદીએ સમારંભ પછી આ દિશામાં ઝડપી કામ કરવાની પોરબંદર કલેકટરને સુચના આપી હતી.

રનવે લંબાવવામાં જે ખાનગી જમીન આવતી હતી તે જમીન માલિકને ગુજરાત સરકારે વળતર આપવાની વાત કરી હતી, પરંતુ કોસ્ટ ગાર્ડ ત્યાંથી ખસવા તૈયાર ન્હોતુ, આથી નરેન્દ્ર મોદીની સુચનાથી કોસ્ટ ગાર્ડને જે જમીન ફાળવી હતી તેના કરકા ડબલ જમીન અન્યત્રે ફાળવવાનો આદેશ થયો હતો, આમ રનવે લંબાવવાનો રસ્તો ખુલી ગયો હતો, પણ સમયનું ચક્ર ફર્યુ અને 2012 વિધાનસભાની ચુંટણીમાં અર્જુન મોઢવાડીયાની હાર થઈ અને તેઓ ધારાસભ્ય નહીં રહેતા તેમણે પણ એરપોર્ટ વિસ્તરણના મુદ્દે રસ લેવાનું છોડી દીધુ હતું બીજી તરફ નરે્ન્દ્ર મોદીનું પણ લક્ષ્ય કેન્દ્ર સરકાર હસ્તગત કરવાનું હતું આથી તેઓ પણ તેમા વ્યસ્ત થઈ ગયા હતા, આમ આ પ્રશ્ન વિસરાઈ ગયો હતો, આ તરફ કોસ્ટ ગાર્ડ દ્વારા પોતાને ફાળવવામાં આવેલી જમીન ઉપર 40 લાખ ખર્ચ કર્યો હોવાને કારણે તેઓ ગુજરાત સરકાર પાસે વળતર માંગી રહ્યા હતા જેનો ઉકેલ નહીં આવતા તેમણે રનવેની જમીન ખાલી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.


 

 

 

 

 

ડિસેમ્બર 2018માં કોઈક કામસર અર્જુન મોઢવાડીયા પોરબંદર એરપોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયુ તો કોસ્ટ ગાર્ડના મકાનો બની રહ્યા હતા આથી તેમને ફાળ પડી કે જો કોસ્ટ ગાર્ડ મકાન બનાવે છે તો પોરબંદર એરપોર્ટનો રનવે કયારેય લંબાવાશે નહીં, તેઓ નારાજ પણ થયા અને એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓને ઠપકો પણ આપ્યો,જો કે તેઓ લાચાર હતા,વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદીના સતત ટીકા કરતા અર્જુન મોઢવાડીયાને લાગ્યુ કે માત્ર ટીકા કરવાથી પરિણામ મળશે નહીં, તેમણે તરત વિજય રૂપાણીને પત્ર લખી કોસ્ટ ગાર્ડનું કામ અટકાવી નરેન્દ્ર મોદીએ પોરબંદરના લોકોને આપેલા વચન પ્રમાણે રનવે લંબાય તે કામને જોવા વિનંતી કરી, મોઢવાડીયા જાણતા હતા કે મામલો ડીફેન્સ વિભાગનો છે એટલે તેમણે કે કૈલાશનાથનનું પણ ફોન કરી આ મુદ્દે મુખ્યમંત્રી અને વડાપ્રધાનના ધ્યાન ઉપર સમગ્ર મામલો મુકવા વિનંતી કરી હતી.

સંજોગો પણ તેવા નિર્માણ થયા કે મુખ્યમંત્રી રૂપાણી અને કૈલાશનાથ એક મિટીંગમાં ભાગ લેવા દિલ્હી ગયા હતા,તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા તરફથી આવેલી વિનંતી તરફ ધ્યાન દોર્યુ, મોદીની યાદ શકતિ સારી છે તેમણે 2008માં પોરબંદરમાં આપેલુ વચન યાદ આવ્યુ , મોદીએ તરત ડીફેન્સ વિભાગને સુચના આપી કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરમાં થઈ રહેલુ કામ અટકાવી દેવામાં આવે, તેમને આપવામાં આવેલી એનઓસી પણ અટકાવી દો, આ અંગે તેમણે જરૂરી સુચના રૂપાણી અને કૈલાશનાથનને આપી રનવે લંબાવવાની દિશામાં આગળ વધવાનો આદેશ આપ્યો, ત્યાર બાદ ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડ,એરપોર્ટ ઓથોરીટી અને રૂપાણી સહિતના અધિકારીઓની મિટીંગોનો દૌર શરૂ થયો,કોસ્ટ ગાર્ડની વિનંતી હતી કે જો લંબાઈ રહેલા રનવે 10 ડીગ્રી ફેરવવામાં આવે તો તેમના મકાન બચી જાય છે, આથી એરપોર્ટ ઓથોરીટી દ્વારા ફરી સર્વે કરવામાં આવ્યો, અને ઓથોરીટીના સર્વેમાં નક્કી થયુ કે 10 ડીગ્રી રનવેની દિશા બદલવામાં વાંધો નથી.

આખરે કોસ્ટ ગાર્ડની સમસ્યાનો અંત આવ્યો અને દિલ્હીથી સુચના મળતા ગાંધીનગરએ સંપાદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને એરપોર્ટ ઓથોરીટી રનવે લંબવાવાનું કામ શરૂ કરશે, આમ સતત એકબીજા ઉપર આક્ષેપ કરતા નેતાઓ જો પ્રજાના કામ માટે એક થાય તો આવુ પરિણામ આવી શકે છે, આ ઘટનામાં નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી અને અર્જુન મોઢવાડીયા ત્રણે નેતાઓની એક સાથે દાદ આપવી પડે તેવી ઘટના છે.