મેરાન્યૂઝ નેટવર્ક.છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો મહેસાણા ખાતે ચિંતન શિબિરમાં ગયા હતા. જ્યાં ચૂંટણીના પરિણામો અંગે કાર્યકરો પાસે પાર્ટીના મોવડી મન્ડળે રીવ્યુ માગ્યો હતો. 2012માં સંખેડા બેઠક કોંગ્રેસ પાસે હતી જ્યારે કે, હાલમાં ચૂંટણીમાં આ બેઠક ભાજપની ઝોલીમાં ઠલવાઇ ગઈ છે. આ અંગે સંખેડાના જવાબદાર કાર્યકરોને મોવડીઓએ પુછતાં ઇવીએમ મશીનને કારણભૂત ગણાવ્યું હતું. તે સાથે ભાજપ દ્વારા વધુ નાણાં ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પણ કારણ આગળ કરાયું હતું.

જિલ્લાની છોટાઉદેપુર અને જેતપુર બેઠક કોંગ્રેસે જીતી છે. જેતપુર બેઠક ભાજપ પાસેથી આંચકી કોંગ્રેસના સુખરામ રાઠવા ધારાસભ્ય બન્યા છે ત્યારે સંખેડા બેઠક કોંગ્રેસના હાથમાંથી સરકી જવા બદલ મોવડીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી. બીજું કે, છોટાઉદેપુર સીટ પર વિજેતા ઘોષિત થયા કે તરત જ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ ઇવીએમ સાથે ચેડાં થયાની વાતને રદિયો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઇવીએમમાં કોઈ ગરબડ થઈ હોય તેમ મને લાગતું નથી.

એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા જેઓ વિધાનસભા વિરોધપક્ષના પણ નેતા છે તેઓ એ વાતનો ઇન્કાર કરી રહ્યા છે કે ઇવીએમ નો કોઈ ગોટાળો હોય ત્યારે બાજુની જ સંખેડા બેઠક હારી જવા માટે ઇવીએમ પર ઠીકરું ફોડાઈ રહ્યું છે તે કેટલા અંશે વ્યાજબી અને યોગ્ય છે? તેવા સવાલ આમ પ્રજામાં પુછાઈ રહ્યા છે.