​​​​​​બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): અંકલેશ્વરમાં ઑગસ્ટ 1949માં જન્મેલા અહમદ પટેલનું હરિયાણાના ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 25મી નવેમ્બર 2020ની વહેલી સવારે અવસાન થયું. રાત્રે વડોદરાના હરણી એરપોર્ટ પર તેમનો દેહ આવી પહોંચ્યો અને 26મી નવેમ્બરની સવારે તેમને વતન પીરામણના કબ્રસ્તાનમાં સુપુર્દ–એ– ખાક કરવામાં આવ્યા. કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહમદભાઈના જીવન-મૃત્યુને ગુજરાતી કક્કો – બારાખડીની રૂએ કહીએ તો ‘અ થી હ’ સુધીનું જીવન પૂર્ણ થયું.

જ્યાં જન્મ્યા હતા એ અંકલેશ્વરના તાલુકા પંચાયતના સભ્ય તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1976માં થઈ હતી. એ પહેલાથી તેઓ ગુજરાત પ્રદેશ યુવક કૉંગ્રેસમાં સક્રિય હતા. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણીમાં તેમની ઉમેદવાર તરીકે પસંદગી કરી, એ સમયે અહમદ મોહમ્મદભાઈ પટેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ યુવક કૉંગ્રેસના પ્રમુખ હતા. સમય જતાં તેઓ 1985 થી 1988 દરમિયાન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ પણ થયા હતા.

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ્ એન્ડ સાયન્સ કૉલેજમાં વિજ્ઞાન સ્નાતકના બે વર્ષ ભણીને બી.એસસીની ફાઇનલ ડિગ્રી મેળવવા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દાખલ થયા હતા. તેમના કહેવા પ્રમાણે એ સમયે ભરૂચની કોલેજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી હતી. જો ફાઇનલ ડિગ્રી માટે વડોદરા ભણવા જઉં તો એમ.એસ. યુનિવર્સિટીનો સ્નાતક ગણાઉં અને આગળ ભણવા માટે તેની નામ – પ્રતિષ્ઠા વધુ ઉપયોગી થઈ પડે એવો આશય હતો.


 

 

 

 

 

જો કે અહમદભાઈ માટે આગળ ભણવાનો અવસર આવ્યો જ નહીં અને સ્થાનિક રાજકારણમાં સક્રિય થયા. એમના પિતા મોહમ્મદભાઈ પટેલ પણ સ્થાનિક રાજકારણમાં સક્રિય હતા પરંતુ તેમના કુટુંબી ભાઈ સુલેમાન ઉનિયા જેટલા નહીં. આમ સગપણમાં અહમદભાઈના કૌટુંબિક કાકા થતા સુલેમાનભાઈ યુસુફભાઈ ઉનિયા તેમને રાજકારણમાં લઈ આવ્યા. સુલેમાન ઉનિયા અંકલેશ્વરના વતની હતા પરંતુ રાજકીય રીતે તેઓ નવસારીમાં સક્રિય હતા અને બે મુદત – દસ વર્ષ માટે નવસારીના કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય રહી ચૂક્યા હતા. એમ તો અહમદ પટેલના રાજકારણ પ્રવેશ માટે ભરૂચ જિલ્લાના કૉંગ્રેસી આગેવાન હરિસિંહ મહીડાને પણ કેટલોક યશ આપવામાં આવે છે. હરિસિંહ મહીડા ત્રણ મુદત માટે અંકલેશ્વરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી રહી ચૂક્યા હતા. હરિસિંહ મહીડાએ સ્થાનિક જિલ્લા સ્તરેથી ભરૂચ લોકસભા બેઠક માટે 1977માં અહમદ પટેલના નામની ભલામણ કરી ત્યારે તેઓ પોતે રાજ્યસભાના પહેલી મુદતના સભ્ય હતા.

આમ સુલેમાનભાઈ ઉનિયા અને હરિસિંહભાઈ મહીડા એમ બન્નેને અહમદ પટેલના રાજકીય ગુરુ ગણવા પડે. જો કે સમય જતાં સુલેમાન ઉનિયા કૉંગ્રેસ છોડીને સંસ્થા કૉંગ્રેસમાં દાખલ થયા હતા એટલે 1977ની પહેલી ચૂંટણીમાં અહમદભાઈએ કાકાની સામે જ લડવાનો વારો આવ્યો હતો. કેમ કે સુલેમાનભાઈ છઠ્ઠી લોકસભા ચૂંટણી-1977માં ભરૂચ બેઠક પર ભારતીય લોકદળના ઉમેદવાર થયા અને ભત્રીજા સામે પરાજિત થયા હતા. બીજી તરફ નવી દિલ્લીમાં અહમદભાઈનો વધતો પ્રભાવ જોઈ હરિસિંહ મહીડાએ રાજ્યસભાની બીજી મુદત દરમિયાન ગુજરાતના રાજકારણમાં પાછા ફરવાનું મન બનાવી લીધું અને 1985માં સંસદસભ્યમાંથી ધારાસભ્ય થઈ ગુજરાતના મહેસૂલ મંત્રી થઈ ગયા.

