પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ભાજપના નેતા અને પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલાયો નથી. આ જ પ્રકારે 28-8-1991 ના દિવસે વડોદરાના રેલવે સ્ટેશનની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ભોગીલાલ પટેલની ભાડુતી હત્યારાઓએ ગોળી મારી હત્યા કરી હતી. આ આખી ઘટના રેલવેના એસપીની હાજરીમાં બની હોવા છતાં રેલવે એસપી કોંગ્રેસી નેતાને બચાવી શકયા ન્હોતા. એટલુ જ નહીં કેસ ચાલ્યો ત્યારે પુરાવાના અભાવે કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુક્યા હતા.

1990માં કોંગ્રેસને હરાવી ચીમનભાઈ પટેલનું જનતા દળ ગુજરાત અને ભાજપે સત્તા હાંસલ કરી હતી. જો કે જનતા દળ અને ભાજપની દોસ્તી લાંબો સમય ચાલી નહીં અને તેઓ છુટા પડતા ચીમનભાઈ પટેલે સત્તા બચાવવા માટે કોંગ્રસનો સહારો લેવો પડ્યો હતો. જો કે ચીમનભાઈ પટેલને ટેકો આપવામાં કોંગ્રેસનો બહુ મોટો વર્ગ સહમત ન્હોતો. ચીમનભાઈ પટેલના રાજકિય હરિફ કોંગ્રેસના પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોંલકી હતા. સોંલકી કોઈ પણ કિંમતે ચીમનભાઈ પટેલને કોંગ્રેસ ટેકો આપે તેવા મતના ન્હોતા.

માધવસિંહ સોંલકીના ખાસ અંગત વિશ્વાસુ એવા કોંગ્રેસના વડોદરાના નેતા અને ખજાનચી અશોક  ભોગીલાલ પટેલ ચીમનભાઈ પટેલની સરકાર તોડવાનો પેતરો રચ્યો છે તેવી ચર્ચા શરૂ થઈ હતી. અશોક પટેલ કોંગ્રેસના ધારાસભ્ય તોડી ભાજપને મદદ કરવાના હતા અને તેઓ ભાજપના નેતા અશોક ભટ્ટના સંપર્કમાં પણ હતા. આ દરમિયાન તેમને એક કામ માટે મુંબઈ જવાનું હતું જેના કારણે તેઓ વડોદરા રેલવે સ્ટેશન ઉપર આવ્યા હતા. જો કે અશોક પટેલ અજાણ હતા કે વડોદરાના ગેંગસ્ટર રાજુ  રીસાલદારની ગેંગને તેમની હત્યાની સોપારી આપી દેવામાં આવી છે.

કોંગ્રેસની નેતા અશોક ભોગીની હત્યા માટે કુલ ત્રણ ભાડુતી હત્યારાઓ રેલવે સ્ટેશન ઉપર આવી ગયા હતા. જેમાં પહેલો હત્યારો અશોક ભોગીને સ્ટેશનમાં દાખલ થતાં જ ગોળી મારવાનો હતો. અશોક ભોગી રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે રેલવના એસપી પણ અચાનક ત્યાં પહોચે છે. અશોક ભોગી વગદાર નેતા હોવાને કારણે એસપી પોતે તેમને કોચ સુધી મુકવા માટે સ્ટેશનની અંદર દાખલ થાય છે. જો કે પહેલો ભાડુતી હત્યારો સ્ટેશનની ભીડને કારણે ગોળી મારી શકતો નથી. આ ઉપરાંત જે બીજા બે હત્યારા હતા તેમાં એક હત્યારો રેલવે ફુટબ્રીજ ઉપર હોય છે અને ત્રીજો હત્યારો અશોક ભોગીના કોચમાં જ ટિકિટ લઈ અગાઉથી બેસી ગયો હોય છે. જો આગળની બે ટીમો નિષ્ફળ જાય તો છેલ્લે તે અંજામ આપવાનો હતો.

અશોક ભોગીને પહેલી ટીમ ભીડને કારણે ગોળી મારી શકતી નથી પણ જ્યારે અશોક ભોગી રેલવે એસપી સાથે પ્લેટફોર્મ બદલવા માટે ફુટબ્રીજની સીડી ચઢી રહ્યા હતા ત્યાં ભાડુતી હત્યારો પરેશ ચૌહાણ ફુટબ્રીજ ઉપર એકદમ નજીકના અંતરેથી અશોક ભોગીની છાતીમાં એસપીની હાજરીમાં ગોળી મારે છે અને અશોક ભોગી ત્યાં જ ઢળી પડે છે. ગોળી મારી ભાગી રહેલા પરેશ ચૌહાણને એક મહિલા કોન્સ્ટેબલ ઝડપી લે છે. આ મામલે ખાસ્સો હોબાળો થાય છે. ચીમનભાઈ પટેલ ઉપર રાજકિય હત્યાનો આરોપ પણ થયો હતો.

પરંતુ જ્યારે કેસ ચાલ્યો ત્યારે હત્યાને નજરે જોનાર એસપી આરોપી પરેશ ચૌહાણને ઓળખવાનો ઈન્કાર કરે છે, જયારે પરેશનને ઝડપી લેનાર મહિલા કોન્સ્ટેબલ સાક્ષી તરીકે કોર્ટમાં રજુ કરવામાં આવતી નથી. કોર્ટ પુરાવાના અભાવે પરેશ ચૌહાણને નિર્દોષ છોડી મુકે છે. હવે જોવાનું રહ્યુ કે જયંતિ ભાનુશાળીના કેસમાં પણ પોલીસ શુ કરે છે અને જે પકડાય તેને કોર્ટ સજા કરે છે કે નહીં.