ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ. મુંબઈ): જાગતિક અર્થતંત્રના સારા દિવસો પાછા ફરી રહ્યાનો આશાવાદ આપણને કોમોડિટીની વર્તમાન સુપર સાયકલમાંથી દ્રષ્ટિગોચર થવા લાગ્યો છે. જો આપણે ૨૦૨૦ના કોમોડિટી ભાવ ડેટાને આ વર્ષના ભાવ સાથે સરખાવીએ તો ફુગાવાની વાર્તા શરૂ થયાનું જણાઈ આવશે. ગયાવર્ષે કોરોના મહામારીનો આરંભ થતાં જ વિશ્વના તમામ દેશોની સરકારો માનવા લાગી હતી કે હવે આપણાં અર્થતંત્રનું આવી બન્યું છે અને એપ્રિલ-મેમાં ભાવ નવા તળિયા શોધવા લાગ્યા હતા. હવે વિશ્વસ્તરે લોકડાઉન આંશિક રીતે ખૂલવા લાગ્યા છે, છતાં આપણે એમ ના કહી શકીએ કે વર્ષાનું વર્ષ ઇકોનોમીમાં ધરખમ ઉછાળો આવશે.

ગત સપ્તાહે અમેરિકાનો ફુગાવો ૨૦૦૮ પછીની નવી ઊંચે સપાટીએ ૪.૨ ટકાએ પહોંચ્યાના સમાચારે અમેરિકન બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. તાજેતરના મહિનાઓમાં ઉછળેલા તમામ કોમોડિટીના ભાવોએ લોકોના ખીસામાં કાણાં પાડી દીધા છે. અમેરિકન કોલોનીયલ પાઈપલાઈનો પર હેકરોએ હુમલો કર્યાના સમાચારે પેટ્રોલિયમપેદાશની અછત ઊભી થવાના ભયે પેટ્રોલના ભાવ આસમાને પહોંચાડી દીધા. કૃષિ પેદાશોના ભાવની તેજીની આગેવાની મકાઇ, સોયાબીન અને ઘઉએ લીધી અને હવે મનાય છે કે ભાવ ગતવર્ષની તુલનાએ આ વર્ષે ૧૪ ટકા વધશે.

તમે વર્લ્ડ બેન્કના ૨૦૧૦ના કોમોડિટી પ્રાઇસ ઇન્ડેક્સની સરખામણી કરી જુઓ તમને જણાશે કે ઘણી બધી કોમોડિટી અત્યારે એ જ રસ્તે ચાલવા લાગી છે. ૨૦૧૦નો કૃષિ કોમોડીટી ઇંડેક્સનો બેઝ ૧૦૦ ગણી તો ૨૦૧૯ માં તે ઘટીને ૮૩ થયો હતો, અને હવે વધીને ૧૦૩ થયો છે. ઇમારતી લાકડાનો ૨૦૧૦નો બેઝ ૧૦૦ ગણી તો તે હવે ૯૧ અને મેટલ ૧૦૯ છે.

વર્લ્ડ બેંક કહે છે કે ૮૦ ટકા કોમોડિટીના ભાવ કોરોનો મહામારી પૂર્વેના ઉચ્ચ સ્તરે જતાં રહ્યા છે. ચીનનો સેનજીયાંગ પ્રાંત જે વિશ્વનો મોટો રૂ સપ્લાયર છે, તેના પર પશ્ચિમના દેશોએ પ્રતિબંધ મૂક્યા પછી રૂના ભાવ આસમાને ગયા અને વસ્ત્રોના ભાવ અછૂતા ના રહ્યા. માઈક્રોચિપની તીવ્ર અછત સર્જાઇ અને સ્માર્ટ ફોનના ભાવમાં પણ વધારો થયો. નવી કારના ભાવ વધ્યા, આ શ્રેણીમાં તમામ વ્હાઇટ ગુડ્સના ભાવ વધતાં રોકી ના શકાયા. 


 

 

 

 

 

આ તરફ ગતવર્ષે અમેરિકન ડોલર નાટ્યાત્મક રીતે નબળો પડ્યો, પરિણામે અન્ય દેશોની કરન્સીમાં થતી આયાતો મોંઘી પાડવા લાગી. તમને નથી લાગતું કે વિશ્વભરમાં લાંગાગાળાના મજબૂત ફુગાવાના ફન્ડામેન્ટ્સ ઊભરી રહ્યા છે? જે આપણને ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં જીવાતા જીવનની ખાટીમીઠી યાદ અપાવવા લાગ્યા છે. અથવા એવું પણ બને કે કોરોના મહામારીની મંદીમાંથી ઉભરવાના ટૂંકાગાળાના સંકેત આપતા હોય. 

અમેરિકન પ્રમુખ જો બાઈડેને મહામારી બચાવ, માળખાગત સુવિધા વિસ્તાર, હેલ્થ અને વેલ્ફેર ફંડ જેવા અનેક ક્ષેત્રે અબજો ડોલરના રાહત પેકેજોની જાહેરાત કરી તેણે ફુગાવાની અફવામાં ઘી નાખવાનું કામ કર્યું છે. જો આ ત્રણે પેકેજનો વાસ્તવિક અમલ થાય તો વર્ષો સુધી અમેરિકન અર્થતંત્ર નવપલ્લવિત થતું રહેશે. પણ શું તે ફુગાવાની આગેવાની લેશે? કે પછી આખા વિશ્વની ઈકોનોમીમાં આ સદીની સૌથી મોટી સુનામી લાવશે? ઘણા બધા દેશના અર્થતંત્રોમાં અત્યારે અફડાતફડીનો માહોલ શરૂ થયો છે, તેનો પાયો એક વર્ષ અગાઉ નખાયો હતો પણ વર્તમાન ઇનફલેશન ટ્રેન્ડનો વાસ્તવિક ખ્યાલ આવતા આવતા એકાદ વર્ષ લાગી જશે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)