મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થઈ ગયું છે. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસ માટે ચાણક્ય તરીકેની ગણના ધરાવતા અહેમદ પટેલના મૃત્યુ અંગેની માહિતી તેમના પુત્ર ફૈસલ પટેલે ટ્વીટ કરીને લોકોને આપી હતી. ગુરુગ્રામ ખાતેની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં 71 વર્ષિય અહેમદ પટેલે રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં અંતિમ શ્વાસ લીધા હતા. 

મૂળ ગુજરાતના અને દાયકાઓ સુધી ગાંઘી પરિવારની નજીક રહેલા અને કોંગ્રેસ માટે એક સમયે ચાણક્ય જેવી ભૂમિકાઓ અદા કરીને તેઓ સોનિયા ગાંધીના વિશ્વાસુ બની રહ્યા હતા. સોનિયા ગાંધીએ તેમના નિધન પર પોતે પોતાનો મિત્ર ગુમાવ્યો હોવાનું કહ્યું છે. 

પુત્ર ફૈસલે આપી જાણકારી કે...

ફૈસલે ટ્વીટ પર લખ્યું છે કે, ખુબ જ દુઃખ સાથે આ સૂચના આપવામાં આવી રહી છે કે આખરે મારા પિતા અહેમદ પટેલનું 25 નવેમ્બરની રાત્રે 3.30 વાગ્યે દેહાવસાન થઈ ગયું છે. અંદાજે એક મહિના પહેલા કોરોના પોઝિટિવ આવ્યા પછીથી તેમની તબીયત ખરાબ હતી. તેમના શરીરના ઘણા અંગો કામ કરતાં બંધ થઈ ગયા હતા. અલ્લાહ તેમને જન્નતમાં જગ્યા આપે. સાથે જ ફૈસલે પોતાના શુભચિંતકોને સલાહ આપી છે કે કોવીડ-19ને ધ્યાનમાં રાખતા તમામ નિયમોનું પાલન કરે. ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો.

@ahmedpatel pic.twitter.com/7bboZbQ2A6

— Faisal Patel (@mfaisalpatel) November 24, 2020

સોનિયા ગાંધીનો શોક સંદેશ

સોનિયા ગાંધીએ શોક સંદેશમાં કહ્યું કે, અહેમદ પટેલના જવાથી મેં એક એવા સહયોગીને ગુમાવ્યા છે, જેમનું પુરુ જીવન કોંગ્રેસ પાર્ટી માટે સમર્પિત હતું. તેમની નિષ્ઠા અને સમર્પણ, પોતાના કર્તવ્યના પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, મદદ માટે હંમેશા હાજર રહેવાનું અને તેમની શાલીનતા કાંઈક એવી ખુબીઓ હતી જે તેમને બીજાઓથી અલગ બનાવતી હતી. મેં આવા કોમરેડ, નિષ્ઠાવાન સહયોગી અને મિત્રને ગુમાવી દીધા જેમની જગ્યા કોઈ નહીં લઈ શકે. હું તેમના નિધન પર શોક પ્રગટ કરું છું અને તેમના પરિવારના પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.

રાહુલ ગાંધીએ કહ્યું...

રાહુલ ગાંધીએ કહ્યું કે, પટેલ એક એવા સ્તંભ હતા જે સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઊભા હતા. આ દુઃખનો દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીનો સ્તંભ હતા. તે બહુ મોટી બચત હતા. અમને તેમની ખોટ રહેશે. ફૈસલ, મુમતાઝ અને તેમના પરિવાર પ્રત્યે મારો સ્નેહ અને સંવેદના છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે પટેલની કોંગ્રેસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સેવા અસિમિત હતી. 

Congress President Smt Sonia Gandhi’s condolence message on the demise of Shri Ahmed Patel. pic.twitter.com/JiOwjr3j1n

— Congress (@INCIndia) November 25, 2020

3 વાર લોકસભા અને 5 વાર રાજ્યસભા સાંસદ

ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા પટેલ ત્રણ વખત લોકસભાના સાંસદ અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ હતા. પટેલે તેમની પ્રથમ ચૂંટણી 1977 માં ભરૂચથી 62,879 મતોથી જીતી હતી. તેમણે 1980 માં ફરીથી અહીંથી ચૂંટણી લડી હતી અને આ વખતે 82,844 મતોથી વિજય મેળવ્યો હતો. 1984 ની ત્રીજી લોકસભાની ચૂંટણીમાં, તે 1,23,069 મતોથી જીત્યો. અહેમદ 1993 થી રાજ્યસભાના સાંસદ હતા અને 2001 થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.