મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: આજરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં EVM મશીનમાં ગોટાળા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. તેમજ રાજકોટમાં મતદાન દરમિયાન કેટલાક મતદાન મથકો પર ચોક્કસ નામ 'નમો' વાઇફાઇ કનેક્ટ થતા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. તેમજ મુખ્યમંત્રીએ પોતાના પરિવાર સાથે કરેલા મતદાન દરમિયાન પોતાનો મત પરિવારના સભ્યોને બતાવી કાયદાનો ભંગ થયો હોવાનું પણ કોંગ્રેસ દ્વારા જણાવાયું છે. અને આ તમામ બાબતે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.

રાજકોટ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે આ અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઇવીએમમાં ઇન્દ્રનીલનું બટન દબાવો તો સાથે રૂપાણીના બટન અને અન્ય એકના બટન પર લાઇટ થાય છે. આ અંગે ઓબ્ઝર્વર અશ્વિનીકુમારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ અલગ અલગ મતદાન મથકોના લગભગ તમામ બૂથ પર વાઇફાઇ ડાયરેક્ટ કનેક્ટ થાય છે. તેમજ અલગ અલગ જગ્યાએ વાઇફાઇમાં યુઝરનેમ એક સરખા આવે છે.

રાજકોટ 69 વિધાનસભાના મતદાન મથકોના લગભગ બૂથ વોર્ડ નં.1માં બૂથ નં.1થી 9, 20થી 24, વોર્ડ નં. 9માં બૂથ નં. 68થી 74, 84થી 88 તેમજ મતદાન મથકના મહતમ બૂથ પર વાઇફાઇ ડાયરેક્ટ કનેક્ટ થાય છે. તેમજ અલગ-અલગ જગ્યામાં વાઇફાઇના યુઝરનેમની સિરીઝ એક સરખી આવે છે અને પાસવર્ડ સુરક્ષિત નથી. ત્યારે આ અંગે કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના તાત્કાલિક જરૂરી પગલાં લેવાની માંગ પણ આ ફરિયાદમાં કરવામાં આવી હોવાનું મહેશ રાજપુતે જણાવ્યું હતું.