મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: વિધાનસભા માટેની પેટા ચૂંટણી દરમિયાન કચ્છમાં અબડાસાની બેઠક ઉપર રેકોર્ડ બ્રેક મતથી જીતનારા ભાજપથી માત્ર લોકો જ નહીં પરંતુ વિપક્ષ કોંગ્રેસ પણ ખુશ છે. અને કોંગ્રેસે તેની આ ખુશી બાકાયદા એક પ્રેસ નોટ મારફતે વ્યક્ત પણ કરી છે. જેને કારણે કચ્છનાં રાજકીય બેડામાં તો ઠીક સામાન્ય લોકો પણ મોઢામાં આંગળા નાખી ગયા છે. કચ્છમાં નર્મદા નિગમના કામથી કોંગ્રેસે તેની ખુશી વ્યક્ત કરીને ભાજપ સરકારનાં અધિકારીઓની ભૂરી ભૂરી પ્રશંસા કરી છે. જેને કારણે અબડાસાની જીતમાં માત્ર લોકોનો જ નહીં પણ કયાંક ને કયાંક કોંગ્રેસનો 'હાથ' હોવાની વાતને સમર્થન હોવાની હવાને બળ મળ્યું છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા દિપક એસ. ડાંગરના નામે ફરતી થયેલી પ્રેસનોટમાં કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલ ઉપરાંત અંજાર તાલુકા પંચાયતનાં સભ્ય શામજી ભૂરા આહીર અને અરજણ ખાટરીયાનાં નામ છે. તેમના નામે આ પ્રેસનોટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નર્મદા ઓથોરિટી દ્વારા કચ્છની લાખાપર કેનાલમાં નર્મદાનું પાણી છોડવાથી 500થી પણ ખેડૂતને શિયાળુ પાક લેવામાં મોટી રાહત મળી છે. અગાઉ નર્મદા નિગમ દ્વારા આ કેનાલની સફાઈની વાત કરવામાં આવી હતી. જેનો ઉપરોક્ત કોંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો. જેને પગલે નિગમએ સફાઈનું કામ હાલ પડતું રાખીને પાણી છોડ્યું છે. જેને કારણે ખેડૂતોને હાલ પૂરતો ફાયદો થયો છે.


 

 

 

 

 

કોંગ્રેસની આ પ્રેસનોટમાં નેતાઓ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આગામી દિવસોમાં પણ એક મીટરની સપાટી જેટલું નર્મદાનું પાણી કેનાલમાં છોડવામાં આવશે તેવી વાતો નિગમના અધિકારી કરી રહ્યા છે. જેને પગલે કોંગ્રેસે સત્તાવાર રીતે ભાજપ સરકાર હસ્તકનાં નર્મદા નિગમના બાબુઓનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

નર્મદાનાં પાણીની હકીકત શુ છે

સરહદી જિલ્લા કચ્છમાં નર્મદા કેનાલ અને તેનું પાણી વર્ષોથી એક મોટો રાજકીય મુદ્દો રહેલો છે. કોંગ્રેસની પ્રેસનોટમાં જિલ્લા પંચાયતનાં વિપક્ષી નેતા તરીકે જે નેતાનું નામ છે તેવા વી.કે.હુંબલ પોતે નર્મદાને મામલે કચ્છ ભાજપને આડે હાથ લઈ ચૂકેલા છે. ત્યારે જાણકારોએ એવી ટિપ્પણી કરી હતી કે, ખરેખર તો કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થયો હતો ત્યારે જ પાણી આપવું જોઈતું હતું. ત્યારે પાણી ન આપ્યું અને હવે જયારે કોંગ્રેસે આજીજી કરી અને પાણી મળ્યું છે ત્યારે ઉલટાનું કોંગ્રેસે આ વાતને લોકો સુધી લઈ જવાને બદલે ભાજપ સરકારનાં નર્મદા નિગમને શાબાશી આપે છે. હવે જયારે કચ્છમાં નર્મદાનો પ્રશ્ન આવશે ત્યારે કચ્છ કોંગ્રેસ કયા મોઢે ભાજપનો વિરોધ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે.