મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ આમ તો બદલી શબ્દ સરકારી ખાતાઓમાં કે ખાનગી ઓફીસીસમાં કર્મચારીઓને એક જવાબદારીથી બીજી જવાબદારી સોંપતા હોય ત્યારે થતો આવ્યો છે. જોકે હવે ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ પણ પોતાના રાજકીય કારકિર્દીને ધ્યાને લઈ એક પક્ષથી બીજા પક્ષમાં બદલી પામતા હોય છે. સુરતમાં આવી જ એક મોટી હિલચાલ જોવા મળી રહી છે જેમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મોટા કદના નેતાઓની ફેરબદલ થાય તેમ છે.

એક સ્થાનીક ન્યૂઝ વેબસાઈટ દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે કોંગ્રેસના મોટા કદના નેતા ગણાતા ધીરુભાઈ ગજેરા જેઓ અગાઉ ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા તે ભાજપમાં ફરી ભળી જાય તેવી શક્યતાઓ છે. જોકે આ હિલચાલ થાય તો સુરતમાં ખાસ કરીને વરાછા વિસ્તારમાં તેની મોટી અસર પડે તેમ છે. કારણ કે પાટીદાર અનામત આંદોલન શરુ થયું ત્યારથી ઘણા એવા કિસ્સાઓમાં અહીં પાટીદારોની નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. જોકે જો ભાજપનું ધીરુભાઈ ગજેરા મિશન પાર પડી જાય તો આ ચિંતા થોડી હળવી થાય તેવો અંદાજ લગાવી શકાય છે.

વર્ષ 2007 સુધી ગજેરા ભાજપ સાથે હતા જોકે તે પછી તેઓએ ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ટિકાકાર ગણાતા ધીરુભાઈ ગજેરાએ વર્ષ 2017માં અભિનેત્રી નગ્મા સાથે મોટી રેલી પણ કરી હતી. જોકે અહીં વિધાનસભા ચૂંટણીમાં તેઓ હાર્યા પણ હતા. ગજેરા અહીં ઘણું મોટું નામ ધરાવે છે. આ બાજુ આમ આદમી પાર્ટીએ પણ સુરતમાં જ્યારથી વિરોધપક્ષ તરીકે પોતાનો પગ જમાવ્યો અને તેમાં પણ મહેશ સવાણી જેવા સ્વચ્છ છબી ધરાવતા ઉદ્યોગપતિને આપ (આમ આદમી પાર્ટી)માં જોડ્યા ત્યારથી ભાજપ માટે અહીં ચિંતા વધી હતી જોકે તે વાત અલગ છે કે ભાજપના નેતાઓ જાહેરમાં આમ આદમી પાર્ટીને ગણતા ન હોવાની વાત કરે છે પરંતુ ઘણા કિસ્સાઓમાં આંતરિક ભય જોવા મળ્યો છે.