અહમદ પટેલના પ્રભાવે હરિસિંહ મહીડા ગુજરાતના મંત્રી થયા પરંતુ ચાલીસ વર્ષ સંસદસભ્ય રહેવા છતાં અહમદ પટેલે ક્યારેય કેન્દ્ર સરકારમાં મંત્રી પદ ન સ્વીકાર્યું. તેઓ છઠ્ઠી – સાતમી અને આઠમી લોકસભામાં એમ 1977થી 1989 તેર વર્ષ લોકસભાના ભરૂચ બેઠકના સંસદસભ્ય રહ્યા. નવમી-1989 અને દસમી લોકસભા ચૂંટણી-1991માં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ સામે પરાજિત થયા. એ પછી નવી દિલ્લીના રાજકારણમાં સક્રિય રહેવા રાજ્યસભાનો માર્ગ અપનાવ્યો અને 1993થી સતત પાંચ મુદત માટે રાજ્યસભામાં ગુજરાતના પ્રતિનિધિ લેખે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી. નરસિમ્હારાવ અને ડૉ. મનમોહન સિંહની એમ ચાર કૉંગ્રેસી સરકારોની રચના થઈ પરંતુ તેમણે રાજીવ ગાંધીના સમયમાં સંસદીય સચિવના અપવાદ સિવાય ક્યારેય મંત્રી પદ સ્વીકાર્યું નહીં.


 

 

 

 

 

આ માટેના કારણો પણ તેમની પાસે હતા. જેમ કે પ્રારંભે કૉંગ્રેસ પક્ષની સરકાર ન્હોતી તેમજ એ પછી અનુભવ ન્હોતો અને દિલ્લીના રાજ-કાજની આંટીઘૂંટીઓ સમજવાની બાકી હતી એટલે કદી કોઈ પદની ખેવના રાખી નહીં. એમ તો તેમના ભણતર અને સ્થાનિક સ્તરના રાજકીય અનુભવને જાણતા ઇન્દિરા ગાંધીએ તેમને અને કટોકટી પછી અમેઠી લોકસભા બેઠકની ચૂંટણીમાં પરાજિત થઈને સાવ નવરાધૂપ થઈ ગયેલા પુત્ર સંજય ગાંધી એમ બન્નેને દિલ્લીની કોઈ કોલેજમાં દાખલ થઈ આગળ ભણવાની સલાહ આપી હતી. પરંતુ એક વર્ષ પહેલા જ મેમુનાબહેન સાથે લગ્નસંબંધથી જોડાયેલા અને માતા-પિતાની જવાબદારી ધરાવતા અહમદ પટેલ માટે ભણવાનું શક્ય ન્હોતું તો સંજય ગાંધીને ભણવાની સરખામણીએ પાઇલટની તાલીમ મેળવવામાં વધુ રસ હતો. 1980માં સંજય ગાંધીનું પ્લેન અકસ્માતમાં અવસાન થયું ત્યાં સુધી ઇન્દીરા ગાંધી કહેતા રહ્યા કે – આપ દોનોંને મેરી એક બાત તો નહીં હી માની.

આ સમયગાળા અને ઇન્દિરા ગાંધીની વિદાય પછી રાજીવ ગાંધીને સરકાર તેમજ સંગઠન એમ બન્ને મોરચે મદદ કરવાની હતી. તેથી તેઓએ સરકારમાં કોઈ મહત્વની જવાબદારી સ્વીકારી નહીં. 1990 પછી એકાધિક રાજ્યોમાં કૉંગ્રેસ સત્તા ગુમાવતી હતી. એ સંજોગોમાં તેમના માટે નરસિંહરાવ સરકારમાં જોડાવાનું શક્ય ન બન્યું. એ સમયે તેઓ લોકસભા કે રાજ્યસભા એમ બેમાંથી એકેય ગૃહના 1993 સુધી સભ્ય ન્હોતા એ પણ એક કારણ ખરું. 1991માં રાજીવ ગાંધીની અણધારી વિદાય થઈ. આ સઘળા કારણોનો સરવાળો એવો થયો કે 2004માં કૉંગ્રેસને પુનઃ સત્તા મળી ત્યારે તેમના ભાગે પક્ષને અને પક્ષ પ્રમુખને સહાયરૂપ બનવાની – સલાહકારની જ ભૂમિકા આવી. 2004થી 2014ના સમયગાળા માટે તેમનું કહેવું હતું કે મંત્રીમંડળની યાદીમાં તેમના નામનો સમાવેશ પક્ષ કરતો હતો જેને છેકી નાખવાનું કામ તેઓ પોતે કરતા હતા. આ બાબતને તેમના સમર્પણ – ત્યાગ એવા કોઈ પણ ખાનામાં ખતવી શકાય એમ છે.

