મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક ચૂંટણીસભા દરમિયાન એક યુવકે મંચ પર જ થપ્પડ મારી દેતા ચકચાર મચી છે અને લોકસભા ચૂંટણીઓના પ્રચારમાં એક નવો જ ગરમાવો આવી ગયો છે. સ્થાનિકો થપ્પડ મારનારને ઢોર માર માર્યો હતો.

પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં આવેલા અને કોંગ્રેસમાં જોડાયા બાદ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચાર તરીકે ગુજરાતમાં પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને આજે વઢવાણનાં બલદાણા ખાતે એક ચૂંટણી સભામાં મંચ પર જ એક યુવક્કે થપ્પડ મારી દીધી હતી. હાર્દિક પટેલ મંચ પરથી ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા આ દરમિયાન એક યુવક આવ્યો હતો અને હાર્દિકને થપ્પડ મારી દેતા બોલ્યો હતો કે '14 પાટીદારને ભરખી ગયો, 14 પાટીદારને મારી નાખ્યા.'

હાર્દિકને થપ્પડ મારનારની યુવકની ઓળખ કડીના જાસૂલપુરનાં રહેવાસી તરુણ મિસ્ત્રી તરીકે થઇ છે. હાર્દિકને થપ્પડ માર્યા બાદ તરુણને સ્થાનિક મહિલાઓ ખૂબ જ માર માર્યો હતો અને તેની પાસેથી એક છરી પણ મળી આવી હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે.

આ હુમલા અંગે હાર્દિક પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ હુમલો ભાજપ દ્વારા કરાવવામાં આવ્યો છે. પરંતુ હું મારો પ્રચાર નહીં અટકાવું. હાર્દિકને થપ્પડ મારવાની ઘટનાને કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય લલિત વસોયા, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સહિતના નેતાઓએ વખોડી કાઢી હતી.