પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણુ શિક્ષણ આપણા ઘરથી શરૂ થાય છે અને ઉચ્ચ શિક્ષણ સુધી આપણા શિક્ષણની પ્રક્રિયા નિરંતર ચાલતી  રહે છે,પરંતુ  આપણા ઘરથી સ્કુલ અને કોલેજના શિક્ષણમાં ખોટ છે  કારણ આપણા ઘરથી શરૂઆત થાય છે. હું નાનો હતો અને જયારે મારા માતા પિતાના કોઈ નિર્ણય સામે હું પુછતો કે આવુ કેમ ? તો તેઓ મને કહેતા  સામો સવાલ પુછીશ નહી,અમે જે  કરીએ છીએ તે તારે કરવાનું છે, સ્કુલમાં પણ મારા શિક્ષક મને કહેતા સામો સવાલ કરીશ નહીં, આમ મને દરેક તબ્બકે એવુ કહેવામાં આવતુ હતું કે  સવાલ કરીશ નહીં .તેનું કારણ એવુ હતું કે મારા માતા-પિતા અને શિક્ષક માનતા હતા કે તેઓ જે કઈ કરે છે તે મારા ભલા માટે કરે છે જે કદાચ સાચુ પણ હતુ, પણ આમ છતા  મારી ભલાઈને લઈ મારા મનમાં કેટલાંક સવાલ હતા, પણ તેઓ મને કહેતા સવાલ પુછીશ નહીં.

આમ મારી જીદંગીનો મોટો હિસ્સો એવો પસાર  થયો  કે મને શીખવાડવામાં આવ્યુ કે સવાલ પુછીશ નહી, પણ હું જયારે પત્રકારત્વની સ્કુલમાં આવ્યો ત્યારે મને શીખવાડવામાં આવ્યુ કે પત્રકાર થવુ હોય તો સવાલ થવો જોઈએ , સરકાર અને તંત્ર પોતાના દાવાઓ કરે ત્યારે તેમના દાવાઓ અંગે સવાલ થવો જોઈએ,પણ જયારે મેં  તંત્રને સવાલ પુછવાની શરૂઆત કરી  તો  ખબર પડી કે ઘર અને સ્કુલની  જેમ તંત્રની ઈચ્છા પણ એવી છે કે તેઓ જે  કરે છે  તે મારે માની લેવાનું કારણ તંત્ર અને નેતાઓ પણ દાવો કરે છે તેઓ જે કઈ  નિર્ણય કરે તે મારી ભલાઈ માટે કરે છે. 2008માં અમદાવાદના પોલીસ કમિશનર ઓ પી માથુરની નિયુકતી થઈ ત્યારે મને સવાલ થયો  કે જે પોલીસ અધિકારી સામે ગંભીર પ્રકારના આરોપ હોય  તેવા અધિકારીને કઈ રીતે પોલીસ કમિશનર બનાવવમાં આવ્યા બસ મેં આ સવાલ પુછવાની હિમંત કરી અને મારી ઉપર રાજદ્રોહની છ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી, મારી ભુલ હતી કે મે સવાલ પુછવાની ભુલ કરી હતી.

આવી જ ઘટના થોડા દિવસ  પહેલા અમદાવાદના એક સાવ જુનિયર પત્રકાર ધવલ પટેલ સાથે બની , તેણે સવાલ પણ પુછયો ન્હોતો, પણ તેની પાસે માહિતી હતી કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને હટાવી, તેમના સ્થાને મનસુખ માંડવીયાને મુકવામાં આવી રહ્યા છે, સંભવ છે કે ધવલની માહિતી ખોટી હોઈ શકે, પણ આ બાબત વિજય રૂપાણીને પસંદ પડી નહીં અને ધવલ પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધી અને ધવલ હમણાં સાબરમતી જેલમાં છે, આવુ ભાજપના જ નેતાઓ કરે છે તેવુ નથી દેશભરમાં સવાલ પુછનાર પત્રકાર,એકટીવીસ્ટ સહિત અને નાગરિકોને કોંગ્રેસ સહિત વિવિધ રાજય સરકારોએ સવાલ પુછનારને જેલમાં ધકેલી દીધા હતા.

આમ આપણા પ્રારંભીક શિક્ષણમાં ખોટુ શિક્ષણ મળતુ હોવાને કારણે દેશનો એક મોટો વર્ગ સવાલ પુછવાનું જ ભુલી ગયો,છે,1990ની દસકમાં કોગ્રેસનું શાસન હતું, ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા,નર્મદા યોજનાનું કામ પુરજોશમાં હતું પણ એકટીવીસ્ટ મેધા પાટકર અને બાબા આમટે સહિત જેમની જમીન નર્મદાને કારણે ડુબમાં જતી હતી તેમના મનમાં કેટલાંક સવાલ હતા, પણ  કોંગ્રેસ સરકારને પણ સવાલ પુછનાર પાટકર અને આમટે પસંદ ન્હોતો, અને તેમની પાસે પણ પોલીસ કેસ ઠોકી દેવામાં આવ્યા હતા, આમ તમામ સરકારોને સવાલ પુછનાર ગમતા નથી,આવુ કેમ તેનું કોઈ સિક્રેટ કારણ નથી,જેમની પાસે સત્તા છે તેઓ એવુ માને છે કે સવાલ પુછનાર તેમની સત્તાને પડકારી  રહ્યા છે.

ખરેખર જેઓ સત્તા સ્થાને બેઠા છે તેમને સત્તા તો આપણે જ આપણા મત દ્વારા સોંપી છે એટલે જેને આપણે સત્તાની ખુરશીમાં બેસાડયા છે તેમની જ સત્તા પડકારનો  પ્રશ્ન જ નથી આમ છતાં જેઓ સત્તા સ્થાને બેઠા છે  તેવા તમામ રાજનેતાઓ માને છે કે સવાલ પુછનાર તેમને પડકારી રહ્યો  છે, આવુ સરકારો જ કરે છે તેવુ નથી ઘર હોય ખાનગી કંપની હોય દુકાન હોય અથવા કોઈ સંસ્થા હોય તેમા પણ જે વડા છે તેઓ કાયમ એવુ જ માને છે કે તેઓ  જે કરે છે તે ઉત્તમ અને ન્યાચી છે એટલે તેમના  નિર્ણય ઉપર શંકા કરવાની નહીં અને સવાલ પુછવાનો નહીં, પણ આપણે તેવુ કરી શકીએ નહીં કારણ આપણે સર્કસના પ્રાણી નથી કે આપણો રીંગ માસ્ટર આપણને જે આદેશ આપે તેનું પાલન કરી, આપણને સવાલ તો થવાના અને જો આપણને સવાલ થતો નથી તો આપણે પોતાને પુછવુ પડશે કે આવુ કેમ ?