મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની વારાણસી સીટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે હવે કોંગ્રેસના ઉમેદવાર અજય રાય હશે. તેની સાથે જ આ હાઈપ્રોફાઈલ સીટથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મેદાનમાં ઉતરવાની અટકળો પુરી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારાશે તેવી અટકળો ચાલી રહી હતી. ખુદ પ્રિયંકા ગાંધીએ પણ કેટલાક સમયે કહી ચુકી હતી કે જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કહેશે તો તે તૈયાર છે. રાહુલે પણ કહ્યું હતું કે તેના પર સસ્પેન્સ જરૂરી છે. પરંતુ કોંગ્રેસે ૨૦૧૪ના ઉમેદવારને જ ફરી વારાણસીમાં ટિકિટ આપીને તમામ અટકળો પર પૂર્વવિરામ મુકી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી ફરજમાંથી કાઢી મુકાયેલા જવાનથી માંડી, સાધુ, ખેડૂતો સહિત ઘણા લોકો નરેન્દ્ર મોદી સામે સીધી જંગ લડશે જેથી કોઈએક વિરોધી પક્ષના મતોનું વિભાજીકરણ થશે તેવું રાજકીય પંડીતો કહી રહ્યા છે.

અજય રાય પહેલા કોલસલા વિધાનસભા બેઠક પરથી સતત ત્રણ વખત ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય રહ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ સપાની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ 2009માં અપક્ષ ધારાસભ્ય રહ્યા હતા. છેલ્લે અજય તમામ પક્ષો સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા.

હવે કોંગ્રેસે અજય રાયને ઉમેદવાર તરીકે જાહેર કરતા વારાણસી લોકસભાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 1991 બાદ ફક્ત 2004માં ભાજપ આ બેઠક પર હાર્યુ હતું એ સીવાય આ બેઠકને ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. વર્ષ 2009ની ચૂંટણીમાં ભાજપના કદ્દાવર નેતા મુરલી મનોહર જોષી ફક્ત 17 હજાર વોટની સરસાઈથી જીત્યા બતા. વર્ષ 2014માં આ બેઠક પર પીએમ મોદી સામે આમ આદમી પાર્ટી વતી અરવિંદ કેજરીવાલ મેદાને હતા ત્યારે બીજા ક્રમે અરવિંદ કેજરીવાલ અને ત્રીજા ક્રમે અજય રાયને વોટ મળ્યા હતા.