રાજ્યસભામાં તેમની પાંચમી – છેલ્લી મુદતની ઑગસ્ટ 2017માં થયેલી જીત તેમના સમગ્ર રાજકીય જીવનને છાજે તેવી ગૌરવપ્રદ ન રહી. અહમદભાઈ પટેલના રાજકીય સંપર્કો થકી જ પોતાના વ્યવસાયમાં બે પાંદડે થયેલા ગુજરાતના કૉંગ્રેસી ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે પક્ષપલટો કરી તેમની સામે જ ભારતીય જનતા પક્ષની ઉમેદવારી સ્વીકારી એ તો ઠીક પણ તેમના થકી જ કમાયેલો ‘મની પાવર’ કામે લગાડ્યો. મને-કમને અહમદ પટેલે પણ ‘મની પાવર’ના શરણે જવું પડ્યું. એનું પરિણામ એ આવ્યું કે ગુજરાતમાં રિસોર્ટ રાજકારણ યુગના શુભારંભે તેમની – ગુજરાત કૉંગ્રેસની આર્થિક મદદે આવેલા વડોદરાના સ્ટર્લિંગ બાયોટેક ગ્રૂપના સાંડેસરા ભાઈઓના કારણે જ 2020માં અહમદ પટેલને અન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઑફિસના પગથિયા ચઢવાનો વારો આવ્યો. સાંડેસરા ભાઈઓ કરોડો રૂપિયાનું બેન્કોનું દેવું ચુકવ્યા વગર વિદેશ ભાગી ગયા હતા. કંપની માલિકોનો અહમદ પટેલ અને તેમના પરિવારજનો સાથે આર્થિક વ્યવહાર હતો એવા પુરાવા મળી આવ્યા પછી વિભાગ દ્વારા વારંવાર થતી પુછપરછથી તેઓ થાકી ગયા હતા. કેમ કે દોઢસો લેખિત પ્રશ્નોનો સામનો કરવાનો હતો. આટલા પ્રશ્નો મેં મારી રાજકીય કારકિર્દી દરમિયાન પાર્લમેન્ટમાં પણ નથી પૂછ્યા એમ કહેતા – જણાવતા હતા. બીજી તરફ રાજ્યસભાની તેમની જીતને તેમના જ રાજકીય શાગિર્દ કહેવાતા ચેલા એવા બલવંતસિંહ રાજપૂત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઈ હતી.


 

 

 

 

 

તેમના રાજકીય કદ અને સક્રિયતાને કારણે પ્રારંભે કેસમાં હાજર રહેવામાંથી મુક્તિ મળી હતી પરંતુ કેસ જ્યારે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો ત્યારે તેમના માટે કોર્ટમાં હાજર રહેવું ફરજિયાત થઈ પડ્યું જે રાજકીય નાલેશી માટે પૂરતું હતું. આ દરમિયાન કોરોના વાઇરસની મહામારીને કારણે ઉપરોક્ત કેસની સુનાવણી ઓનલાઇન થઈ રહી હતી. કમ્પ્યૂટર અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિષયનો ઉત્તમ અભ્યાસ તેમજ વ્યવસાયી કામકાજ ધરાવતા દિકરા ફૈસલની મદદથી તેઓ કોર્ટની ઓનલાઇન સુનાવણીમાં હાજરી આપતા હતા. ઑક્ટોબરના આરંભે પહેલી તારીખે કોરોનાથી સંક્રમિત થયા. આ કારણે જ બિહાર જેવા મહત્ત્વના રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સક્રિય ન થઈ શક્યા. 25મી નવેમ્બર 2020ની વહેલી સવારે સારવાર દરમિયાન અવસાન પામ્યા ત્યારે સોશિયલ મીડિયામાં સક્રિય પુત્ર ફૈસલે જ સૌ પ્રથમ એ દુઃખદ ખબર જાહેર કર્યા – ઓનલાઇન. ભરૂચ જિલ્લાના યુવાનો વચ્ચે જબ્બર લોકચાહના ધરાવતા અહમદભાઈ પટેલ ઉર્ફે બાબુભાઈની અંતિમવિધિમાં કોરોના કહર વચ્ચે ઘણા ખરા યુવાનોએ ઓનલાઇન જ પોતાની ઉપસ્થિતિ નોંધાવી. બાબુભાઈ તેમનું હુલામણુ નામ હતું.

(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે રવિવાર 19મી જુલાઈ 2020ની સાંજે અહમદભાઈ પટેલ સાથે થયેલી ફોન વાતચીતના આધારરૂપ કેટલીક હકીકતો સાથે. – બિનીત મોદી)