જય અમીન (મેરાન્યૂઝ .મોડાસા): અરવલ્લી જીલ્લામાં ચોમાસામાં ધોધમાર વરસાદ ખાબકતા કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બનતા હોવાની સાથે અવર-જ્વર અટકી જતા જનજીવન થંભી જતું હોય છે ત્યારે મેઢાસણ જીલ્લા પંચાયત વિસ્તારના નાની ઈસરોલ થી રામેશ્વર કંપા વચ્ચેથી પસાર થતી મેશ્વો નદી પર ૪.૧૨ કરોડના ખર્ચ પુલની નિર્માણ કરવામાં આવ્યું છે મેશ્વો નદી પર બનેલ નવનિર્મિત પુલનો જશ ખાટવા ભાજપ અને કોંગ્રેસમાં રીતસર હોડ જામી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા એક જ પુલનું ભાજપ અને કોંગ્રેસે અલગ-અલગ લોકાર્પણ કર્યું હતું અને બંને રાજકીય પક્ષોએ નવનિર્મિત પુલ તેમની દેન હોવાનો દાવો કર્યો હતો જે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો નાની ઈસરોલ થી રામેશ્વર કંપાને જોડતા પુલના નિર્માણ થી લોકોમાં આનંદ છવાયો હતો.

મોડાસા તાલુકાના નાની ઈસરોલ થી રામેશ્વર કંપા વચ્ચે થી પસાર થતી મેશ્વો નદી પર પુલ બનાવવાની વર્ષો જૂની માંગણી સ્વીકારતા લોકોમાં આનંદ છવાયો હતો. પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ૪.૧૨ કરોડના ખર્ચે નાની ઈસરોલ થી જોડતા ૧૧૨ મીટર લંબાઈ ધરાવતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું કોરોનાને લઈને પુલના લોકાર્પણનું કામ વિલંબમાં પડ્યું હતું. ત્યારે ગુરુવારે ભાજપ જીલ્લા પંચાયત મેઢાસણ સીટના મહિલા સદસ્ય કમળાબેન પરમારે તેમના મત વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેમના પ્રયત્નોથી પુલનું ઝડપથી નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને પૂર્વ જીલ્લા પંચાયત વિપક્ષ નેતા અરુણ પટેલ, કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો નાની ઈસરોલ થી રામેશ્વર કંપાને જોડતા પુલનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા અને રીબીન કાપી પુલનું લોકાર્પણ કર્યું હતું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે પુલના નિર્માણ માટે રાજ્ય સરકારમાં યોગ્ય ધારદાર રજુઆત કરતા પુલનું કામ શક્ય બન્યું હોવાનું કોંગ્રેસી અગ્રણીઓએ જણાવ્યું હતું.